
આજે 08 નવેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગાંધીનગરમાં નિવૃત્ત ડેપ્યુટી સચિવના પુત્ર નીરવ મહેન્દ્રભાઈ દવે અને તેની પત્ની મીરા નીરવ દવે એ ખોટા ટેન્ડર બનાવી. તેમાં પૈસા ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર દંપતr હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ પોલીસે આ ઠગ દંપતીને સામે વધુ એક ગુનો નોંધાયો છે. આ પ્રકારે વેપારી પાસેથી 1.9 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. જોકે પોલીસ આ દંપતીને શોધવા સતત પ્રયત્ન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે દંપતી સામે દોઢ મહિના પહેલા પણ 20 કરોડ 40 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પણ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ આંકડો હજુ પણ વધવાની શક્યતા સેવાઈ રહી છે.
ગીર સોમનાથઃ વેરાવળમાં પ્રિ-વેડિંગ શુટ દરમિયાન યુવતી દરિયામાં ડૂબી ગઈ છે. પોલીસ અને NDRF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. 30 કલાક બાદ પણ યુવતીની કોઈ ભાળ મળી નથી. આદરીથી ચોરવાડ સુધીના દરીયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. આદરી ગામે પ્રિ-વેડિંગ શૂટ દરમિયાન યુવતી ડૂબી હતી.
જૂનાગઢ : ગિરનાર પર રીલ બનાવવી મોંઘી સાબિત થઈ છે. વન વિભાગે પાંચ યુવાનો સામે કાર્યવાહી કરી છે. દરેક યુવાનને 2000 રૂ.નો દંડ કરાયો છે. રાજકોટના ચાર અને મહુવાનો એક યુવક પકડાયો છે. આ યુવકોએ ગિરનારની શીલાઓ પર ચડી વીડિયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયામાં રીલ વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. વન્યજીવ સુરક્ષા કાયદા હેઠળ સખત કાર્યવાહી કરાઈ છે. બેદરકારી ભર્યું સાહસ હવે સજા લાયક ગુનો બન્યો છે. યુવાનોએ બનાવેલી રીલ અંગે પોલીસે તપાસ શરુ કરી છે. ગુનો કબૂલ કરી યુવાનોએ માફી માગી છે.
સાબરકાંઠા જિલ્લામાં જાણે પોન્ઝી સ્કીમનું એપી સેન્ટર હોય તેવો ઘાટ સર્જાયો છે કારણ કે BZ અને AR ગ્રુપ જેવી પાંચ જેટલી પોન્ઝી સ્કીમોના ખુલાસા બાદ. હવે હિંમતનગરની ‘ધ બીગ બુલ’ નામની પેઢીના સંચાલકો સામે ફરિયાદ નોંધવા SPને રજૂઆત કરવામાં આવી છે. આરોપ છે કે આ પેઢીમાં 20 ટકા સુધીનું વળતર આપવાની લાલચે રોકાણ કરાવવામાં આવ્યું. પહેલા તો સમયસર નફો મળતો રહ્યો. પરંતુ છેલ્લા 6 મહિનાથી અનેક રોકાણકારોને તેમનો નફો મળ્યો નથી. તો મુખ્ય સંચાલક જગદીશ ગોસ્વામી રોકાણકારોના રૂપિયા લઈ ફરાર થઈ ગયો હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા રોકાણકારોએ SP કચેરીએ પહોંચ્યા હતા અને ‘ધ બીગ બુલ’ના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
સુરત: કડોદના પિતા-પુત્રી નેપાળ ગયા બાદ ગુમ થયા છે. પર્વતીય ટ્રેકિંગ માટે ગયેલા પિતા-પુત્રીનો દુર્ગમ વિસ્તારમાં ટ્રેકિંગ વખતે હિમવર્ષા થતા સંપર્ક તૂટ્યો છે.
છેલ્લે 21 નવેમ્બરે પરિવાર સાથે સંપર્ક થયો હતો. 30 નવેમ્બર સુધીમાં પરત આવવાનું કહ્યા બાદથી ગુમ થયા છે. અત્યાર સુધી પિતા-પુત્રીની કોઈ ભાળ મળી નથી.
પરિજનોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.
સરકારે જાહેર કરેલા સહાય પેકેજ સામે કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીની માગ પર અડગ છે. કમોસમી વરસાદે તારાજીમાંથી ખેડૂતને બેઠો કરવા સરકારે 10 હજાર સહાય પેકેજ તો જાહેર કર્યું છે પરંતુ તેમાં મહત્તમ 2 હેક્ટર સુધી જ સહાયની જોગવાઈ કરાતા કોંગ્રેસ પેકેજને અપૂરતું ગણાવ્યું છે અને ખેડૂતને તમામ દેવું માફ કરવાની માગ દોહરાવી છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પાક વીમા યોજનાને લઈ પ્રહાર કરતા નિવેદન કર્યું કે રાજ્ય સરકારે પાક વીમા યોજના બંધ કરતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. તેથી સરકાર જ વળતર ચૂકવે કોંગ્રેસે ખેડૂતોની સાથે અમરેલીમાં ધરણા અને ટ્રેક્ટર રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
અમદાવાદઃ મોરૈયા ગામે યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ચાંગોદર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ધંધાકીય અદાવતમાં હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.
અગાઉ મૃતક અને આરોપી સલૂનમાં સાથે કામ કરતા હતા. આરોપી રાતના સમયે મૃતકના ઘરે ગયો હતો. મૃતકને બાલ્કનીમાં છરીના ઘા ઝીંક્યા હતા. હત્યા કરી પરત ફરતા આરોપીના CCTV સામે આવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો. 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે પરીક્ષા. ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે. પ્રથમ વખત ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાનું આયોજન.
રાજકોટ: વ્યાજના ખપ્પરમાં વધુ એક પરિવાર ફસાયો છે. વ્યાજખોરોએ યુવક પર જીવલેણ હુમલો કર્યાનો આરોપ પરિવારે લગાવ્યો છે.
ભોગ બનનારના ભાઈએ ટુકડે ટુકડે ₹1 કરોડ વ્યાજે લીધાં હતા. રૂપિયા વ્યાજે લેનાર વિશાલ વિરડા છેલ્લા 8 દિવસથી ગૂમ છે. વિશાલ ક્યાં છે કહી ભાઈ દિલીપ વિરડાને માર મારવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. વ્યાજખોરો ₹1 કરોડના 10 કરોડ માગી રહ્યા છે. ભોગ બનનારના પિતાએ વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ન્યાય ન મળે તો સમગ્ર પરિવાર આત્મહત્યા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
વિશાલ વિરડાએ ઘર છોડતા પહેલાં લખેલી ચીઠ્ઠી સામે આવી છે. અને તેમાં તેણે વ્યાજખોર તરીકે વિજય મકવાણા તેમજ ભાવેશ મકવાણા નામના ભાઈઓનો ઉલ્લેખ કર્યો છે. અને તેમના ત્રાસથી જ ઘર છોડ્યાનું જણાવ્યું છે. વિશાલ વિરડાના પિતા વિનુ વિરડા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
તો બીજી તરફ જેમના પર આક્ષેપ છે તે ભાવેશ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે વિશાલ વિરડા પર મિત્રતાના નામે છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો છે. આક્ષેપ કર્યો છે કે વિશાલ અનેક લોકોના રૂપિયા લઈને ગૂમ થઈ ગયો છે.
બનાસકાંઠા: કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોએ કાર્યવાહી કરતા ગેરકાયદે નકલી દવાઓ મામલે વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી 4 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. બંને આરોપીઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે, અગાઉ પણ કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે ફેબ્રુઆરીમાં તપાસ કરી રહી હતી. ત્યારે, ધાનેરા અને થરાદમાં દરોડા પાડીને 2 આરોપીઓને ઝડપ્યા હતા. જેતે સમય તેમની પાસથી 5 કરોડની નકલી દવાઓ જપ્ત કરાઇ હતી તો, ફરીએક વાર નાર્કોટિક્સ ટીમને નકલી દવાઓ બાબતે જાણ થતા દરોડા પાડ્યા અને તપાસ કરી તો બિનઅધિકૃત અને પ્રતિબંધિત દવાઓ જપ્ત કરાઇ. જેમાં ગર્ભપાત માટેની દવાઓ પણ સામેલ છે. આ શખ્સો અમદાવાદની એક કંપનીના નામનો દુરૂપયોગ કરીને…. નકલી દવા વેચતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ 42 લાખથી વધુ દવાઓ માર્કેટમાં સપ્લાય કરી ચૂક્યા છે.
ભરૂચ: ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમા માતર પાસે દિલ્લી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં ટ્રેક્ટર અને ટ્રેલરના 2 ટુકડા થઈ ગયા હતા
ગાંધીનગરઃ કલોલમાં બે દીકરીઓ સાથે પિતાએ આપઘાત કર્યો. બોરિસણામાં યુવકે પોતાની દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. પિતા દીકરીઓના આધારકાર્ડ કઢાવવાના બહાને બહાર નીકળ્યો હતો. મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. સાંતેજ પોલીસમાં પિતા અને દીકરીઓના ગુમ થવાની ફરિયાદ નોંધાઈ. કેનાલમાંથી મૃતદેહ મળતા પરિવારમાં શોકનો મોજુ ફેલાયો. દીકરીઓની લાશ મળી ગઈ, જ્યારે પિતાની શોધખોળ હજુ ચાલુ છે. 10 વર્ષ અને 4 વર્ષની દીકરીઓના મોત નિપજ્યા છે.
સુરતઃ નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનું ઓલપાડમાં ખેડૂતોએ ભવ્ય સ્વાગત કર્યું. કૃષિ રાહત પેકેજની જાહેરાત બાદ દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ. ઓલપાડ બજાર ખાતે DyCM હર્ષ સંઘવીની હાજરીમાં સરકારી રાહત પેકેજ માટે ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો. રાજ્ય સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોએ, રાજકીય અને સહકારી આગેવાનો સાથે મળીને આ નિર્ણયને સરાહ્યા. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા જાહેર સભામાં ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું.
ડીજીપી લૉ એન્ડ ઓર્ડર દ્વારા તમામ પોલીસ કમિશનરો અને એસપીઓને પત્ર લખીને સૂચના આપી નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવા જણાવાયું છે. આ પગલાંનો ઉદ્દેશ જ્યુડિશ્યલ ઓફિસર્સ અને તેમના પરિવારને પૂરતી અને જરૂરી સુરક્ષા પ્રદાન કરવાનો છે. અમદાવાદમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના બાદ ગુજરાત જ્યુડિશ્યલ સર્વિસ એસોસિએશન (GJSA) દ્વારા ગૃહ વિભાગને પત્ર લખી સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો કે જજ કોઈ પણ ડર વિના અને નિર્ભયતા સાથે જજમેન્ટ આપી શકે તે માટે તેમનો અને કોર્ટ સ્ટાફ, કોર્ટ બિલ્ડિંગ તેમજ નિવાસસ્થાન પર સુરક્ષા કાયદેસર વધારવી જરૂરી છે.
વલસાડ: બેદરકાર નગરપાલિકાનો ખેલ ખુલ્લો પડ્યો છે. નગરપાલિકાની ટીમે એક જ રસ્તાનું 2 વખત ખાતમુહૂર્ત કર્યું. મોગરવાડીથી અબ્રામાને જોડતા રસ્તાનું 2 વખત ખાતમુહૂર્ત થયુ. બંને ખાતમુહૂર્તમાં પાલિકા પ્રમુખની ઉપસ્થિતિ જોવા મળી. બીજા ખાતમુહૂર્તમાં ધારાસભ્યની પણ હાજરી રહી.
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્તો ખેડૂતો માટે સરકારે જાહેર કરાયેલા પેકેજ મામલે કોંગ્રેસ દ્વારા પક્ષપાતના ગંભીર આક્ષેપો કર્યાં છે. જિલ્લા કલેક્ટરને કોંગ્રેસે લેખિતમાં રજૂઆત કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે જિલ્લામાં આશરે 2 હજાર 150 હેક્ટર વિસ્તારના 2 હજાર જેટલા ખેડૂતોના પાકને નુકસાન થયું છે, પરંતુ સરકારની સહાય દરેક સુધી પહોંચી નથી. એટલું જ નહીં જિલ્લામાં કેટલાક ગ્રામરક્ષક અને સરપંચો દ્વારા સરવેની કામગીરીમાં પક્ષપાતનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. અનેક ખેડૂતોના નામ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. ચીકટીયા ગામમાં લોકોએ પણ પોતાની વેદના ઠાલવી કે સરકારની હજુ સુધી સહાય મળી નથી. ત્યારે ફરી સરવે કરી અસરગ્રસ્ત તમામ ખેડૂતોને યોગ્ય સહાય આપવાની માગ કોંગ્રેસે કરી છે.
રાજકોટ: જસદણના વિંછિયાના યુવકે આપઘાત કર્યો છે. નવી સિવિલમાં મજૂરી કરનાર યુવકે ગળેફાંસો ખાધો. ઝૂંપડીમાં દોરડું બાંધીને યુવકે જીવન ટૂંકાવ્યું. યુવકે આપઘાત પહેલા પત્નીને ફોન કરીને આપવીતી જણાવી. ભાઇ-ભાભી અને રાજકોટના પાડોશીઓ સામે આક્ષેપ કર્યા. માનસિક ત્રાસના કારણે આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ છે.
સુરેન્દ્રનગર: સાયલાના ઇશ્વરીયા ગામે PGVCLના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે ભયાનક ટકરાવો થયો. ગ્રામજનો દ્વારા કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, કર્મચારીઓ પૂછ્યા વિના ઘરમાં પ્રવેશ્યા અને નંબર પ્લેટ વગરની કારમાં આવ્યા હતા. ઇશ્યુ એ પણ છે કે તેઓ પાસે ID કાર્ડ નહોતું અને ગ્રામજનો સામે દાદાગીરીનો આચરણ કર્યું.
દારૂબંધી છતાં બુટલેગરો અવનવા કીમિયા દારૂની હેરાફેરી માટે અપનાવે છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે લસણની આડમાં લવાતો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. અડાલજ કેનાલ નજીકથી પિકઅપ ડાલામાં લસણની આડમાં ગેરકાયદે રીતે દારૂ લવાઈ રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો સહિત કુલ 12.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ બે ઇસમોની ધરપકડ પણ કરી છે.
મંત્રી મંડળના વિસ્તરણથી વિધાનસભાની સમિતિઓ પર સૌથી મોટી અસર થશે; ધારાસભ્યો મંત્રી બનતા સમગ્ર સમિતિ વચ્ચે ફેરફાર થશે, જેમાં ખાલી પડેલી જગ્યો માટે નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જાહેર હિસાબ સમિતિમાં 6 જગ્યા ખાલી હોવાનું જાણવા મળ્યું છે અને નાણાં-સંબંધી 4 વિધાનસભાની સમિતિઓમાં અંદાજ સમિતિ, જાહેર હિસાબ સમિતિ, જાહેર સાહસ સમિતિ, પંચાયતી સમિતિ મતદાન યોજવાની સંભાવનાઓ ઊભી છે.
માવઠાને કારણે દાડમના બાગાયત પાકને વ્યાપક અસર થઇ, દાડમ બગડી જતાં ખેડૂતોની હાલત કફોડી છે. કપાસ, મગફળી ઉપરાંત બાગાયત પાકને પણ ભારે નુકસાન; દાડમ, સરગવો, લીંબુ જેવા પાકો પણ બગડ્યાં છે.
અમદાવાદમાં SG હાઇવે પર થલતેજ અન્ડરપાસમાં અકસ્માત થયો છે. આઈસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો. હાઇવે ઉપર ઉભેલા ટ્રક સાથે પાછળથી આવતી કિયા કાર અથડાઈ. કારમાં સવાર 3 લોકોને સારવાર માટે સોલા સિવિલ ખસેડાયા છે. જ્યારે કારચાલક 23 વર્ષીય યુવાનનું મોત થયુ છે. અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
જામનગરઃ શિયાળાની ધુમ્મસના અદભૂત દ્રશ્યો સામે આવ્યા છે. કાલાવડ શહેરમાં શિયાળાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. આખા શહેરને ધુમ્મસની ચાદર ઓઢી હોય તેવા આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.
અમેરિકાઃ એરલાઇન્સ કંપનીઓમાં સ્ટાફની અછત છે. શટડાઉનની સીધી અસર હવાઇ સેવા પર વર્તાઇ રહી છે. અમેરિકામાં 1 હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરાઇ. શટડાઉનને પગલે એરપોર્ટ પર અનેક મુસાફરો અટવાયા.
દિલ્લીઃ રિઠાલા મેટ્રો સ્ટેશન નજીક ભીષણ આગ લાગી છે. ભીષણ આગમાં અનેક ઝૂંપડીઓ બળીને ખાખ થઇ ગઇ છે. LPG સિલિન્ડર ફાટતા આગ લાગ્યાનું અનુમાન છે. ફાયર વિભાગના 15થી વધુ વાહનો ઘટનાસ્થળે છે. મોડી રાત્રે લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે.
ગીર સોમનાથ: 2 પરિવારો વચ્ચે જોરદાર બબાલ થઇ. બંને પરિવાર વચ્ચે મારામારી થતા 4 લોકોને ઇજા પહોંચી છે. કોડિનારના ઉના ઝાંપા વિસ્તારમાં મકાન નજીકના રસ્તાને લઇ વિવાદ સર્જાયો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
Published On - 7:26 am, Sat, 8 November 25