આજે 06 જુન શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ચોમાસાના આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે નવસારી શહેરમાં 30 ટકા રસ્તા પર વિકાસ કામો માટે ખાડા ખોદાયા છે. ડ્રેનેજ અને ગટર યોજનાના કામો અધૂરા પડ્યા છે. જો ચોમાસા પહેલા કામો પૂર્ણ થાય નહીં થાય સમસ્યામાં વધારો થઈ શકે છે.આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રએ વિવિધ વિસ્તારની મુલાકાત લઈ સમીક્ષા કરી અને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી.
વડોદરા પોલીસ ચોમાસાની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા આધુનિક સામગ્રી સાથે સજ્જ. વડોદરા પોલીસ દ્વારા પ્રિમોન્સૂન અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.. ચોમાસામાં દરેક પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ.. NDRF, SDRF ફાયરનાં જવાનો, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને ટ્રાફિકના જવાનોને અપાઈ ખાસ તાલીમ.. આગામી ચોમાસામાં વડોદરાવાસીઓને કોઈ તકલીફ ન પડે તેની તૈયારીના ભાગરૂપે આયોજન કરાયુ.. આપતકાલિન પરિસ્થિતિમાં ઉપયોગી ઉપકરણોને પ્રદર્શન અર્થે મુકાયા.. અને કોમ્યુનિકેશનને સરળ બનાવવા પર શહેર પોલીસ કમિશ્નરે ભાર મુક્યો..
નવસારીઃ બે બાળકોના શંકાસ્પદ મોત થયાનું સામે આવ્યુ છે. બંને બાળકના મોત ગૂંગળામણથી થયાનું પ્રાથમિક અનુમાન છે. પેનલ પોસ્ટમોર્ટમ કરી મોતનું કારણ જાણવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. બંધ ગાડીમાં રમતા બાળકોને કોઈએ બંધ કર્યા કે પછી અકસ્માતે ગાડીમાં બંધ થઈ ગયા તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.
ધારાગીરી નજીક ઘર પાસે બંધ પડેલી ગાડીમાં બાળકો રમી રહ્યા હતા. આ બાળકો બેહોશ હાલતમાં મળી આવતા તેમને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયા હતા.
જુનાગઢ: કેશોદના કિંગડમ વોટરપાર્કમાં મોટી દુર્ઘટના સર્જાઈ. વોટરપાર્કમાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યુ. ભાવનગરથી વેરાવળ જતો હતો પરિવાર
રસ્તામાં વોટરપાર્ક આવતા પરિવારે વોટરપાર્ક જવાનું નક્કી કર્યુ હતુ. આ દરમિયાન 8 વર્ષનો માસૂમ બાળક પાણીમાં ડૂબી જતા ગંભીર ઘટના બની છે.
બાળકનું વોટરપાર્કમાં ડૂબી જવાથી મોત થયું છે. કેશોદ સરકારી હોસ્પિટલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો છે.
ઘટના બાદ વોટરપાર્ક મેનેજમેન્ટની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખના અભાવે માસૂમનો જીવ ગયો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. વોટરપાર્કની ઘોર બેદરકારી સામે આવતા વિસ્તારમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મોરબી: જેતપર ગામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી ચક્કાજામ કર્યો. વીજ લાઈનના વળતર મામલે ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. વીજ કંપનીના કર્મચારીઓને કામ કરતા રોકવામાં આવ્યા. ખેડૂતો, મહિલાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યાનો આક્ષેપ કરાયો છે. વિરોધ દરમિયાન 10 વર્ષના બાળકને પણ પોલીસે પકડ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. હાલ અટકાયત કરાયેલ ખેડૂતોને મુક્ત કરવામાં આવે તેવી માગ કરાઈ છે. વળતર અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવાની માગ અને લાઠીચાર્જ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ઉગ્ર માગ કરાઈ છે. માગો સંતોષાઈ નહીં ત્યાં સુધી રસ્તો ખુલ્લો નહીં કરવા ગ્રામજનો મક્કમ છે.
ખનીજ ચોરીનો કાળો કારોબાર હવે માત્ર સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા સુધી સીમિત રહ્યો નથી, પરંતુ તેનો વિરોધ કરનારાઓ માટે પણ જોખમ બની રહ્યો છે. મહેસાણાના કડીમાં ખનીજ માફિયાઓની બેફામ દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગૌચર જમીન પર થતી ખનીજ ચોરી રોકવા ગયેલા આગેવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અપહરણ, મારામારી અને લૂંટની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
ચોમાસા આડા હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વિકાસ કાર્યોના નામે શહેરમાં ઠેર-ઠેર ખોધકામ કરવામાં આવ્યું છે. ક્યાંક રસ્તાની કામગીરી, તો ક્યાંક ડ્રેનેજલાઈનની કામગીરી તો ક્યાંક પીવાના પાણીની લાઈન નાંખવા માટે મસમોટાં ખાડા ખોદી નાખવામાં આવ્યાં છે.. જો કે પરેશાનીની વાત એ છે કે મહાનગરપાલિકાનાં આ કામો એટલે ધીમીગતિએ થઈ રહ્યા છે કે મહિનાઓ વિત્યા છતાં હજુ કામગીરી પૂર્ણ નથી થઈ..જેના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉડ્યા છે. કારેલીબાગ, ન્યુ વીઆઇપી રોડ, માંજલપુર, અકોટા, રેસકોર્સ, ભાયલી સહિતના વિસ્તારોમાં ખાડાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન છે.
રાજ્યના નવા DGP તરીકે જી.એસ. મલિક સોમવારે ચાર્જ લેશે. અમદાવાદના કમિશનર રહેલા જી એસ મલિકને રાજ્યના DGP બનાવવામાં આવ્યા છે. હાલ કમિશનર કચેરી ખાતે સહ પોલીસકર્મીઓએ તેમને DGP બનવા બદલ અભિનંદન પાઠવ્યા. હવે રથયાત્રા સુધી અમદાવાદમાં ઈન્ચાર્જ CP ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.
અમદાવાદ શહેરને ટૂંક સમયમાં નવા CP મળે તેવી શક્યતા છે.
મહીસાગર: ગ્રામ પંચાયતની ચાલુ સભામાં જ મારામારી ના દૃશ્યો જોવા મળ્યા. સંતરામપુરના બટકાવાડા ગ્રામ પંચાયતનો વીડિયો વાયરલ થયો છે. ગામના વ્યક્તિએ પૂર્વ ઉપસરપંચ અને હાલના સભ્યને લાફા માર્યા છે. ઉશ્કેરાયેલા સભ્ય વળતો પ્રહાર કરવા ધોકો લઈ પાછળ દોડ્યા. ગામમાં વિકાસના કામ મુદ્દે બોલાચાલી બાદ મામલો બિચક્યો. ચાલુ સભામાં જ લાફાવાળી થતાં પંચાયતની બેઠક દરખાસ્ત કરાઈ. લાફો મારનાર વ્યક્તિ સામે અન્યએ પોલીસ ફરિયાદ નોંધાવી.
અમદાવાદઃ વટવામાંથી ગુમ થયેલા બે બાળકોને શોધવામાં પોલીસને સફળતા મળી છે. બે બાળકો સાયકલ લઈને નીકળી ગયા હતા. વટવા પોલીસે 400થી વધુ CCTV તપાસીને બાળકોનો પત્તો મેળવ્યો છે. બાળકો વટવાથી મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈમાં બે દિવસ રહીને વડોદરા પરત આવ્યા હતા. મુંબઈમાં ફરવા માટે તેમના એક મિત્ર સાથે બાળકો ગયા હતા.
સુરત: મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ACBની મોટી કાર્યવાહી કરતા મનપાના આસિસ્ટન્ટ ઈજનેર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
કલાસ-૩ના આસિસ્ટન્ટ ઈજનેર રસીક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ₹1.68 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી છે. કાયદેસરની આવક કરતા 70.13 ટકા વધુ સંપત્તિ વસાવ્યાનો ખુલાસો થયો છે. વર્ષ 2011થી 2020 દરમિયાન ફરજ પર રહી ગેરકાયદે મિલકતો ઊભી કરી હતી. મનપાના કલાસ-૩ના આસિસ્ટન્ટ ઈજનેર રસીક પટેલ પાસેથી એક કરોડ 68 લાખ 98 હજાર 460 જેટલી અપ્રમાણસર મિલકત મળી આવી છે. હાલ તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
ગાંધીનગરઃ કલોલના ખાત્રજમાં આવેલી કંપનીના ક્વોટર્સમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. કંપનીમાં કામ કરતા મિત્રોએ અન્ય મિત્રની હત્યા કરી નાખી.
કોઈ બાબતે માથાકૂટ થતા લોખંડની પાઈપ મારી હત્યા નિપજાવી. પોલીસે ગણતરીની મિનિટોમાં જ બે આરોપીની ધરપકડ કરી છે. મૃતક અને આરોપીઓ સાથે જ રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્રણેય લોકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
પાટણઃ રાધનપુર નગરપાલિકાના કર્મચારીનો સંપમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. રવિધામ વિસ્તારના સંપમાં કર્મચારી ફરજ બજાવતો હતો.
કલ્પેશ મકવાણા નામના કર્મચારીનું મોત થયું છે. મોત કેવી રીતે થયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
સુરતના નાસીર નગરમાં 30 મે અને 1 જૂનના રોજ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી અને લગભગ 100થી વધુ મકાનોને તોડી પડાયા હતા. સ્થાનિકોનો આક્ષેપ હતો કે કોઈપણ પ્રકારની નોટિસ વિના જ આ કાર્યવાહી કરાઈ છે. પરંતુ, સમગ્ર મામલે ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મનપાએ આ ડિમોલિશનની મંજૂરી આપ્યાનો નનૈયો ભણ્યો છે. જો કે કોંગ્રેસ નેતાનો આરોપ છે કે ડિમોલિશન થયું ત્યારે ચુસ્ત પોલીસ કાફલો અને પાલિકાના સભ્યો હાજર હતા. સુનિયોજીત ષડયંત્ર હેઠળ મકાન તોડી પડાયાનો આરોપ છે.
આ તરફ ધારાસભ્ય વિનુ મોરડિયાનું નિવેદન પણ સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે સુરત પાલિકા દ્વારા આ ડિમોલિશન કરાયુ નથી. સેન્ટ્રલ ઝોન દ્વારા લાઈન દોરીની કામગીરી કરવામાં આવી હતી. ડિમોલિશન કોણ કરી ગયુ તેની તપાસ હાથ ધરાઈ છે. તપાસ બાદ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
નવસારી શહેરની દાંતેજ કેનાલ નજીક આવેલી ગટરમાં બીજી જૂને મગર દેખાયો હતો. તેનો વીડિયો વાયરલ થતાં વન વિભાગે તકેદારીના ભાગરૂપે મગરને શોધવા અભિયાન હાથ ધર્યું. વિવિધ ટીમો બનાવીને આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી. પરંતુ, મગર ન મળી આવ્યો. અગાઉ 17 જાન્યુઆરીએ પણ મરોલી વિસ્તારમાં મગર દેખાયો હતો.. તેને લઈ મગરનો શિકાર લોકો ન બને તે માટે વન વિભાગ જાગૃતિ માટેના બોર્ડ લગાવી લોકોને સચેત કરી રહ્યું છે.
સુરત: વરાછા SBI બેંક લૂંટના મુખ્ય આરોપીને સુરત લવાયો. કુંદન ભગત નામનો શખ્સ લૂંટ કેસનો મુખ્ય આરોપી છે. તેણે પટના જેલમાં બેસી લૂંટનો સમગ્ર પ્લાન ઘડ્યો હતો. આરોપી કુંદનની વિરુદ્ધમાં અગાઉ આઠ ગુના નોંધાયેલા છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી સુરત પોલીસે કસ્ટડી મેળવી છે. NIA પટના કોર્ટ પાસેથી મંજૂરી મળતા જ બેંક લૂંટ કેસની તપાસ માટે તેને સુરત લવાયો છે. સાત જેટલાં આરોપીએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી.
સુરત: મહાનગરપાલિકાની સંકલનની બેઠક ઉગ્ર બની છે. પ્રિ-મોન્સૂન કામગીરી અંગે પાલિકા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. ધારાસભ્ય કુમાર કાનાણી અને સંદીપ દેસાઈએ ઉગ્ર રજૂઆત કરી કે સુરતમાં પ્રિ-મોન્સુન કામગીરી થઈ નથી. ખાડી પૂરની સમસ્યાનું નિરાકરણ લાવવાની ધારાસભ્ય કાનાણીએ રજૂઆત કરી. તો સંદીપ દેસાઈએ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ હોવાનું જણાવ્યુ. મોટા ભાગના ધારાસભ્યોએ અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો.
ગુજરાતના નવા પોલીસ વડા તરીકે જી. એસ. મલિકની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં તેઓ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. 1993 બેચના આઇપીએસ અધિકારી જી. એસ. મલિકે રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહીને લાંબો વહીવટી અને પોલીસિંગનો અનુભવ મેળવ્યો છે. તેમની નિમણૂકથી રાજ્યના પોલીસ તંત્રને વધુ મજબૂત અને અસરકારક નેતૃત્વ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં થયેલા હત્યા કેસની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસને જાણવા મળ્યું કે હત્યા પાછળ નકલી ચલણી નોટોના રેકેટનું રહસ્ય છુપાયેલું હતું. તપાસમાં સ્થળ પરથી નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપાયું હતું, જ્યાંથી પ્રિન્ટર, લેમિનેશન મશીન, સિક્યુરિટી થ્રેડ સહિતનું સામગ્રી જપ્ત કરવામાં આવ્યું છે. મૃતક ઇમરાન સિંધા જ છેલ્લા ત્રણ મહિનાથી આ રેકેટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. વટવા પોલીસે મૃતક સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હરિયાણાથી પકડાયેલા આરોપીઓ પાસેથી પણ નકલી ચલણી નોટો મળી આવી છે.
ભરૂચની ગણેશ સુગર ફેક્ટરીના પૂર્વ સંચાલકો સામે ઉચાપતની ફરિયાદ કરનાર વ્યક્તિએ ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદીનો દાવો છે કે કેસની દરેક તારીખ દરમિયાન તેમને સતત ડરાવવા અને દબાણમાં લેવા પ્રયાસ કરવામાં આવે છે. તાજેતરમાં તેઓ પોતાના વકીલ સાથે કારમાં કોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે એક ટેમ્પો દ્વારા તેમને ભયભીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ફરિયાદીના ખેતરમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ફરિયાદીએ પોલીસમાં લેખિત અરજી આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે દવાખાને લઈ જતી કાર ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો. કારમાં સવાર 7 લોકોમાંથી 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે 2 JCBની મદદ લેવામાં આવી હતી. ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં માટી ભરવાના મુદ્દે એક આધેડ વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ મેડા આદરજ ગામમાં આવેલી તેમની ઓફિસમાં નંબર પ્લેટ વગરની ગાડીઓમાં સવાર હથિયારધારી શખ્સો ધસી આવ્યા હતા. હુમલાખોરોએ લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે આધેડ પર હુમલો કરતાં તેમના પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને પગ ભાંગી નાખ્યા હતા. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રૌઢને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બાવલુ પોલીસે ચાર નામજોગ રબારી શખ્સો તેમજ અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 8 વર્ષીય બાળકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ કામરેજના હળધરુ ગામે સૌરાષ્ટ્રવાસી એક પરિવાર નાહવા માટે ગયો હતો. આ દરમિયાન માતાની નજર સામે જ 8 વર્ષીય ધર્મ તળાવિયા નામનો બાળક સ્વિમિંગ પૂલના ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો અને ખરીદદારોમાં ભારે ચર્ચા જાગી છે. મોડી રાત્રે કોમોડિટી બજાર બંધ થતાં જ કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં આશરે 4 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાતા તેનો ભાવ ઘટીને 1.55 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ચાંદીના બજારમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી, જેના પરિણામે એક કિલો ચાંદીના ભાવમાં 16 હજાર 500 રૂપિયાનો કડાકો નોંધાયો છે. ઘટાડા બાદ એક કિલો ચાંદીનો ભાવ 2.48 લાખ રૂપિયા પર આવી ગયો છે. વૈશ્વિક બજારની સ્થિતિ, નફાવસૂલી અને રોકાણકારોના બદલાતા વલણને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આ ઘટાડો નોંધાયો હોવાનું બજાર નિષ્ણાતો માની રહ્યા છે.
મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતી દુશ્મનાવટ વચ્ચે કુવૈત અને બહેરીન પર મિસાઈલ તેમજ ડ્રોન હુમલાઓ થયાના અહેવાલો સામે આવ્યા છે. હુમલામાં કુવૈતની એક મહત્વપૂર્ણ તેલ રિફાઈનરીને નિશાન બનાવવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અમેરિકી સૈન્યના કેન્દ્રીય કમાન્ડે દાવો કર્યો છે કે ઈરાને બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો. જોકે અમેરિકી દળોએ સમયસર કાર્યવાહી કરીને ઈરાન દ્વારા છોડવામાં આવેલી છ મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. ઘટનાને પગલે સમગ્ર ખાડી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છે.
કોકરોચ જનતા પાર્ટીએ આજે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. માહિતી મળી છે કે પ્રદર્શનકારીઓને સવારે 9 વાગ્યે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચવા માટે કહેવામાં આવ્યું છે, જ્યાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે પરવાનગી માંગવામાં આવશે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની મુલાકાતની દરખાસ્તને નકારી કાઢી. તેમના વતન સેન્ટ પીટર્સબર્ગમાં આંતરરાષ્ટ્રીય આર્થિક મંચને સંબોધતા, પુતિને ઝેલેન્સકીના બેઠકનો પ્રસ્તાવ મૂકતા ખુલ્લા પત્રને વાહિયાત ગણાવ્યો. ઝેલેન્સકીના ખુલ્લા પત્રનો ઉલ્લેખ કરતા, પુતિને કહ્યું, “શું આ વ્યક્તિગત મુલાકાતો અને સંવાદ માટે પરિસ્થિતિઓ બનાવવાનો માર્ગ છે? મને લાગે છે કે આ એવું વાતાવરણ બનાવવાનો માર્ગ છે જે કોઈપણ વ્યક્તિગત મુલાકાતને અશક્ય બનાવે છે.”
દિલ્હીમાં તાજેતરમાં સર્જાયેલા હોટલ અગ્નિકાંડ બાદ અમદાવાદ શહેરમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે. શહેરની વિવિધ હોટલોમાં હાથ ધરાયેલા સરપ્રાઈઝ નિરીક્ષણ અભિયાન દરમિયાન ફાયર સેફ્ટી નિયમોના પાલન અંગે ચકાસણી કરવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની ખામીઓ અને નિયમભંગના મુદ્દાઓ સામે આવતા કુલ 37 હોટલોને નોટિસ જાહેર કરવામાં આવી છે.
Published On - 7:25 am, Sat, 6 June 26