આજે 05 સપ્ટેમ્બરના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. AICC ના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ રણદીપ સુરજવાલાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે. વર્તમાન ગુજરાતના કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે અગાઉ પ્રભારી તરીકેની જવાબદારીમાંથી મુક્તિ માગી હતી. જે બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે રણદીપ સુરજેવાલાને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે અન્ય 6 રાજ્યોના પ્રભારીની પણ AICC એ નિમણૂક કરી છે.
વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીની માંગને રેલમંત્રીએ મંજૂરી આપી છે. વડોદરા અને એમપીના ટાંડા વચ્ચે નવી મેમુ ટ્રેન શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં રૂ. 35 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની શરૂઆત અને લોકાર્પણ કરશે. જેમાં રૂ. 30 હજાર કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. રૂ. 20 હજાર કરોડના ખર્ચે તૈયાર વેસ્ટર્ન રેલવે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને પીએમ રાષ્ટ્રને સમર્પિત કરશે. ઉપરાંત વડોદરા-રતલામ વચ્ચે ત્રીજી અને ચોથી રેલવે લાઇનનો શિલાન્યાસ, જોબટ-ટાંડા રોડના નવનિર્મિત રેલવે વિભાગનું ઉદ્ઘાટન અને વિશ્વામિત્રી-ડભોઇ ડબલ ટ્રેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સુરતથી વડોદરા તરફ જઈ રહેલા રવિયાણા ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો. કિયા કાર આગળ જઈ રહેલા મોટા વાહન સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચાર લોકોમાંથી ત્રણનાં મોત થયા છે, જેમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક વ્યક્તિની હાલ કરજણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સુરતમાં આજે સમગ્ર શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે 8 હજાર જેટલી દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 35 હજાર ગોવિંદા મંડળના સભ્યો ઉત્સવમાં જોડાયા છે. ભાગલ ચાર રસ્તા ખાતે ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. અહીં પાંચ દહીં હાંડી બાંધવામાં આવી છે, જેમાંથી બે મહિલા મંડળના સભ્યો ફોડશે, જ્યારે 35થી 40 ફૂટ ઊંચી દહીં હાંડી અન્ય ગોવિંદા મંડળો ફોડશે. આ હાંડી માટે રૂ. 61 હજારનું ઇનામ રાખવામાં આવ્યું છે. ડિંડોલીમાં રૂ. 1.51 લાખ અને મોરા ભાગલમાં રૂ. 1.25 લાખની ઇનામી દહીં હાંડીનું આયોજન કરાયું છે. ઉત્સવ જોવા હજારો લોકો ઉમટ્યા છે.
અમદાવાદમાં AMCના ફૂડ વિભાગે અસ્વચ્છતા અને નિયમભંગ બદલ મોટી કાર્યવાહી કરી છે. વટવામાં MM ફૂડ પ્રોડક્ટ્સને FSSAI લાયસન્સ વિના સોસ-ચટણી બનાવતા ઝડપી પાડવામાં આવ્યા હતા અને 2,516 કિલો જથ્થો અટકાવ્યો હતો. વેજલપુરમાં ચવાણા માર્ટમાંથી પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરવાળો 150 કિલો નમકીનનો જથ્થો જપ્ત કરી એકમ સીલ કરાયું હતું. ચાંદલોડિયામાં ફ્રાય સેન્ટર સામે પણ કાર્યવાહી કરાઈ હતી. ઉપરાંત માધુપુરાના મહાવીર ઘી ભંડારમાંથી 1,140 કિલો સબસ્ટાન્ડર્ડ ઘીનું વેચાણ અટકાવી 76 ટીન જપ્ત કરાયા હતા. ત્રણ વેપારીઓના એકમો સીલ કરી કુલ રૂ. 9.22 લાખથી વધુનો શંકાસ્પદ માલ જપ્ત કરવામાં આવ્યો છે.
વડોદરાના કરજણમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી વડોદરા તરફ જઈ રહેલા પરિવારની કાર આગળ જતા કોઈ વાહન સાથે અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારમાં સવાર ચાર પૈકી ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. મૃતકો રવિયાણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં આમોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના જન્માષ્ટમી લોકમેળામાં લુખ્ખા તત્વોના આતંકનો વીડિયો વાયરલ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. વાયરલ વીડિયોમાં ભીડ વચ્ચે કેટલાક શખ્સો હથિયારો સાથે આતંક મચાવતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, લુખ્ખા તત્વોએ મેળામાં આવેલી રાઈડમાં પણ તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. જન્માષ્ટમીના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, ત્યારે ભીડ વચ્ચે હથિયારો સાથે શખ્સોના આતંકથી સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી અને મેળામાં તૈનાત સુરક્ષાકર્મીઓની વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા મામલે તપાસ હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.
ભાવનગર શહેરમાં શંકાસ્પદ દારૂના સેવનથી વધુ એક વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. આણંદ નગરના 48 વર્ષીય ભાવેશભાઈ વિસાણીનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, ઉલટી અને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતકના વિશેરા અને બ્લડ સેમ્પલના રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ડાંગ જિલ્લાના ગારખડી ગામના સીતાવન ખાતે ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરવાની ઘટના હજુ શાંત થઈ નથી, હિન્દૂ સાધુ સંતો અને આગેવાનો ભેગા મળી આરોપીને જલ્દીથી શોધી કાઢી કડક સજા થાય એની માંગ કરી હતી.
ગારખડી ગામના સીતાવન ખાતે અજાણ્યા ઈસમ દ્વારા ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરાતા હિન્દૂ સંગઠન દ્વારા ગારખડી ગામના હનુમાન મંદિર ખાતે એક સંમેલન રાખવામાં આવ્યું હતું, સંમેલનમાં સાધુ સંતો અને આગેવાનો એ સામુહિક હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ડાંગના રાજાએ જણાવ્યું હતું કે અમારા પૂર્વજો હળી મળીને રહેતા હતા આજે આવું કેમ થાય એ ખબર નથી, રાજાએ એવું પણ જણાવ્યું હતું કે તેમને સ્થાનિક પોલીસ અને હર્ષ સંઘવી ઉપર વિષ્વાસ છે કે આરોપી પકડાઈ જશે. સાથે ડાંગમાં 311 હનુમાન મંદિર નો સંકલ્પ કરનારા પીપીસ્વામીએ પણ શાંતિ પૂર્વક વિરોધ નોંધાવવાની વાત કરી હતી.
વાવ-થરાદમાં કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. છેલ્લા છ મહિનાથી ઇઢાટા, પ્રતાપપુરા, લોરવાડા અને જમડા કેનાલમાં પાણી બંધ હોવાથી એક હજારથી વધુ ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલનું રિપેરિંગ કામ લાંબા સમયથી અધૂરું છે. બીજી તરફ, વરસાદ ખેંચાતા ખેતરોમાં ઊભા પાકને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતો દ્વારા તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ કરવામાં આવી છે. જો તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે.
અમદાવાદમાં મલાલા પુસ્તક વિવાદ બાદ પુસ્તકપ્રેમીઓએ ફરી સામૂહિક પુસ્તક વાંચનનું આયોજન કર્યું છે. લૉ ગાર્ડનમાં પુસ્તક વાચકોએ એકઠા થઈ મલાલા સહિતના વિવિધ પુસ્તકોનું સામૂહિક વાંચન કર્યું હતું. સામૂહિક પુસ્તક વાંચન થકી વિરોધીઓને જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ વસ્ત્રાપુર વિસ્તારમાં પુસ્તક વાંચન દરમિયાન બજરંગદળના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. આનંદ નિકેતન સ્કૂલમાં મલાલાના પુસ્તકને ફરજિયાત કરવાના મુદ્દે વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ પુસ્તક વાચકો દ્વારા સામૂહિક પુસ્તક વાંચનના કાર્યક્રમો યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. લૉ ગાર્ડનમાં યોજાયેલા વાંચન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે વિવિધ પુસ્તકોનું વાંચન કર્યું હતું.
સાબરકાંઠાના પ્રાંતિજમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. લીમલા નજીક કારમાંથી ખાનગી બેંક મેનેજર ભરત ચૌધરીની લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં પૈસાની લેતીદેતીમાં પ્રેમી યુગલે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. લોન પેટે લીધેલા રૂ. 6 લાખ પરત ન આપવા પડે તે માટે ભરત ચૌધરીની હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે. આ કેસમાં પોલીસે ભાવના ઠાકોરની ધરપકડ કરી છે, જ્યારે તેના પ્રેમી યોગેશ ઠાકોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને અન્ય સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના વસ્ત્રાલના હરભોળા પાર્કમાં શ્વાનના આતંકનો મામલો સામે આવ્યો છે. જર્મન શેફર્ડ નામના શ્વાને કચરો ફેંકવા ગયેલી જેઠાણીને બચકું ભરતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. શ્વાનના કારણે દેરાણી-જેઠાણી વચ્ચે પણ ઝઘડો થયો હતો. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બીજી તરફ, અમદાવાદ કોર્પોરેશનની CNCD વિભાગની ટીમે કાર્યવાહી કરી શ્વાનને પાંજરામાં પૂર્યો હતો અને તેને શેલ્ટર હોમમાં ખસેડ્યો હતો. મળતી માહિતી મુજબ, દેરાણીએ ભૂલ સ્વીકારવાને બદલે બચાવ કરતાં ઝાંપો ભૂલથી ખુલ્લો રહી ગયો હોવાનો દાવો કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જુગાર રમવો લોકોને ભારે પડ્યો છે. વરાછા પોલીસે અલગ-અલગ ચાર સ્થળે દરોડા પાડી જુગાર રમતા 30 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં જુગારીઓ પાસેથી રોકડ સહિત કુલ રૂ. 57 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન જાહેરમાં અને વિવિધ સ્થળોએ જુગાર રમાતો હોવાની માહિતીના આધારે વરાછા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચારેય સ્થળે દરોડા પાડી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા. તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તહેવારો દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાના ગુનાટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે માત્ર શિક્ષક તરીકે નહીં પણ વિદ્યાર્થીના વાલી તરીકેની પણ ભૂમિકા ભજવીને બાળકોના અભ્યાસ માટે નક્કર કામગીરી કરી. આદિવાસી વિસ્તારમાં વાલીઓ દર વર્ષે ચોમાસામાં મજૂરી માટે બહાર જતા હોય છે. જેના કારણે તેમના સંતાનોએ પણ તેમની સાથે જવુ પડે અને બાળકોનો અભ્યાસ બગડે. ગુનાટા ગામના શિક્ષક જિતેન્દ્ર પટેલે આ સમસ્યાને ઉકેલવા માટે ગામમાં જ એક હોસ્ટેલ બનાવી જેથી બાળકો ગામમાં જ રહીને અભ્યાસ કરી શકે. શિક્ષકના આ પ્રયાસથી શાળામાં બાળકોની સંખ્યા 519 સુધી પહોંચી. આજે હોસ્ટેલમાં રહીને 100થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
જામનગરમાં દારૂ સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોલીસને પડકારનારા શખ્સની LCBએ ધરપકડ કરી છે. આરોપીએ શંકર ટેકરી વિસ્તારમાં દારૂની બોટલો સાથે વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેણે દાવો કર્યો હતો કે, “જેટલો દારૂ જોતો હોઈએ, હું અપાવીશ.” સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. LCBએ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી દારૂની 13 નાની બોટલો મળી આવતા તેને જપ્ત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર નશાખોરીનું પ્રદર્શન કરી કાયદાને પડકારનારા શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પુણેમાં દહીં હાંડીની ઉજવણી દરમિયાન દુર્ઘટના સર્જાતા એક મહિલાનું મોત થયું છે. સાંગવી વિસ્તારમાં દહીં હાંડી માટે લગાવવામાં આવેલો ટાવર અચાનક ધરાશાયી થયો હતો. ટાવર 45 વર્ષીય મહિલા પર પડતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ સારવાર મળે તે પહેલાં જ મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે દહીં હાંડીના આયોજનમાં સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે અને ટાવર પડવાનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરી છે.
સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ પર પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી પતિ બંને બાળકોને સાથે લઈ બાઇક પર ફરાર થયો હતો. જોકે, રસ્તામાં બાઇક સ્લીપ થતાં આરોપી પતિ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં શહેર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. બાઇક અકસ્માતમાં ઈજાગ્રસ્ત આરોપી પતિને પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તહેવારની સિઝનમાં ગુજરાતના લોકોને મોંઘવારીનો વધુ એક ડામ પડ્યો છે. ગુજરાત એનર્જી લિમિટેડે સુરતમાં ઘરેલું PNGના ભાવમાં પ્રતિ SCM રૂ. 1.19નો વધારો કર્યો છે. 3 સપ્ટેમ્બરથી નવો ભાવ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. અગાઉ ઘરેલું PNGનો બેઝ રેટ રૂ. 49.03 પ્રતિ SCM હતો, જે વધીને રૂ. 50.22 થયો છે. ટેક્સ સહિત ગુજરાત ગેસના ગ્રાહકોને હવે PNG રૂ. 53.22 પ્રતિ SCMના ભાવે મળશે. કંપનીએ SMS મારફતે ગ્રાહકોને ભાવવધારાની જાણ કરી છે. સુરતમાં 7 લાખથી વધુ પરિવારો ગુજરાત એનર્જીના PNG કનેક્શન નેટવર્ક સાથે જોડાયેલા છે. આ ભાવવધારાથી ઘરેલું બજેટ પર વધારાનો બોજ પડશે.
સુરતના ઉધના વિસ્તારમાં બેફામ કારચાલકના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરઝડપે આવેલી કારે એક બાદ એક 7થી 8 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. કારની ટક્કરથી અનેક વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતમાં એક કારચાલકને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી અને કારચાલક સામેની કાર્યવાહી અંગે તપાસ શરૂ કરી હતી.
જુનાગઢના વંથલી તાલુકાના ખોરાસા ગામમાં 131 વર્ષ જૂના વેંકટેશ દેવસ્થાન ખાતે નંદોત્સવ અને લઠા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર ગામ ગોકુળિયું બન્યું હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળ્યો. ઉત્સવમાં 30 ફૂટ ઊંચા સ્તંભ પર મટકી ફોડનો રોમાંચક ખેલ યોજાયો. ગ્રીસ અને માખણથી સ્તંભને લપસણો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે મટકી ફોડવા યુવાનોને ભારે મથામણ કરવી પડી. 11 સામે 22 યુવાનો વચ્ચે જામેલા જંગમાં પાણીના કુંડમાં મટકી ફોડવાનો પડકાર પણ જોવા મળ્યો. ભારે પ્રયાસો બાદ યુવાનોએ મટકી ફોડી હતી. આ રોમાંચક સ્પર્ધા નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા મામલતદાર કચેરીમાં લાંચ લેતા ક્લાર્કને ACBએ ઝડપી પાડ્યો છે. ATVT શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સુરપાલસિંહ ઝાલાએ જમીનમાં નામ દાખલ કરવાની કાર્યવાહી કરવા માટે ફરિયાદી પાસેથી રૂ.25 હજારની લાંચ માંગી હતી. ફરિયાદીના અસીલ વતી જમીનમાં નામ દાખલ કરવા માટે અરજી કરવામાં આવી હતી. કાર્યવાહી આગળ વધારવા માટે ક્લાર્કે લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે ફરિયાદીએ ACBનો સંપર્ક કરતાં અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું. નિર્ધારિત સ્થળે ક્લાર્ક રૂ.25 હજારની લાંચ સ્વીકારતા ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. હાલ ACB દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સિહોર પોલીસે ફરાર આરોપી હરદીપસિંહ મોરીને ઝડપી પાડ્યો છે. હરદીપસિંહ પર સર અને કમળેજ ગામમાં ડુપ્લિકેટ દારૂ સપ્લાય કરવાનો આરોપ છે. તેણે બુટલેગરોને રોયલ સ્ટેગના નામે ડુપ્લિકેટ દારૂની પેટીઓ સપ્લાય કરી હોવાનો આક્ષેપ છે. તપાસ દરમિયાન લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે હરદીપસિંહનું કનેક્શન પણ સામે આવ્યું છે. પોલીસે આરોપીને ભાવનગર કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન સમગ્ર નેટવર્ક અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ કરશે.
સુરત કોર્ટના સત્તાવાર ઈમેઇલ આઈડી પર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેસેજ મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ધમકીની માહિતી મળતા કોર્ટ પરિસરમાં તાત્કાલિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. BDDS, ડોગ સ્કવોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો હતો અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બોમ્બની ધમકીના પગલે કોર્ટ પરિસરમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. દરમિયાન પોલીસે ધમકીભર્યો ઈમેઇલ મોકલનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાત હાઈકોર્ટને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઇલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. ધમકીભર્યો ઈમેઇલ માત્ર ગુજરાત હાઈકોર્ટને જ નહીં પરંતુ અમદાવાદની ઘી કાંટા, મેટ્રોપોલિટન અને સેશન્સ કોર્ટને પણ મળ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસે હાઈકોર્ટ સહિત તમામ કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો દ્વારા પણ સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ધમકીભર્યા ઈમેઇલ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતના સચિન GIDC અને પાંડેસરા વિસ્તારમાં કરંટ લાગવાથી બે યુવકોના મોતની અલગ-અલગ ઘટના સામે આવી છે. સચિન GIDC વિસ્તારમાં મૂળ બિહારના વતની અને ત્યાં કામ કરતા યુવકને કરંટ લાગ્યો હતો. યુવક સચિન વિસ્તારમાં આવેલી કલર્સ ડિજિટલમાં સિલાઈનું કામ કરતો હતો. સિલાઈ મશીનને અડતા તેને અચાનક કરંટ લાગ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. બંને બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના જસદણમાં યોજાયેલા મેળા દરમિયાન મારામારીની ઘટના સામે આવી છે. ગઈકાલે મેળામાં બે જૂથો વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી, જેમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જસદણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મારામારીમાં સંડોવાયેલા 18 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં પારિવારિક વિવાદ અને પ્રેમલગ્નની અદાવતમાં બનેવીએ સાળાની બાઇકને આગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આરોપીએ બાઇક સળગાવતાં સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાને પગલે પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના વસ્ત્રાલના હરભોળાપાર્ક વિસ્તારમાં જર્મન શેફર્ડ ડોગે પાડોશી મહિલાને બચકું ભરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, આ જ શ્વાને અગાઉ પણ મહિલાને બચકાં ભર્યા હતા. વારંવારની ઘટનાને પગલે મહિલાએ શ્વાનના માલિક વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
દિલ્લી-NCRમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં દિલ્લીવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ખરાબ હવામાનની અસર હવાઈ સેવા પર પણ જોવા મળી છે અને દિલ્લી એરપોર્ટ પર અનેક ઉડાનોમાં વિલંબ થયો છે. એરપોર્ટના ટર્મિનલમાં પણ પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ટ્રાફિક વ્યવસ્થા અને વાહનવ્યવહાર પર પણ અસર પડી હોવાનું સામે આવ્યું છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં કરંટ લાગવાથી 21 વર્ષના યુવકનું મોત નીપજ્યું છે. ભેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતો યુવક પાંડેસરાની સહજ ડાઈંગમાં ડ્રાય મશીન પર કામ કરતો હતો, દરમિયાન તેને અચાનક કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જોકે તેનું મોત થયું હતું. બનાવ અંગે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
નેપાળના દાર્ચુલા વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થતાં ચૌલાની નદીનો માર્ગ બંધ થઈ ગયો છે. ભૂસ્ખલનના કારણે નદીનો પ્રવાહ અવરોધાતા પાણીનું સ્તર વધવાની આશંકા વચ્ચે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીના પ્રવાહમાં વધારો થતાં આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. પ્રશાસન અને સુરક્ષા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ગાંધીનગરના ડભોડામાં રણછોડરાયજી મંદિર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જન્માષ્ટમીની ઉજવણી કરી. રણછોડરાયજી મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સહભાગી બન્યા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં વિશેષ પૂજા કરી અને ભગવાનની આરતી ઉતારી. ભગવાન કૃષ્ણના પારણાંને CMએ ઝુલાવ્યું અને આશીર્વાદ મેળવ્યા. રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે મુખ્યપ્રધાને પ્રાર્થના કરી.
બનાસકાંઠામાં શિક્ષકને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી રૂપિયા પડાવવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે મહેબૂબ બલોચ, સલીમ બલોચ અને નરસિંહ રાવળ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ શિક્ષકને બાલારામના જંગલમાં લઈ જઈ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. શિક્ષક પાસેથી ₹1.15 લાખ પડાવ્યાનું પણ સામે આવ્યું છે. સમગ્ર કાવતરામાં શિક્ષક, એક પત્રકાર અને મહિલાની સંડોવણી હોવાના આક્ષેપ છે, જ્યારે આશા શર્મા સહિત અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના વઢવાણ GIDC વિસ્તારમાં ભંગારના વેપારીનું કારમાં સવાર ત્રણ શખ્સોએ અપહરણ કરી લૂંટ ચલાવી હતી. આરોપીઓએ છરીની અણીએ વેપારી પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. બાદમાં વેપારીના ખાતામાંથી ઓનલાઈન ₹1.38 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા અને આશરે ₹40 હજારની સોનાની ચેન પણ લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાની તપાસ દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં ઝડપાયેલો એક આરોપી વેપારીનો જાણભેદુ હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટના ચૌધરી ગ્રાઉન્ડમાં ચાલી રહેલા મટકીફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. મટકી ફોડવા માટે બનાવવામાં આવેલી માનવ પિરામિડમાં સામેલ ગોવિંદો ઊંચાઈ પરથી નીચે ખાબક્યો હતો. નીચે પટકાતા તેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ગોવિંદોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન ઉત્સવે સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભક્તિનો માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તમામ ધામોમાં સવારથી જ મંગળા આરતી, ખુલ્લા પડદે પંચામૃત સ્નાન અને વિશેષ શૃંગાર સાથે 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. હકડેઠઠ મેદની વચ્ચે ભક્તો કાળિયા ઠાકોરના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આખા દિવસના ધાર્મિક વિધિ-વિધાનો બાદ હવે તમામ શ્રદ્ધાળુઓ બરાબર મધરાતે 12 વાગ્યાના દિવ્ય ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જ્યારે મધરાતે 12ના ટકોરે ભગવાનનો જન્મ થશે અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર હરિધામો ગૂંજી ઊઠશે.
Published On - 7:22 am, Sat, 5 September 26