અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેગ્નેટ પાર્કમાં લાગેલી ભીષણ આગના મામલે આજે FSLની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. મેગ્નેટ પાર્કમાં આવેલી ફેડોરા કંપની આગની ઘટનામાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. કંપનીની ઓફિસમાં રહેલી તમામ ચીજવસ્તુઓ આગની લપેટમાં આવી જતાં કમ્પ્યુટર, સ્ટેશનરી, ફર્નિચર સહિતનો સામાન બળીને નાશ પામ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ FSLની તપાસ બાદ જ સામે આવશે. બીજી તરફ આગની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા પાંચ લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે FSLની ટીમ સ્થળ પર તપાસ કરી આગના કારણો અને નુકસાન અંગે વધુ વિગતો મેળવશે.
ગાંધીનગર મહાનગરપાલિકાને આજે નવા મેયર સહિતના હોદ્દેદારો મળવાના છે. અઢી વર્ષની ટર્મ માટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દેદારોનાં નામની જાહેરાત કરવામાં આવશે. આ માટે બપોરે 12 વાગ્યે મનપાની સામાન્ય સભા મળશે. મેયર પદ OBC પુરુષ માટે અનામત રહેવાની શક્યતા હોવાથી ઠાકોર સમાજના કોર્પોરેટરને મેયર પદ મળી શકે છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે બ્રહ્મ સમાજની મહિલાને સ્થાન મળે તેવી શક્યતા છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ પાટીદાર સમાજને ફાળવાય તેવી ચર્ચા છે. આ ઉપરાંત સ્થાયી સમિતિના 12 સભ્યોનાં નામની પણ જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 5 અને અપક્ષ ઉમેદવારને એક બેઠક મળી હતી. હવે આજે યોજાનારી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોનાં નામ પર સત્તાવાર મહોર લાગશે.
મહેસાણા જિલ્લાના ગમનપુરા ગ્રામ પંચાયતમાં અમદાવાદ ACBએ લાંચના કેસમાં કાર્યવાહી કરી છે. ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ અને તલાટી ₹1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં છે. ફરિયાદી પાસે બાંધકામની મંજૂરી આપવા બદલ લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ અંગે ફરિયાદ મળતાં અમદાવાદ ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં મહિલા સરપંચ અને તલાટી લાંચની રકમ સ્વીકારતા જ ACBના છટકામાં ઝડપાઈ ગયાં હતાં. ACBએ સ્થળ પરથી લાંચની ₹1 લાખની સમગ્ર રકમ રિકવર કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલી HPCL ઓઈલ રિફાઈનરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. રિફાઈનરીમાં અચાનક ભયંકર વિસ્ફોટ થયા બાદ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટ બાદ આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે રિફાઈનરીમાં કામ કરતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પ્રાથમિક અહેવાલો મુજબ આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદના કાંકરિયા લેકમાં બોટિંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હરણી બોટ દુર્ઘટના બાદ છેલ્લા બે વર્ષથી બંધ બોટિંગ સેવા ફરી શરૂ કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી કાંકરિયા લેકમાં 20 બોટ કાર્યરત કરવામાં આવશે. જોકે, બોટિંગ દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. બોટિંગ કરનાર દરેક વ્યક્તિનો ₹10 લાખનો વ્યક્તિગત વીમો ફરજિયાત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત લાઈફ જેકેટ, રેસ્ક્યૂ બોટ, જરૂરી સુરક્ષા ઉપકરણો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ફરજિયાત કરવામાં આવી છે. બે સ્પીડ બોટનો ઉપયોગ રેસ્ક્યૂ બોટ તરીકે કરવામાં આવશે. બોટિંગની દરેક ટિકિટની આવકમાંથી 15 ટકા નફો AMCને ચૂકવવાનો રહેશે. બોટિંગ માટે સ્પીડ બોટ અને પોન્ટૂન બોટના દર ₹160, શિકારા અને જીપ્સી બોટના દર ₹150 તથા પેડલ બોટના દર ₹60 નક્કી કરવામાં આવ્યા છે. બોટિંગની સાથે કાંકરિયા લેકમાં ફ્લોટિંગ કેફે પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે વર્ષ બાદ બોટિંગ શરૂ થતાં મુલાકાતીઓ ફરી એકવાર કાંકરિયા લેકમાં બોટિંગની મજા માણી શકશે.
આજે 03 નવેમ્બરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:36 am, Tue, 3 November 26