આજે 04 નવેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરાના ડભોઈમાં PMના કાફલાના રૂટ પર બેદરકારી દાખવવા બદલ અધિકારી સસ્પેન્ડ. ડભોઈ પાલિકાના લાઈટ શાખાના ઇન્ચાર્જ મહેશ વસાવા સસ્પેન્ડ થયા છે. નાદોદી ભાગોળથી સિનોર ચોકડી સુધી 12 લાઈટના થાંભલા બંધ હતા. લાઈટના થાંભલા બંધ હોવાની બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે. ડભોઈ પાલિકાના ચીફ ઓફિસરે મહેશ વસાવાને સસ્પેન્ડ કર્યા. SOUથી PM, CM અને ડેપ્યુટી CMનો કાફલો બાય રોડ પસાર થયો હતો. ફરજમાં બેદરકારી બદલ ચીફ ઓફિસરે સસ્પેન્શનનો આદેશ કર્યો.
ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ ઊંચા કોટડા ગામે ગેરકાયદે ખનનનો પર્દાફાશ થયો છે. ગેરકાયદે ખનન મામલે 15 શખ્સો સામે ગુનો નોંધાયો છે. જંગલ અનામત વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન અને પરિવહન ઝડપાયું. વન વિભાગે 12 ટ્રેક્ટર અને 1 ડમ્પર સહિત 13 વાહનો કબજે કર્યા છે. વન વિભાગે અંદાજે ₹75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભારતીય વન અધિનિયમ 1927ની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરાઈ છે. મહુવા રેન્જની સંયુક્ત ટીમે ગઈકાલે રાત્રે દરોડા પાડ્યા. વાહનોના માલિકો અને ખનન નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
અમદાવાદીઓ માટે હવે પાર્કિગ પ્લોટમાં, વાહન પાર્ક કરવું બનશે વધુ મોંઘુ. શહેરમાં પાર્કિંગના દરમાં 20થી 25 ટકાનો વધારો કરાયો છે. મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીમાં ચાર્જ વધારવાની દરખાસ્ત મંજૂર કરી દેવાઈ છે. ટુ વહીલર, થ્રી વહીલર અને ફોર વહીલરના દરમાં કરાયો વધારો છે. ઓફ સ્ટ્રીટ અને મલ્ટીલેવલ પાર્કિંગના નવા દર નક્કી કરાયા. વિવિધ ઝોન પ્રમાણે પાર્કિંગના નવા ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયા બાદ દરખાસ્ત બોર્ડમાં જશે. મનપા બોર્ડની મંજૂરી બાદ નવા પાર્કિંગના દર લાગુ કરાશે.
અમદાવાદ શહેરની ધાર્મિક સંસ્થાઓ અને મનપાની બિલ્ડિંગ પર AMC લગાવશે સોલાર પેનલ. જો સોલાર નહીં તો BU નહીં ની નીતિ અમલી કરશે મનપા. શહેરમાં બનનાર મનપાની નવી બિલ્ડિંગમાં સોલાર ફરજિયાત કરાશે. આગામી સમયમાં અન્ય સરકારી બિલ્ડિંગ માટે પણ સોલાર ફરજિયાત કરવા પ્રયાસ કરશે મનપા. મનપાને મળી હતી 345 ધાર્મિક સંસ્થાની અરજી. જે પૈકી 200 સંસ્થામાં લગાવવામાં આવ્યા સોલાર પેનલ. આગામી સમયમાં 145 ધાર્મિક સંસ્થામાં લગાવવામાં આવશે સોલાર પેનલ.
મહીસાગરના લુણાવાડા નગરપાલિકામાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. નગરપાલિકાના પ્રમુખ કીર્તિ કુમાર પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે. લુણાવાડા નગરપાલિકાના, કાઉન્સિલરોએ પ્રમુખ વિરુદ્ધ નોંધાવ્યો આક્રોશ. મુખ્ય ચીફ ઓફિસરને પાઠવી સત્તાવાર નોટિસ. પ્રમુખ સામેનો વિશ્વાસ ગુમાવ્યો હોવાનો નોટિસમાં કરાયો ઉલ્લેખ. 13 થી વધુ સભ્યોની સહી સાથે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ તેજ. સ્થાનિક રાજકારણમાં ગરમાવો સત્તા પલટાના એંધાણ.
ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રિતુ રાજેશ તાવડે એ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે મુંબઈના વીરમાતા જિજિબાઈ ભોસલે બોટાનિકલ ઉદ્યાન અને ઝૂ તથા જૂનાગઢના સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્ક વચ્ચે વન્યપ્રાણીઓના સંકલન વિષયે ચર્ચા-પરામર્શ કર્યા હતા
નિકોલ અકસ્માત મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સમયે ફોર્ચ્યુનર કારમાં બે લોકો હતા. કારચાલક વિરલ ચૌધરી સાથે અન્ય એક વ્યક્તિ પણ અકસ્માત સમયે હાજર હતો. વિરલ ચૌધરી સાથે સાગર ચૌધરી નામનો વ્યક્તિ પણ હાજર હતો. પોલીસ દ્વારા સાગર ચૌધરીની શોધખોળ શરૂ કરી. અકસ્માત બાદ સાગર ચૌધરી ફરાર થઈ ગયો છે. ઘરેથી મોબાઈલ ફોન બંધ કરી સાગર ચૌધરી ફરાર થયો છે.
બોટાદના એડિશનલ એન્ડ સ્પેશિયલ (એટ્રોસિટી) કોર્ટે મહત્વનો ચુકાદો આપતા, જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચની હત્યા કેસના તમામે તમામ નવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 2019માં 19મી જૂનના રોજ, નવ શખ્સોએ પૂર્વઆયોજિત કાવતરું રચીને, જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની હત્યા કરી હતી. હત્યાના કારણમાં જૂની અદાવત અને અગાઉના કોર્ટ કેસોમાં સમાધાન નહીં કરવા બદલ હત્યા કરાઈ હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. મારુતિ ઝેન કારથી, મનજીભાઈ સોલંકીની મોટરસાઇકલને ટક્કર મારી પાડી દીધા બાદ લાકડીઓ અને લોખંડના પાઇપથી જીવલેણ હુમલો કરાયો હતો. કેસની સુનાવણી દરમિયાન 41 સાક્ષીઓની તપાસ અને 141થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.
જૂનાગઢ કોંગ્રેસ દ્વારા મજેવડી ગેટ રોડ ખુલ્લો કરવામાં નાટ્યાત્મક બનાવો જોવા મળ્યા હતા. કામકાજને કારણે બંધ રહેલ મજેવડી ગેટ રોડ પ્રજા માટે ખુલ્લો કરવા કોંગ્રેસના નેતાઓ-કાર્યકરો સ્થળ પર પહોચ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ અને મનપાના અધિકારીઓ પણ દોડી આવ્યા. રોડને લઈને હજુ કામગીરી બાકી હોવાનુ અને આગામી 6 કે 7 તારીખે રોડ ખુલ્લો કરવા મનપાના કાર્યપાલક ઈજનેરે બાહેધરી આપી હતી. તંત્ર દ્વારા આપેલ સમય પર હવે રોડ નહી ખોલવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ફરી પાછા જેસીબી સાથે લઈને રોડ ખોલવાની ચીમકી આપી હતી.
ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે. રાહુલ ગાંધીની રેલીમાં ના ગયેલા હોદ્દેદારો સામે કરાઈ કાર્યવાહી. 17 જનરલ સેક્રેટરી, 7 સ્ટેટ સેક્રેટરી, 24 જિલ્લા પ્રમુખોને સસ્પેન્ડ કરી દેવાયા છે. નવી સૂચના ના મળે ત્યાં સુધી સસ્પેન્ડનો પત્ર પાઠવવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસના નેશનલ સેક્રેટરીએ લીધો નિર્ણય. આ અગાઉ બેઠકમાં ગેરહાજર રહેલા હોદ્દેદારોને શોકોઝ નોટિસ અપાઈ હતી.
ઈ સ્ટેમ્પિગના નિયત ફી કરતા વધુ રૂપિયા પડાવનારા ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્રના 2 સંચાલક ઝડપાઈ ગયા છે. મહીસાગરના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સ્ટીંગ ઓપરેશનમાં ઝડપાયા છે. રૂ.100ના ઈ-સ્ટેમ્પના રૂ.110 વસૂલતા સંચાલકો રંગેહાથ ઝડપાયા. બાલાસિનોરના મહમદ શેખ અને ખાનપુરના વડગામના અલ્પેશ પટેલ સ્ટિંગમાં ઝડપાયા. તપાસમાં સ્ટેમ્પના જથ્થા અને રેકોર્ડમાં ગંભીર ક્ષતિઓ સામે આવી. નાગરિકોને નિયત ભાવથી વધુ નાણાં ન ચૂકવવા નાયબ કલેક્ટરની અપીલ કરાઈ છે.
સુરત મનપા ફૂડ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે. ન્યૂ બમરોલી રોડ પર આવેલ એસીયાડ ઇન્ડસ્ટ્રીયલમાં ‘અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ’ પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી 398 કિલોગ્રામ લો ફેટ ફ્રેશ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જેની કિંમત રૂપિયા 1,11,400 થાય છે. સીઝ કરવામાં આવેલો પનીરના સેમ્પલ લઇને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે.
નિકોલમાં ફોર્ચ્યુનર કારચાલકે સર્જેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો. ખરીદી કરવા આવેલું દંપતી થયું હતું ઇજાગ્રસ્ત. ગ્રાહક કાર્તિકભાઈ અને તેમના પત્ની સ્નેહલબેન થયા હતા ઇજાગ્રસ્ત. સારવાર દરમ્યાન સ્નેહલબેનનું મોત નીપજ્યું. પત્નીના મોત બાદ પરિવારજનોનું નિવેદન. પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર. યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે. અકસ્માતનો કેસ ફાસ્ટ્રેકમાં ચલાવી તાત્કાલિક ન્યાય મળે તેવી માંગ કરાઈ.
અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા અગ્નિવીરોને લઈને કેન્દ્ર સરકાર બે વર્ષનો સેવા વિસ્તાર આપવાનો નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવ અમલમાં આવે તો ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નિયમિત સેનામાં કાયમી ભરતી માટે પસંદ ન થયેલા કેટલાક અગ્નિવીરોને પણ વધુ બે વર્ષ સેવા કરવાની તક મળશે. હાલમાં અગ્નિપથ યોજના હેઠળ 25 ટકા અગ્નિવીરોને નિયમિત કેડરમાં સામેલ કરવાની જોગવાઈ છે, જ્યારે બાકીના 75 ટકા અગ્નિવીરો ચાર વર્ષ બાદ સેવા મુક્ત થાય છે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ એક્શનમાં આવ્યો છે. દેદિયાસણ, બેચરાજી, વિસનગર અને ઊંઝા સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 68 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જ્યારે FSW વાન દ્વારા 175 ખાદ્ય પદાર્થોનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 17 કિલો અખાદ્ય ફરસાણ અને ખાદ્ય તેલનો નાશ કરવામાં આવ્યો હતો. તહેવારોમાં લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી વિભાગ દ્વારા સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.
દિવાળીની રજાઓમાં અમદાવાદથી વતન જવા નીકળેલા કેટલાક મુસાફરો જોખમી રીતે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. રાજસ્થાન, દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ અને હિંમતનગર તરફ જતા માર્ગો પર ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાના દૃશ્યો સામે આવ્યા છે. એક ઇકો કારમાં અંદાજે 22 મુસાફરો સવાર થઈને જતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, પ્રાઇવેટ પાસિંગ ધરાવતાં વાહનોનો કથિત રીતે પેસેન્જર વર્ધી માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, સામાન્ય વાહનચાલકોને નિયમોના ભંગ બદલ દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. આવી જોખમી મુસાફરી છતાં તંત્રની નિષ્ક્રિયતા મુસાફરોની સુરક્ષા સામે ગંભીર ચિંતા ઊભી કરી રહી છે.
અમદાવાદના એસ.જી. હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધી તૈયાર થયેલો નવો ઓવરબ્રિજ 9 નવેમ્બરે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ બ્રિજનું લોકાર્પણ કરશે. અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે 4 કિલોમીટર લાંબો અને 6 લેન ધરાવતો આ એલિવેટેડ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજ શરૂ થતાં દરરોજના આશરે 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે. ખાસ કરીને પ્રહલાદનગર અને કર્ણાવતી તરફના માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને ઈસ્કોન જંક્શનથી સરખેજ સુધીની અવરજવર વધુ સરળ બનશે.
તાપી જિલ્લાના વ્યારાના કટાસવાણ ગામની સીમમાં શ્રમિકોને લઈ જતો પિકઅપ ટેમ્પો પલટી જતાં એક પુરુષ અને બે મહિલા મળી કુલ ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, આશરે 10 શ્રમિકો પિકઅપ ટેમ્પામાં સવાર થઈ ખેતરમાં ડાંગર કાપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રમિકોને તાત્કાલિક વ્યારાની UNM હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડવાની ફરિયાદો બાદ મહાનગરપાલિકાએ તપેલા ડાઈંગ એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ ઝોનમાં વધુ 25 એકમોને સીલ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ 135 એકમો સીલ કરાયા છે. આ ઉપરાંત કલમ 268 હેઠળ મિલો બંધ કરવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે. ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડીને પર્યાવરણ અને ડ્રેનેજ વ્યવસ્થાને નુકસાન પહોંચાડતા એકમો સામે મનપાએ કાર્યવાહી તેજ કરી છે.
રાજસ્થાનના શ્રીગંગાનગર નજીક રેલવે ટ્રેક પર વિસ્ફોટની ઘટના સામે આવી છે. અનુપગઢથી ભટિંડા જતી ટ્રેનને નિશાન બનાવી તેને ઉથલાવી દેવાનું ષડયંત્ર રચાયું હોવાની આશંકા છે. સુરતગઢ રેલવે લાઇન પર 50 જીબી ગામ નજીક ટ્રેક પર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટની તીવ્રતાને કારણે રેલવે ટ્રેક પરના સિમેન્ટના બે પિલર તૂટી ગયા હતા. ઘટનાને પગલે રેલવે અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે.
દિવાળી પહેલા જ દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ બની છે. રાજધાનીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 400ને પાર પહોંચતા પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની છે. હવામાં પ્રદૂષણનું સ્તર વધતાં તંત્ર દ્વારા GRAP-2 લાગૂ કરવામાં આવ્યું છે. ગુરુગ્રામમાં બાંધકામ સાઇટો બંધ કરાવી દેવામાં આવી છે, જ્યારે ઇમારતો તોડવાની કામગીરી સહિત બાંધકામ અને ખોદકામના તમામ પ્રોજેક્ટ્સ પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે. નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર સામે સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના સરખેજ, એલિસબ્રિજ, ચાંદખેડા અને ગાંધીનગરના ઈન્ફોસિટી વિસ્તારમાં ચાર સ્થળોએ દરોડા પાડી કુલ 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 40 હુક્કા અને 577 ફ્લેવરના પેકેટ સહિતનો સામાન કબજે કરાયો છે. ચારેય સ્થળેથી મળી આવેલા હુક્કાની ફ્લેવરના નમૂના FSLમાં મોકલાયા છે, જેથી તેમાં નિકોટીનનો ઉપયોગ થતો હતો કે કેમ તેની તપાસ થઈ શકે.
Published On - 7:49 am, Wed, 4 November 26