07 નવેમ્બરના મહત્વના સમાચાર : માવઠાનો માર સહન કરેલ ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડના રાહત પેકેજની સરકારે કરી જાહેરાત

આજે 07 નવેમ્બરને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

07 નવેમ્બરના મહત્વના સમાચાર : માવઠાનો માર સહન કરેલ ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડના રાહત પેકેજની સરકારે કરી જાહેરાત
| Edited By: | Updated on: Nov 07, 2025 | 9:56 PM

આજે 07 નવેમ્બરને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Nov 2025 09:06 PM (IST)

    નકલી વેબ સાઇટ દ્વારા સાસણના સિંહ સદન ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવાના નામે છેતરપિંડી

    સિંહ સફારી બાદ હવે સિંહ સદન ગેસ્ટ હાઉસમાં પણ નકલી વેબસાઇટ દ્વારા ફ્રોડની ઘટના સામે આવી છે. આરએફઓ, યશ ઉમરાણીયા એ મેંદરડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. નકલી વેબ સાઇટ દ્વારા સિંહ સદન ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવી આપવાના બહાને હજારોની રકમ ખાતામાં કરવી પડી રકમ ટ્રાન્સફર.  વલસાડના જતીન શેઠ પાસેથી રૂપિયા 11,900 જમ્મુ કાશ્મીર બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતા.
    રવિભાઈ લીંબાડના નામે રૂમ બુક કરાવી રૂપિયા 3000 રૂ UPI થી એડવાન્સ પેમેન્ટ લઈ લીધા બાદ મોબાઈલ નંબર સ્વીચ ઓફ બતાવે છે. સંજય પદ્મનાભન મુંબઈ ના પ્રવાસી પાસેથી અેક્સીસ બેંકમાં રકમ ટ્રાન્સફર કરાવી લીધેલ છે.  આરએફઓની ફરિયાદના આધારે પોલીસે હાલ નકલી વેબસાઇટ બનાવનાર, વોટ્સએપ ચેટ કરનાર તેમજ બેંક એકાઉન્ટ હોલ્ડર અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  • 07 Nov 2025 09:02 PM (IST)

    ઉદ્યોગોની માફક ગુજરાત સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએઃ પાલ આંબલિયા

    ડબલ એન્જિનની સરકાર બેઠી ત્યારથી ખેતપેદાશના ભાવ નીચે ગયા છે. મજૂરીની ભાવ 4 ગણા ગયા છે. પાકવીમા યોજના બંધ કરાઇ છે. 10 હજાર કરોડના પેકેજ અંગે કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના નેતાઓ સરકારની જાહેરાતને ઐતિહાસિક ગણાવી રહ્યા છે પરંતુ આ ઐતિહાસિક નથી. આ વર્ષે રાજ્યમાં ઐતિહાસિક વરસાદ અને નુકસાન થયું. 11 વર્ષમાં ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સ્તરે નીચે આવ્યા છે. માત્ર ગુજરાતમાં જ પાક વીમા યોજના બંધ કરવી ઐતિહાસિક ઘટના છે. છેલ્લી 7 સિઝનથી રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂત પરેશાન છે. સરકારે ઉદ્યોગોના ટેક્સ અને દેવા માફ કર્યા એમ ખેડૂતોના પણ માફ કરો.


  • 07 Nov 2025 08:59 PM (IST)

    ભાવનગર જિલ્લામાં પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરો પકડાયો

    ભાવનગર જિલ્લામાં પોલીસ ઉપર હુમલો કરનાર બુટલેગરો પકડાયો છે. મહુવા તાલુકાના બગદાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી અને ખાખી વરદીનો કાંઠલો પકડી અપમાનિત કરાયા હતા. પ્રોહિબિશન કેસમાં ફરાર રવજીભાઈ મકવાણા નામના વ્યક્તિને દબોચવા બગદાણા પોલીસના કર્મચારીઓ “નાના ખુટવડા” ગામે ફરાર ઈસમના ઘરે પહોંચ્યા, ત્યારે ફરાર ઈસમ અને અન્ય જીવાભાઇ સરવૈયા ખાટલા પર બેસીને દેશી દારૂની પાર્ટી કરી રહ્યા હતા. પોલીસના કર્મચારી સરકારી વાનમાં બંને ઈસમને બેસાડવા જતા સમયે કાનાભાઈ મકવાણા નામનો વ્યક્તિ આવ્યો અને મોબાઈલમાં વીડિયો ઉતારીને કહ્યું કે ક્યાં છે દારૂ ? પોલીસે દારૂ બતાવતા દારૂનો નાશ કર્યો હતો અને ઝપાઝપી કરી પોલીસ કર્મચારીને ઢીકા પાટું વડે માર મારવામાં આવ્યો હતો.

  • 07 Nov 2025 06:32 PM (IST)

    માવઠાનો માર સહન કરેલ ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડના રાહત પેકેજની સરકારે કરી જાહેરાત

    ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, રૂપિયા 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર એક પોસ્ટ કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં આવી સ્થિતિ નથી સર્જાઈ.

  • 07 Nov 2025 06:05 PM (IST)

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ આક્રમક, રોડ-ગટર-પાણી મુદ્દે નગરપાલિકા કચેરી ગજવી મૂકી

    સાબરકાંઠાના  હિંમતનગર કોંગ્રેસ સમિતિ ધ્વારા નગરપાલિકામાં હલ્લાબોલ કરાયું હતું. શહેરમાં બિસ્માર રોડ રસ્તા, ઉભરાતું ગટરનું પાણી અને ખરાબ પીવાનું પાણીની સમસ્યાને લઈને વિરોધ કરાયો હતો. કોંગ્રેસ સમિતિ પાલિકામાં પહોચી કામગીરી અને ભાજપના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. પાલિકામાં પ્રમુખના ચેમ્બર આગળ બેસીને રામધુન બોલાવી હતી. પાલિકા પ્રમુખના ચેમ્બરના દરવાજાના પર આવેદનપત્ર ચીપકાવ્યું. પાલિકાના કર્મચારીને આવેદનાપત્ર આપી ગંદા પાણીના બાટલા આપ્યા.

  • 07 Nov 2025 04:29 PM (IST)

    ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કેમ કહ્યું કે વાવડીમાં પાણી ખૂટે એટલે અલ્પેશ ઠાકોર એનું બલિદાન આપશે ?

    બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે ઠાકોર સમાજના સંમેલનમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, અલ્પેશ ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર આવ્યા હતા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે એક સાંકેતિક રાજકીય ઇશારો કર્યો હતો. અલ્પેશ ઠાકોરે કહ્યું આ મારો ઈશારો છે. આ ઇશારામાં જે સમજવું હોય એ સમજી જજો. સમાજ માટે 32 લક્ષણા પુરુષ તરીકે બલિદાન આપવું પડશે તો આપી દઈશ. વાવડીમાં પાણી ખૂટે એટલે અલ્પેશ ઠાકોર એનું બલિદાન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ દિયોદરમાં પણ અલ્પેશ ઠાકોરે આવી ઈશારાભરી વાતો કરી હતી, આજે પાલનપુરમાં પણ અલ્પેશ ઠાકોરે રજકીય ઇશારો કર્યો છે.

  • 07 Nov 2025 03:59 PM (IST)

    જામનગરના હિંમતનગર રોડ ઉપર ચાલતી કારમાં લાગી આગ

    જામનગર ચાલતી કારમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. હિંમતનગર રોડ ઉપર બપોરે જાહેર માર્ગ પર ચાલતી કારમાં અચાનક  આગ લાગી હતી.  કારમાંથી ધુમાડો નીકળતા આસપાસના લોકો એકઠા થઈ ગયા. તાત્કાલિક ફાયરની ટીમ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

  • 07 Nov 2025 03:06 PM (IST)

    વેરાવળના દરિયાકાંઠે પ્રિ વેડિંગ શૂટ માટે આવેલ પાંચ પૈકી એક યુવતી ડૂબી

    વેરાવળના આદરી ગામે દરિયાકિનારે યુવતી ડૂબી જવા પામી છે. પ્રિ વેડિંગ શૂટ માટે આવેલા કપલ સાથે આવેલી યુવતીને સમુદ્ર ખેંચી ગયો છે. પાંચ લોકો સમુદ્ર કિનારે સેલ્ફી લેતા હતા, આ સમયે એકાએક મોજુ આવતા ચાર લોકો એક બીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા,  જ્યારે એક યુવતીને મોજુ સમુદ્રની અંદર ખેંચી ગયું હતું. મરિન પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરિયામાં ગરકાવ થયેલ યુવતીને શોધવા માટે સ્થાનિક માછીમારોની મદદ લેવામાં આવી રહી છે.

  • 07 Nov 2025 03:01 PM (IST)

    બોલિવૂડ અભિનેતા સંજય ખાનની પત્ની ઝરીન ખાનનું 81 વર્ષની વયે અવસાન

    બોલિવૂડ અભિનેતા સંજય ખાનની પત્ની ઝરીન ખાનનું અવસાન થયું છે. તેના નિધનથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. ઝરીને પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો, જેમાં “તેરે ઘર કે સામને” અને “એક ફૂલ દો માલી” જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઝરીન 81 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી ગઈ છે.

  • 07 Nov 2025 02:53 PM (IST)

    પાકિસ્તાન મરિન લાઈન્સે અરબી સમુદ્રમાંથી 7 ખલાસીનુ કર્યું અપહરણ

    પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય માછીમારોનું અપહરણ કર્યું છે. IMBL નજીક ભારતીય બોટ ‘બળજબરીપૂર્વક’ કબજે, 7 ખલાસીઓ પાકિસ્તાની કસ્ટડીમાં હોવાની આશંકા સેવાઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બોટમાં આશરે 7 ભારતીય ખલાસીઓ સવાર હતા. PMSA દ્વારા પકડીને પોતાની કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની શંકા છે. પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે. ભારતીય એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ ઘટના અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

  • 07 Nov 2025 02:50 PM (IST)

    દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમમાં ખામીથી અમદાવાદ આવતી ફ્લાઈટોને અસર

    દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમમાં ખામીથી અમદાવાદ આવતી ફ્લાઈટોને અસર થવા પામી છે. બપોરના 1 વાગ્યા સુધીમાં 5 ફ્લાઈટ ડીલે થઈ છે. દિલ્હીના ATC સિસ્ટમમાં ટેક્નિકલ ખામીથી ફ્લાઈટો એક કલાક મોડી થઈ છે.

  • 07 Nov 2025 02:45 PM (IST)

    ભરૂચઃ કાશીમા હોસ્પિટલમાં ફાયર વિભાગની તપાસ

    ભરૂચની કાશીમા હોસ્પિટલનું આરોગ્ય વિભાગે લાયસન્સ સસ્પેન્ડ કર્યા બાદ હવે ફાયર વિભાગે પણ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગની ટીમે હોસ્પિટલમાં ફાયર સિસ્ટમની ચકાસણી કરી હતી. કાશીમા હોસ્પિટલ તરફથી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફાયર વિભાગને ન આપ્યું હોવાથી ફાયર વિભાગે હોસ્પિટલને નોટિસ ફટકારી છે..

  • 07 Nov 2025 02:35 PM (IST)

    દિવાળી બાદ રોગચાળાએ માઝા મૂકી

    ગાંધીનગરમાં દિવાળી બાદ રોગચાળાએ માઝા મૂકી. સિવિલ હોસ્પિટલમાં દિવાળી બાદ 30 હજાર કરતા વધુ OPD નોંધાયા છે. હાલ બેવડી ઋતુના લીધે અસ્થમાના દર્દીઓમાં પણ વધારો નોંધાયો છે. સાથે જ મચ્છરજન્ય કેસોમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. મહત્વનું છે કે દિવાળીમાં દાઝી જવાના કેસમાં વધારો થયો હતો. જો કે હાલ ડબલ સીઝનને ધ્યાનમાં રાખી પોતાના સ્વાસ્થ્યની તકેદારી રાખવા અંગે ડોક્ટરો અપીલ કરી રહ્યા છે.

  • 07 Nov 2025 02:34 PM (IST)

    વડોદરામાં મુખ્ય માર્ગ પર દેખાયેલો મગર, રેસ્ક્યૂ બાદ લોકોમાં રાહત

    વડોદરા જિલ્લાના શિનોરથી માંડવા જવાના મુખ્ય માર્ગ પર એક મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નર્મદા નદી પાસેની ઝાડી-ઝાંખરામાંથી બહાર આવેલા આશરે 4 ફૂટ લાંબા મગરને રેસ્ક્યૂ ટીમે વન વિભાગની મદદથી સુરક્ષિત રીતે કાબૂમાં લીધો. મગરનું સફળ રેસ્ક્યૂ થતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો.

  • 07 Nov 2025 12:18 PM (IST)

    અરવલ્લી જિલ્લામાં પોલીસ કર્મીઓની મોટાપાયે બદલી

    અરવલ્લી જિલ્લામાં પોલીસ કર્મીઓની મોટાપાયે બદલી થઇ છે. જિલ્લામાં ફરજ બજાવતા 97 પોલીસ કર્મચારીઓની આંતરીક બદલી થઇ. એસપી મનોહરસિંહ જાડેજાએ બદલીના આદેશ કર્યા. વહિવટી અને ફરજના કાર્યકાળ સહિતના મુદ્દે બદલીઓ કરાઈ. લાંબા સમય બાદ જિલ્લામાં મોટાપાયે બદલીઓ થઈ.

  • 07 Nov 2025 12:01 PM (IST)

    મુંબઈ: ભિવંડીમાં ડાઈંગ કંપનીમાં ભીષણ આગ

    મુંબઈના ભિવંડીના શરાવલી MIDC વિસ્તારમાં મંગર મૂર્તિ ક્નીટની ડાઈંગ કંપનીમાં આગ લાગતા ભયંકર અફરાતફરી મચી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘટના સ્થળે ત્રણ ફાયરની ટીમ પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મોટાપાયે આર્થિક નુકસાનની શક્યતા છે.

  • 07 Nov 2025 11:16 AM (IST)

    અમદાવાદ: વિરમગામના માંડલ રોડ પર ઇકો કાર ભડકે બળી

    અમદાવાદ: વિરમગામના માંડલ રોડ પર ઇકો કાર ભડકે બળી. ભોજવા ગામ નજીક ઇકો કારમા અચાનક આગ ભભૂકી. ગાડી અચાનક સળગી ઉઠતા ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આગે આખી ગાડીને ચપેટમાં લેતા રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. આગથી કાર બળીને ખાખ, સદનસીબે કોઈ જાનહાની નથી થઇ.

  • 07 Nov 2025 09:59 AM (IST)

    કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત

    મહેસાણા: કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત થયુ છે. કડીમાં કરણનગર રોડ પર સુકન બંગલોઝમાં આ ઘટના બની છે. માતા ધાબું સાફ કરવા ગઈ ત્યારે કબાટમાં પૂરાઈ ગઈ. કપડાંના કબાટમાં ગુંગળામળથી બાળકીનો જીવ ગયો. માતાએ બાળકીને શોધતા કબાટમાંથી બેભાન મળી આવી. બાળકીને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાઈ. બાળકીના પિતા મૂળ મહારાષ્ટ્રના વતની છે.  ઘરમાં શોકનો માહોલ ફેલાયો છે.

  • 07 Nov 2025 09:31 AM (IST)

    આરોગ્ય વિભાગે PMJAY હેઠળ ગેરરીતિ કરતી ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરી

    ગુજરાત આરોગ્ય વિભાગે PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન બંને હોસ્પિટલોમાં ગેરરીતિની વિગતો સામે આવી હતી. કાર્યવાહી હેઠળ બે હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના બે હોસ્પિટલને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે. આરોગ્યપ્રધાન પાનસેરિયાએ હૂંફ આપી જણાવ્યું કે ગેરરીતિ પર કોઈ ક્ષમા નહી, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા સખ્ત પગલાં લેવામાં આવશે.

  • 07 Nov 2025 09:10 AM (IST)

    સમગ્ર રાજ્યમાં થશે ‘વંદે માતરમ્’નું સમૂહગાન

    ગુજરાત રાજ્યમાં દેશભક્તિની લહેર ઉઠી છે કારણ કે ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી યોજાઈ રહી છે. આ અવસરે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ‘વંદે માતરમ્’નું સમૂહગાન યોજાશે. રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી ગાંધીનગર સ્થિત વિધાનસભા ખાતે થશે, જેમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમનું નેતૃત્વ કરશે. વિધાનસભા તેમજ સચિવાલયના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે સ્વદેશી અને આત્મનિર્ભરતાના સંકલ્પરૂપે શપથવિધિ પણ યોજાશે.

  • 07 Nov 2025 08:43 AM (IST)

    પંચમહાલ: યાત્રાથી પરત ફરી રહેલા મોડાસાના યાત્રાળુઓને નડ્યો અકસ્માત

    પંચમહાલ જિલ્લામાં એક મોટો અકસ્માત થતા હાહાકાર મચી ગયો હતો. શહેરાના વાઘજીપુર ચોકડી નજીક યાત્રાથી પરત ફરી રહેલા મોડાસાના યાત્રાળુઓની ખાનગી લક્ઝરી બસનો બ્રેક ફેલ થતા આઈશર ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બસમાં બેઠેલા અનેક યાત્રાળુઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ બસમાં કુલ 56 જેટલા યાત્રાળુઓ સવાર હતા, જેમાંથી 13 લોકોને ઇજા પહોંચી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

  • 07 Nov 2025 08:33 AM (IST)

    પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન

    પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન થયુ છે. ગુજરાતી લોકસાહિત્યમાં અંતિમ શ્વાસ સુધી અવિરત યોગદાન રહ્યુ છે. લોકકલા, લોકસંસ્કૃતિ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને રચના કરી છે. મેઘાણી સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિકથી વિભૂષિત હતા,. ખ્યાતનામ વાર્તાઓમાં મરદ કસુંબલ રંગ ચડે, મરદાઈ માથા સાટેનો સમાવેશ થાય છે. લોકકલાના અનેક કલાકારોને વૈશ્વિક ઓળખ આપી. ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

  • 07 Nov 2025 08:17 AM (IST)

    દિલ્લી: રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને થયા 150 વર્ષ, સ્મરણ કાર્યક્રમનું આયોજન

    દિલ્લી: રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને 150 વર્ષ થયા. ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં સ્મરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. PM મોદીના હસ્તે વંદે માતરમના વર્ષભરના સ્મરણ સમારોહનું ઉદ્ઘાટન થશે. એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડ્યો.

  • 07 Nov 2025 07:51 AM (IST)

    મોરબીમાં ટ્રાન્સફોર્મર વિસ્ફોટથી ભીષણ આગ લાગી

    મોરબીમાં એક સબસ્ટેશનમાં ટ્રાન્સફોર્મર વિસ્ફોટથી આગ લાગી. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

  • 07 Nov 2025 07:51 AM (IST)

    વલસાડ તાલુકામાં DRIની રેડ બાદ વધુ એક ગેરકાયદેસર ચાલતી ફેક્ટરી ઝડપાઈ

    વલસાડ જિલ્લામાં ફરી એકવાર ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. વલસાડ તાલુકાના ચીખલા ગામ નજીક નેશનલ હાઇવે 48 પાસે આવેલી ફેક્ટરી પર વલસાડ SOG દ્રારા રેડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં અલગ અલગ કેમિકલ મિક્સ કરીને પાવડર ફોમના રૂપમાં માદક પદાર્થ તૈયાર કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી મોટાપાયે પાવડર ફોમ કબ્જે કરીને તેના સેમ્પલ લઈ વધુ તપાસ માટે FSL ખાતે મોકલી આપ્યા છે. સાથે જ કંપનીમાં લગાવવામાં આવેલી મશીનો, કેમિકલ અને અન્ય સામગ્રી સહિત રૂ. 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કંપની કોઈપણ લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ચાલી રહી હતી. પોલીસે ફેક્ટરીના સંચાલક સહિત ચાર કામદારોને અટકાયત કરીને તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Published On - 7:48 am, Fri, 7 November 25