
આજે 05 માર્ચના ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગુજરાત સહિત જુનાગઢ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં AAPના પાયાના નેતા ભાવેશ કાતરીયાએ રાજીનામું આપ્યું છે. પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ કાતરીયાએ પક્ષને જય શ્રી કૃષ્ણ કર્યા છે. “AAPનો ઉદ્દેશ્ય માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે તેમ ભાવેશ કાતરીયાએ જણાવ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ભાવેશ નારણભાઈ કાતરીયાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. કાતરીયાએ પત્રમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે પાર્ટીની વાસ્તવિકતા એ છે કે તેનો ઉદ્દેશ્ય માત્ર અને માત્ર ભાજપને ફાયદો કરાવવાનો છે.
અમદાવાદના બંધ કરાયેલા સુભાષ બ્રિજની મરામતની કામગીરી આગામી 10 થી 12 દિવસમાં સારું થશે. બધુ સમૂ સુથારુ પાડ પડ્યું તો નવ મહિનામાં રીપેરીંગ કામ પૂર્ણ થઈ જશે. મરામતની કામગીરી અંગેના કામને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. હયાત સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવા બનાવવા અને નવી બે લેન સાથે આખો નવો બ્રિજ બનાવવા માટે કુલ રૂ. 236 કરોડનો ખર્ચ થશે. સુભાષબ્રિજને રિપેરિંગ કરીને આગામી 9 મહિનામાં ટુ વ્હીલરો અને હળવા વાહનો માટે શરૂ કરી દેવામાં આવશે. હયાત બ્રિજના સુપર સ્ટ્રક્ચરને તોડીને નવું બનાવવામાં આવશે. જે પિલ્લર છે અને સબ સ્ટ્રક્ચર છે તેને મજબૂત બનાવવામાં આવશે. હયાત બ્રિજ ઉપરાંત બાજુમાં નવી બે લેન તૈયાર કરવામાં આવશે. જે બેલેન્સ આગામી બે વર્ષમાં બનીને તૈયાર થશે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ દિલ્હી ખાતે આવેલ ઈરાની દૂતાવાસની મુલાકાત લઈને શોક વ્યક્ત કર્યો હતો. ખામેનીના 28 ફેબ્રુઆરીના રોજ યુએસ-ઇઝરાયલી હવાઈ હુમલામાં મોત થયુ હતુ, જેમાં આયાતુલ્લાહ અલી ખામેનેઈની પત્ની અને પરિવારના અન્ય સભ્યો પણ માર્યા ગયા હતા. તેઓ 1989 થી ઈરાનના સર્વોચ્ચ નેતા હતા.
મહાનગરપાલિકા, નગર પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને કોંગ્રેસે રાજ્યસ્તરની 7 કમિટીની રચના કરી છે. આ સાત કમિટીમાં એક સ્ટ્રેટેજી કમિટીમાં ભરતસિંહ સોલંકીને ચેરમેન બનાવાયા છે. લાલજી દેસાઈને વાઇસ ચેરમેન અને હેમાંગ વસાવડા અને કન્વીનર બનાવાયા છે. શક્તિસિંહ ગોહિલને કેમ્પેઈન કમિટીના ચેરમેન નિયુક્ત કરાયા છે. પરેશ ધાનાણી વાઇસ ચેરમેન અને ગેનીબેન ઠાકોરને કન્વીનર બનાવાયા છે. ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીમાં સિદ્ધાર્થ પટેલ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જીગ્નેશ મેવાણી વાઇસ ચેરમેન અને બિમલ શાહ કન્વીનર બનાવાયા છે. પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન કમિટીમાં જગદીશ ઠાકોરને ચેરમેન બનાવાયા છે. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ વાઇસ ચેરમેન અને હિંમતસિંહ પટેલ કન્વીનર. મેનીફેસ્ટો કમિટીના ચેરમેન શૈલેષ પરમાર, વોઈસ ચેરમેન ઋત્વિક મકવાણા અને મનીષ દોશી કન્વીનર. મીડિયા કમિટીના ચેરમેન ડોક્ટર એની યાજ્ઞિક. લલિત કગથરા વાઇસ ચેરમેન અને ગ્યાસુદ્દીન શેખ કન્વીનર. કદીર પીરઝાદાને પબ્લિસીટી કમિટીના ચેરમેન અને અનંત પટેલ વાઇસ ચેરમેન અને ચેતન રાવલને કન્વીનર બનાવાયા છે.
સુરેન્દ્રનગરના તત્કાલીન અધિક કલેકટર આર.કે. ઓઝાની બદલી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલ સાથે જમીન એન.એ.ના કૌંભાડમાં હતા સંડવાયેલા. સરકારે રાતોરાત અધિક કલેકટર આર.કે. ઓઝાની વડોદરા ખાતે કરી બદલી. હવે વડોદરા ખાતે હાજર થયા બાદ થઈ શકે છે સસ્પેન્ડ.
ગીર સોમનાથના ઉનાના ભેભા ગામે પતિએ, પત્નીની હત્યા કરી છે. ગળાના ભાગે કુહાડીના ઘા મારી મોત નિપજાવ્યુ. ઘર કંકાશમાં હત્યા નિપજાવી હોવાની વિગત સામે આવી છે. હત્યા કરીને નાશી છૂટે તે પહેલા સ્થાનિકોએ પકડી પાડ્યો હતો. સ્થાનિકોએ આરોપીને દોરડા વડે બાંધી દીધો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને હત્યાના આરોપીમાં પતિની ધરપકડ કરી છે. ઉના પોલીસે ઘટનાને લઇને તપાસ આરંભી છે.
મહેસાણાના કડીની કેનાલમાં નાહવા બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું થયું હતું. સામસામી મારામારીમાં ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો છે. ધીંગાણામાં બંને પક્ષના લોકોને ગંભીર ઈજા પહોંચી છે. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કડી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી છે. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા, સહકારી કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાના કારણે, બરોડા ડેરીના સંચાલકોને સહકારી મંડળીના રજીસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ. દાણ પ્લાન્ટના દૈનિક ઉત્પાદનમાં થયેલા ઘટાડા અંગેનો પણ નોટીસમાં કરાયો ઉલ્લેખ. 5 લાખથી ઉપરની કોઇપણ ખરીદી ટેન્ડર મારફતે કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે. ડેરી સંઘ દ્વારા વ્યવસ્થાપક સમિતિ દ્વારા બોડેલી ખાતે સોલાર પ્લાન્ટને લઈ પણ બેદરકારી દાખવી હોવાના વિગતો અંગે પણ નોટીસમાં ઉલ્લેખ. ડેરી ઉત્પાદન સંઘને આ તમામ વિષયો માટેના પુરાવાઓ સાથે સહકારી મંડળીના રજીસ્ટ્રાર સમક્ષ હાજર રહેવા કરાયા આદેશ. ડેરી સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ અને રજીસ્ટ્રારને 13મી માર્ચે ગાંધીનગર હાજર રહેવા કરાયા આદેશ.
અમરેલી જિલ્લામાં પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે કતારો લાગી. પેટ્રોલ પંપ ઉપર લાગેલી વાહનોની મોટી મોટી કતાર બાદ, પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી. ધારી સાવરકુંડલા અમરેલીના પેટ્રોલપંપ પર નાના મોટા ભારે વાહનોની ભીડ જામી હતી. જિલ્લા પુરવઠા અધિકારી પ્રતીક કુંભાણીએ કહ્યું તમામ તાલુકામથક પર પૂરતો જથ્થો છે. વિવિધ કંપનીના પેટ્રોલપંપ પર કોઈ ડીઝલ પેટ્રોલની ઘટ નથી લોકોને અફવાથી દુર રહેવા કરી અપીલ. જિલ્લામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાથી લોકોએ દોડધામ ન કરવા અપીલ કરી
ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યના આરોગ્ય ક્ષેત્રે લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-2026 માટેની આવશ્યક દવાઓની યાદી (EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1386 દવાઓની સમીક્ષા કર્યા બાદ, 150 નવી દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે અને બિનજરૂરી 57 દવાઓ રદ કરવામાં આવી છે. જેના પરિણામે હવે આગામી વર્ષ માટે કુલ 1479 જેટલી સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની જરૂરી દવાઓ દર્દીઓને સરળતાથી ઉપલબ્ધ બનશે.
સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. 1400 કિલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. 3.08 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલ કારખાનામાં દરોડા પાડવામાં આવ્યા હતા. મહેશ પુનાશંકર શર્માની અટકાયત કરી પૂછપરછ કરાઈ છે. મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી. 1400 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કારખાનામાંથી મળી આવ્યો છે. સ્થળ પરથી પનીર બનાવવા માટેની પેસચરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જે તમામ 25 લાખનો મુદ્દા માલ સીઝ કરાયો છે. કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લુઝ એનાલોગ પનીરના સ્ટીકરો પણ મળી આવ્યા છે. 3000 જેટલા સ્ટીકર જપ્ત કરાયા, પામોલીન તેલના 28 ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે.
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ જમીન કૌભાંડનો મામલો. જમીન NA કૌભાંડ મામલે વિષેશ કોર્ટમાં ED દ્વારા ચાર્જશીટ દાખલ. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ ED એ દાખલ કર્યું આરોપનામું. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9 કરોડથી વધુ રકમનું આરોપનામુ. 1500 કરોડથી વધુ રકમની જમીન NA મામલે ED દ્વારા કરવામાં આવી છે તપાસ.
આગામી દિવસોમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે.
રાજેન્દ્ર પટેલ સામે જમીન NA કૌભાંડ મામલે મોટી કાર્યવાહી સામે આવી છે. આ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વિશેષ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત અન્ય સામે ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. માહિતી મુજબ રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ 9 કરોડથી વધુ રકમ સંબંધિત આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જમીનને નોન-એગ્રીકલ્ચર (NA)માં ફેરવવાના મામલે ગેરરીતિઓ થયાની શંકા છે. આ સમગ્ર કેસમાં લગભગ 1500 કરોડથી વધુ કિંમતની જમીન સંબંધિત ગેરકાયદેસર પ્રક્રિયાની તપાસ ચાલી રહી છે. હાલ ED દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી રહી છે અને કૌભાંડ સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
બિહાર વિધાનસભામાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ના ઉમેદવારો, મુખ્યમંત્રી નીતિશ કુમાર, નીતિન નવીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ કુમારે રાજ્યસભા માટે પોતાના નામાંકન દાખલ કર્યા. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અને જેડીયુના વરિષ્ઠ નેતાઓ નામાંકન સમારોહમાં હાજરી આપી. ત્યારબાદ બધા નેતાઓ વિધાનસભા છોડી ગયા. આ દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરવા માટે સ્ટેટ ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે.
#WATCH | NDA’s Rajya Sabha candidates from Bihar, including Nitish Kumar and Nitin Nabin, file their nomination in the presence of Union Minister Amit Shah in Patna. pic.twitter.com/VGtsX0xl3T
— ANI (@ANI) March 5, 2026
વડોદરામાં કપુરાઇ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ આજવા રોડ પર આવેલા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ તેમણે જીવન ટૂંકાવ્યું હતું. મૃતક 27 વર્ષીય પ્રિયંકા પ્રજાપતિ મૂળ બનાસકાંઠા જિલ્લોની વતની હોવાનું જાણવા મળ્યું છે. પ્રિયંકા પ્રજાપતિ કપુરાઇ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તાજેતરમાં જ તેમણે PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની પરીક્ષા પાસ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાથી પોલીસ વિભાગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હાલ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કયા કારણોસર કર્યો તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આપઘાતના કારણો અંગે તપાસ શરૂ કરી છે.
વડોદરાઃ જિલ્લા કોર્ટને ફરી ઉડાવી દેવાની ધમકી મળી છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત ધમકીનો ઇમેઇલ મળ્યો છે. ધમકી મળતા વકીલો અને અસીલોને કોર્ટમાં હાજર ન રહેવા તાકીદ કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વલસાડના તિથલ રોડ પર આવેલા સરદાર હાઈટ્સ સોસાયટીમાં ફરીથી લિફ્ટ ખોટકાવવાની ઘટના સામે આવી છે. સરદાર હાઈટ્સની સરસ્વતી વીંગમાં બે બાળકી લિફ્ટમાં ફસાઈ ગઈ હતી, કારણ કે લિફ્ટનો અંદરનો દરવાજો ખૂલી ગયો હતો અને બહારનો દરવાજો ખુલતો ન હોવાના કારણે તેઓ અટકી ગયાં. ઘટના સ્થળ પર પહોંચેલા સ્થાનિકો તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકોને લિફ્ટમાંથી બહાર કઢી લીધા. લિફ્ટ મેન્ટેનન્સ કરતી એજન્સી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બિલ્ડીંગ પાંચ વર્ષ પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં દુકાનદારના પરિવાર પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. આરોપ છે કે કેટલાક લુખ્ખા તત્વો દર મહિને વેપારી પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા. વેપારીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતા 4થી 5 શખ્સોએ તેના ઘરે પહોંચી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ વેપારીના ઘરે ઘુસી મંગળસૂત્ર લૂંટી લીધાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ પરિવાર અને દીકરાને મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે. હુમલામાં વેપારી અને તેની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટઃ ધુળેટી પર્વ પર રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની. સાંજા ચુલા નામના રેસ્ટોરન્ટમાં મારામારીનો વીડિયો વાયરલ થયો છે. નશાની હાલતમાં જમવા અંગે માથાકૂટ થઈ.
અમદાવાદ: નિકોલ હદ વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. PCR વાનના આઉટસોર્સિંગ કર્મચારીએ અકસ્માત સર્જ્યો. રાહદારીઓએ એકઠા થઈને કારચાલકને માર્યો માર. PCR ચાલક નશામાં હોવાનો રાહદારીઓને આક્ષેપ છે.
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં ગ્રામજનોએ દેશી દારૂના અડ્ડા સામે જનતા રેડ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ગામમાં ચાલતા દારૂના ધંધાથી કંટાળી લોકોએ અચાનક દરોડા પાડીને દારૂ બનાવવા માટે વપરાતી સામગ્રીનો નાશ કર્યો હતો. ગ્રામજનોનો આરોપ છે કે આ ગેરકાયદે ધંધા સામે કાર્યવાહી કરવા બદલે પોલીસ હપ્તા લેતી હોવાના કારણે દારૂનો વેપાર ચાલુ રહ્યો છે. ત્યારબાદ ગ્રામજનો દેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે પોલીસ મથકે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો અને PI વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
નેપાળમાં બળવા પછી, દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. કાઠમંડુ સહિત અનેક શહેરોમાં આજે મતદાન થઈ રહ્યું છે. વડા પ્રધાન પદના ઉમેદવાર બાલેન શાહે પણ કાઠમંડુમાં મતદાન કર્યું છે.
અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં મોડી રાત્રે સેવ બનાવતી એક ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. એક ફેક્ટરીમાં લાગી આગ થોડી જ વારમાં નજીકની અન્ય બે ફેક્ટરીઓ સુધી ફેલાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝ્યા હોવાની માહિતી મળી છે. આગ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ફેલાતાં નજીક આવેલી ચાલીઓ સુધી આગ ફેલાવાની શક્યતા ઊભી થઈ હતી, જેથી તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રે લગભગ 2:23 વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે ભારે મહેનત બાદ લગભગ ચાર કલાકની કામગીરી પછી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતમાંથી એક વ્યક્તિ બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાયો છે. પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ બનાવી વિદેશ પ્રવાસ કરતો હતો. યુવકે વર્ષ 2019માં બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો. યુવકે અનેક વખત નકલી પાસપોર્ટ પર વિદેશ પ્રવાસ કર્યો હતો. ડુમસ પોલીસે પાસપોર્ટ સાથે યુવકની ધરપકડ કરી.
Published On - 7:31 am, Thu, 5 March 26