આજે 08 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક સ્ટીલ પ્લાન્ટમાં થયેલા ભયાનક અકસ્માતમાં આઠ લોકોના મોત થયા. પ્લાન્ટની SMS-2 અને STC-3 હીટ ફેસિલિટીમાં પીગળેલુ સ્ટીલ ઢોળાઈ જતા આઠ કર્મચારીઓ સળગી ઉઠ્યા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે. અત્યંત ઊંચા તાપમાને પીગળેલા સ્ટીલવાળુ વેસ્લ્સ ફાટવાથી થયો હતો. ઘટના બાદ ફેકટરીમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેના કારણે કર્મચારીઓ અને અધિકારીઓ સલામતી માટે ભાગદોડ મચાવી દીધી હતી. સ્ટીલ પ્લાન્ટની આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નિર્ધૂમ ચૂલા માટે નરેન્દ્ર મોદી સરકારે ઉજ્જવલા યોજના અમલમાં મૂકી હતી. ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીયુક્ત રાધણગેસના સિલિન્ડરો પૂરા પાડવામાં આવતા હતા. જો કે, કેન્દ્ર સરકારે હવે ઉજ્જવલા યોજનામાં આપવામાં આવતા સબસિડીયુક્ત ગેસ સિલિન્ડરની સંખ્યા ઘટાડી નાખી છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે વર્ષમાં ફક્ત ચાર સિલિન્ડર મળશે, જે અગાઉના નવ સિલિન્ડર આપવામાં આવતા હતા. સરકારે અગાઉ સિલિન્ડરોની સંખ્યામાં પણ ઘટાડો કર્યો હતો.
અમરેલીના બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્ક ACBના ટ્રેપમાં ઝડપાયા. નગરપાલિકામાં જન્મ મરણ નોંધણી તરીકે ફરજ બજાવતા નનુભાઈ ગમારા. ફરિયાદીના મિત્રના દીકરીનો જન્મ દાખલો કાઢી આપવા 5000ની લાંચ માંગણી કરી હતી અંતે રકજક વચ્ચે 4000માં નક્કી કર્યા હતા. બાબરા બાયપાસ ઠાકરધણી હોટલ નજીક જુનિયર ક્લાર્ક નનુભાઈ ગમારા 4 હજારની લાંચ લેતા ઝડપાયા હતા. ભાવનગર એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના અંકલેશ્વરમાં કોંગ્રેસે, મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. અંક્લેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકરોનો સરકાર વિરુદ્ધ દેખાવો કર્યાં હતા. પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિત જીવનજરૂરી ચીજોના ભાવવધારા સામે રોષ. પેપર લીક કૌભાંડ અને વધતી બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો. વિરોધ દરમિયાન પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી.
જામનગરના ધુડશીયા ગામની સીમમાંથી શંકાસ્પદ ભેળસેળવાળું ઘી ઝડપાયું. પંચકોશી એ ડિવિઝન પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહી. ખાનગી બાતમીના આધારે પરેશભાઈ વણપરીયાના સ્થળે દરોડામાં, સ્થળ પરથી શંકાસ્પદ ઘીના 9 કેન મળી આવ્યા. કુલ 314 કિલો ઘી, અંદાજિત કિંમત ₹1.57 લાખ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે. આરોપી પરેશભાઈ ભીમજીભાઈ વણપરીયા રાજકોટનો રહેવાસી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગુજરાત હાઈકોર્ટે ક્રિકેટર અને TMC MP યુસુફ પઠાણના પ્લોટ દબાણનો મામલે કડક વલણ દાખવ્યું છે. વડોદરામાં પ્લોટ મામલે યુસુફ પઠાણની વધી શકે છે મુશ્કેલી. ગુજરાત હાઇકોર્ટે પૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યુસુફ પઠાણને વેધક સવાલો કર્યા છે. કોઇ ફોર્માલિટી વિના તમે જાહેર પ્લોટ કેવી રીતે લઇ શકો? પ્રક્રિયા પૂર્ણ થયા વિના કોઇ પ્લોટમાં કઇ રીતે જઇ શકે? તમે આજ દિન સુધી કોર્પોરેશનને એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. કોઇ પણ જાતની મંજૂરી વિના વર્ષોથી પ્લોટ પચાવી પાડ્યો. સ્ટેન્ડિંગ કમિટીની પ્રપોઝલ હતી કોઇ મંજૂરી મળી નથી. સરકારી પ્લોટ પર ફેન્સિંગ માટે તમારે દંડ ચૂકવવો પડશે તેમ પણ હાઈકોર્ટે કહ્યું હતું. તમે કબ્જો ના કર્યો હોય તો અત્યારે જ કોર્પોરેશન પ્રવેશ મેળવે? અરજદાર યુસુફ પઠાણને જવાબ રજૂ કરવા એક સપ્તાહનો સમય આપ્યો છે. આગામી સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોને ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્ય પ્રધાને 629 કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના 6 રસ્તાઓના ફોરલેન માટે મંજૂર કર્યા છે. જે માર્ગોને ચાર માર્ગીય કરવા માટે નાણાં ફાળવ્યા છે તેમાં મુન્દ્રા લુણી વડાલા રોડના 4.1 કિ.મી., દેશલપર સીરચા રોડ 5.1 કિ.મી., મુન્દ્રા ઝરપરા કાંડગરા ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના 5.5 કિ.મી., નાવીનલ ગામના બાયપાસ રોડના 3.3 કિ.મી, મોટા કાંડગરા ગામના 4.5 કિ.મી., અને મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ ચે. 19થી 39 ના 20 કિ.મી.નો સમાવેશ થાય છે.
અમદાવાદમાં વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર. સ્કુલ વર્ધી એસોસિએશને ભાડામાં કર્યો વધારો. સ્કુલ રિક્ષાના ભાડામાં 100 રૂ. અને સ્કુલ વાનના ભાડામાં 200 રૂ.નો વધારો. રિક્ષાના ભાડામાં એક કિમી સુધી 750 ના વધારીને 850 કરાયા છે. સ્કુલ વાનના ભાડામાં એક કિમી સુધી 1200માં વધારો કરી 1400 કરાયા છે. CNG નાભાવમાં વઘારો થતા સ્કુલ વર્ધી એસોસિએશને લીધો નિર્ણય. છેલ્લે ભાવ વધારો કરાયો ત્યારે CNG ના ભાવ 76 રૂપિયા હતા. CNGનો ભાવ 88 રૂપિયા થતા એસોસિએશને સ્કૂલ વર્ધી ભાડામાં પણ વધારો કર્યો.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સતત બીજા દિવસે પણ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. દિલ્હી મુંબઈ હાઇવે પર પાદરા કરજણ વચ્ચે અકસ્માત સર્જાતા 3ના મોત થયા છે, જ્યારે 1 ઘાયલ છે. દિલ્હી મુંબઈ હાઇવે ઉપર કરજણ પાદરા વચ્ચે સાઈડમાં ઉભેલી કારને, આઈશર ટેમ્પો ટક્કર મારતા કારમાં સવાર 3ના મોત થયા છે. જ્યારે 1 ઘાયલ થયો છે. સેલવાસથી પરિવાર ખાટું શ્યામ જતા હતા તે દરમિયાન કરજણ પાદરા વચ્ચે બન્યા અકસ્માતનો ભોગ. કારમાં અવાજ આવતા કાર સાઈડ ઉપર રોકી તપાસ કરતા સમયે પાછળથી આવેલા ટેમ્પોએ કારને ટક્કર મારતા કાર પલ્ટી મારતા કારમાં બેઠેલા ઈસમો બન્યા ભોગ. પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના મેંદરડામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. મોંઘવારી ગેસના ભાવમા સતત વધારો થયો છે. પેપર ફૂટવા, વીજ કંપની દ્વારા ફરજીયાત સ્માર્ટ મીટર લગાવવા વગેરે મુદે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન પત્ર મામલતદારને આપ્યુ હતુ. પેપર ફૂટવાના મામલે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. ફરજીયાત સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન ની ચીમકી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહીતના હોદેદારો રહ્યા ઉપસ્થિત.
સુરતમાં શાળાનું સ્થળાંતર કરાતા વાલીઓએ ભારે વિરોધ નોધાવ્યો હતો. શાળાને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના નિર્ણયથી આક્રોશ વ્યાપ્યો છે. મોટા વરાછા વિસ્તારની સરકારી શાળા નંબર 309 નો બનાવ. કોઈપણ સૂચના વિના ઇંગ્લિશ મીડિયમની સરકારી શાળા અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરાતા વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. વાલીઓ ડોક્યુમેન્ટ જમા કરાવવા આવ્યા ત્યારે પણ કોઈ જાણ કરવામાં આવી નહોતી. હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે વાલીઓ અને બાળકો હેરાન પરેશાન. કોઈ પણ સૂચના વગર શાળા ટ્રાન્સફર કરાતા વાલીઓ માં રોષ. વાલીઓનો આક્ષેપ કે ‘સ્થળાંતર અંગે અગાઉથી કોઈ જાણ કરાઈ નથી કે અમારી સંમતિ લેવાઈ નથી.
આ શાળા ખાસ કરીને અંગ્રેજી માધ્યમના શિક્ષણ માટે ફાળવવામાં અને સ્થાપિત કરવામાં આવી છે. શાળા શરૂ થઈ ત્યારથી જ બાળકો અહીં ભણે છે, તેમનો શૈક્ષણિક અને લાગણીસભર સંબંધ જોડાયેલો છે. શાળાનું ચોક્કસ લોકેશન, ઉત્તમ સુવિધાઓ અને અંગ્રેજી માધ્યમ જોઈને જ બાળકોનું એડમિશન લેવાયું હતું. બાળકોનું શિક્ષણ અધવચ્ચે અટકાવવાને બદલે આ જ શાળામાં અને આ જ પરિસરમાં યથાવત્ રાખવામાં આવે તેવી વાલીઓ માંગ કરી.
કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ હેરાફેરીની આશંકાને લઈને ATS અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે. બાતમીના આધારે વુડન ફ્લોરિંગ તરીકે જાહેર કરાયેલા એક કન્ટેનરની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. કન્સાઇનમેન્ટમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તપાસ એજન્સીઓ દ્વારા કન્ટેનરની બારીકાઈથી તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની હકીકત સામે આવશે. ઘટનાને પગલે મુન્દ્રા પોર્ટ પર સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.
રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 14 વર્ષીય કિશોરીનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૂળ જામનગરની રહેવાસી દીકરી મામાના ઘરે રાજકોટ આવી હતી. દરમિયાન પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં ગયેલી કિશોરી રમતા રમતા અચાનક ઢળી પડી હતી. પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વચ્ચે ભાજપના ચારેય ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજુ શુક્લા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારીયા અને મુકેશ રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ હોવાથી ચારેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યસભાની આ ચૂંટણીમાં ભાજપની સ્થિતિ મજબૂત માનવામાં આવી રહી છે અને ઉમેદવારોના વિજયને લગભગ નિશ્ચિત ગણવામાં આવી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતોના જોખમને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરમાં રહેણાંક અને વ્યાવસાયિક મકાનોની સ્થિતિનું સર્વેક્ષણ કર્યા બાદ અતિ જોખમી ગણાયેલા ત્રણ જર્જરિત મકાનોને તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આશરે 40 જેટલા જર્જરિત મકાનોના માલિકોને નોટિસ પાઠવી સમારકામ કરવા અથવા મિલ્કત ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. ચોમાસા દરમિયાન અકસ્માતો અને જાનહાનિ ટાળવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું છે. પાલિકા ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ ચાલી રહેલી આ કામગીરી દરમિયાન નાગરિકોને પણ જોખમી ઇમારતોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
બનાસકાંઠાના અંબાજીમાં કોરિડોર ફેઝ-2 પ્રોજેક્ટ માટે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરીને સુચારૂ રીતે પાર પાડવા માટે ચાર અલગ-અલગ સ્થળોએ ડેપ્યુટી કલેક્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે. રેવન્યુ વિભાગ અને ગ્રામ પંચાયત હસ્તકના દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 30થી વધુ નાના-મોટા તેમજ કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવશે. અગાઉ પણ 89 દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને આજે ફરી એકવાર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે, વર્ષોથી અહીં વસવાટ કરતા સ્થાનિક લોકો આ કાર્યવાહીથી મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના પુનર્વસન સહિતના પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે.
નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર વધુ એક આર્થિક બોજ આવવાની શક્યતા છે. સ્કૂલ રીક્ષા અને વાનના ભાડામાં વધારો નક્કી કરવા માટે આજે બેઠક યોજાનાર છે, જ્યારે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં પણ ભાવ વધારા અંગે ચર્ચા કરવામાં આવશે. છેલ્લે વર્ષ 2024માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે CNGનો ભાવ પ્રતિ કિલો રૂ. 76 હતો, જે હાલમાં વધીને રૂ. 88 થયો છે. ઈંધણ સહિત વિવિધ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ભાડા અને સ્કૂલ વર્ધીના ભાવમાં વધારો કરવાની માંગ ઉઠી છે. ભાવ વધારા અંગેનો અંતિમ નિર્ણય અને સત્તાવાર જાહેરાત આજે સાંજે 4 વાગ્યે યોજાનારી બેઠક બાદ કરવામાં આવશે.
અરવલ્લી જિલ્લાના મોડાસા નાગરિક સહકારી બેંકની સામાન્ય ચૂંટણીમાં વિશ્વાસ પેનલે ભવ્ય વિજય મેળવ્યો છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં આશરે 55 ટકા મતદાન નોંધાયું હતું. મોડી રાત્રે મતગણતરી પૂર્ણ થતાં વિશ્વાસ પેનલના ઉમેદવારોએ બહુમતી બેઠકો પર જીત મેળવી હતી. બીજી તરફ પરિવર્તન પેનલના માત્ર બે ઉમેદવારો જ વિજયી બનતા તેમના સૂપડા સાફ થઈ ગયા હતા. બેંકની આ ચૂંટણીના પરિણામોને લઈને સભાસદોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી, જ્યારે વિશ્વાસ પેનલના સમર્થકોએ વિજય બાદ ઉજવણી કરી હતી.
ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપ એટલો પ્રચંડ હતો કે અનેક વિસ્તારોમાં મોટી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાના સામે આવેલા દ્રશ્યોમાં ઇમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થતી જોવા મળી રહી છે. લોકોમાં ભારે ભય ફેલાતા જીવ બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી. કુદરતના આ રૌદ્ર સ્વરૂપે ભારે વિનાશ સર્જ્યો હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. બીજી તરફ, ચોમાસું પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી આગળ વધી ચૂક્યું છે.
Published On - 7:31 am, Mon, 8 June 26