
આજે 03 માર્ચ સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મહારાષ્ટ્રના લાતુર શહેર નજીક નંદગાંવમાં અહેમદપુર લાતુર બસને આજે બપોરે 2:30 વાગ્યે અકસ્માત નડ્યો હતો. બસ અહેમદપુરથી લાતુર આવી રહી હતી. બસ નંદગાંવમાં પહોંચી કે તરત જ ડ્રાઈવરે સ્પીડમાં આવતી મોટરસાઈકલને બચાવવા બસને ડિવાઈડર પર હંકારી દીધી. આ દરમિયાન એક ભયંકર અકસ્માત થયો અને બસ પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં 20 થી 25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે લાતુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
BSF જવાનોએ ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી કરી છે. એક પાકિસ્તાની ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બીએસએફના જવાનોએ તેને ચેતવણી આપી, જ્યારે તે ત્યાંથી ના હટ્યો અને BSFની ચેતવણીને માની નહીં ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી. પાકિસ્તાની ઘૂસણખોરનો મૃતદેહ અજનલાની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો. આ અંગે રામદાસ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ભરૂચમાં ગેરકાયદે રેતી ખનનના મુદ્દાએ રાજકીય રંગ પકડ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના દમલાઇ ખાતે નાગરિકોની સાથે મળીને જનતા રેડ કરી હતી. સ્થાનિકોને સાથે રાખી જ્યા ગેરકાયદે ખનન થઈ રહ્યાની શંકા હતી તે સ્થળે જનતા રેડ પાડી હતી. સાંસદ મનસુખ વસાવાની જનતા રેડમાં, પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવા પણ જોડાયા હતા. તંત્રના અધિકારીઓની મિલીભગતથી સિલિકા ચોરીનું મોટુ કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહીસાગરના લુણાવાડા તાલુકાના શામણા ગામના કુવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. લુણાવાડા તાલુકાના શામણા ગામની સીમમા આવેલ કુવામાં 64 વર્ષીય આધેડની લાશ જોતા પોલીસને જાણ કરાઈ હતી. ગામના જ સ્થાનિક જેઠાભાઈ ધુલાભાઈ વણકર, જેઓ રિટાયર્ડ કંડકટર હતા તેમની લાશ ગામના ખેતરના કૂવામાંથી મળી આવતા અનેક શંકાઓ સેવાઈ રહી છે. તાલુકા પોલીસ તેમજ લુણાવાડા ફાયર વિભાગની મદદથી લાશને બહાર કાઢવામાં આવી અને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અરવલ્લીમાં શામળાજી પાસે ભવાનપુર સ્ટેન્ડ પર અકસ્માત સર્જાયો છે જેમાં એકનુ મોત થયું છે. ઊભેલી ટ્રક પાછળ અન્ય એક ટ્રક ઘૂસી જતા ક્લીનરનું મોત થયું છે. ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કઢાયો છે. ઈજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. શામળાજી પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.
ફરીદાબાદમાંથી ઝડપાયેલા શકમંદ આતંકી અબ્દુલ રહેમાન મામલે મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તાન ISI અયોધ્યા રામ મંદિર પર આતંકવાદી હુમલો કરાવવા માંગતી હતી. આતંકી અબ્દુલ રહેમાન ISI ના ISKP મોડ્યુલ સાથે જોડાયો છે. પકડાયેલ આતંકી અબ્દુલ રહેમાન પાકિસ્તાન ISIના સંપર્કમાં હતો. અબ્દુલ રહેમાન સોશિયલ મીડિયાના ઘણા જૂથો સાથે સંકળાયેલા છે.
ઝડપાયેલ આતંકી ફૈઝાબાદમાં મટનની દુકાન ચલાવે છે. રામ મંદિરના નિર્માણ બાદ પાકિસ્તાન ISIનું મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું. આતંકવાદીઓની યોજના અયોધ્યા રામ મંદિર પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કરીને ભારે વિનાશ કરવાની હતી. ઘણી વખત આતંકવાદીએ રામ મંદિરના રેકી કરી તમામ માહિતી પાકિસ્તાન ISI સાથે શેર કરી હતી.
આતંકવાદી અબ્દુલ રહેમાન યુપીના ફેઝાબાદથી ટ્રેન દ્વારા પહેલા ફરીદાબાદ પહોંચ્યો હતો. ત્યારબાદ એક હેન્ડલરે તેને હેન્ડ ગ્રેનેડ આપ્યો હતો જેને ટ્રેન દ્વારા અયોધ્યા પરત લઈ જવાનો હતો. કેન્દ્રીય એજન્સીઓના ઇનપુટ્સના આધારે ગુજરાત ATS અને હરિયાણા STFએ શંકાસ્પદ આતંકવાદીને પકડી લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આગામી 7 અને 8 માર્ચે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સુરત અને નવસારી ખાતે યોજાશે કાર્યક્રમ. તારીખ 7 અને 8 માર્ચના રોજ લીંબાયત ખાતે સભા સંબોધન કરશે. પીએમની જાહેરસભાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. DGP વિકાસ સહાયે નીલગીરી ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. સુરત પોલીસ કમિશનર અને કલેકટર સાથે સ્થળની વિઝીટ કરી હતી. વહેલી સવારે નવસારી ખાતે સભા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં સુરત લીંબાયત ખાતે DGP વિકાસ સહાય પહોંચ્યા હતા.
અમદાવાદના ઇસનપુર કેડિલા બ્રિજ પાસે યુવકનું ગળું કાપીને ક્રૂરતાથી હત્યા કરાઈ છે. એક અજાણ્યા શખ્સે યુવક પાસે લિફ્ટ માગીને ગળું કાપીને હત્યા કરી. અનૈતિક સબંધમાં હત્યા થઇ હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. ઇસનપુર પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
જુનાગઢ-નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફની બેઠકમાં પ્રધાનમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વડાપ્રધાને કહ્યું છે કે, સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી છે. સિંહોની સંખ્યાની સાથે તેનો વિસ્તાર પણ વધ્યો છે. હાલમાં ગીરમાં 674 સિહં છે. પહેલા માત્ર ત્રણ જિલ્લામાં 15 હજાર સ્ક્વેર કિલોમીટર એરિયા હતો. જે આજે વધીને હાલમાં 9 જિલ્લાઓમાં 30 હજાર કિલોમીટર વિસ્તાર થયો છે. સિંહોની સંખ્યા અને વિસ્તાર વધતા તેના સંવર્ધન માટે લોકભાગીદારી પર PM નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો.
જલારામ બાપાને લઈને ટિપ્પણીને લઈને વિરોધ ચાલી રહ્યો છે. સ્વામી જ્ઞાનપ્રસાદ સામે રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્વામી સામે કાર્યવાહી કરવાની લોકોની માગ છે. રઘુવંશી સમાજનું કહેવુ છે કે વારંવાર હિન્દુ દેવી-દેવતાનું અપમાન કરવામાં આવે છે. અમે પ્રેમવતીના નામે દુકાનો ખોલીને બેઠા નથી. આવા બાલીશ નિવેદન ક્યારેય ચલાવી ન લેવાય.
રાજકોટઃ દારૂની હેરફેર માટે બુટલેગરનો નવો કીમિયો સામે આવ્યો છે. કારની ટેલ-લાઇટમાં બોટલ છૂપાવી દારૂની હેરફેર થતી હોવાનું સામે આવ્યુ છે. પેટ્રોલ ટેન્ક,ગિયર બોક્સમાં પણ દારૂની બોટલ મળી. પોલીસે 375 બોટલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બુટલેગરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
ગાંધીનગરમાં નિવૃત સરકારી કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો. જમીન વિકાસ નિગમના નિવૃત કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો. પડતર લાભોના ચૂકવણા અંગેની નિવૃત્ત કર્મચારીઓએ માગ કરી છે. ગ્રેજ્યુઈટીની મર્યાદા 10 લાખને બદલે 20 લાખ કરવા માગ કરવામાં આવી. હાયર પેન્શનનો લાભ આપવા કર્મચારીઓની રજૂઆત છે. પડતર માગ સ્વિકારવા મુખ્યપ્રધાન અને કૃષિ પ્રધાનને રજૂઆત કરવામાં આવી. માગ નહીં સ્વિકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે તાપમાન ઘટશે. 2થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. પવનની દિશા બદલાતા ઠંડા પવનો ફૂંકાશે.
ભરૂચ: અંકલેશ્વરમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં યુવાનો વચ્ચે મારામારી થઇ હોવાનું સામે આવ્યુ છે. 2 યુવકોએ અન્ય યુવકને ઢોર માર માર્યો. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાયદાના ભય વગર લુખ્ખા તત્વોની જાહેરમાં મારામારી જોવા મળી.
સુરતમાં વડોદરાના રમઝાન અંગેના પરિપત્રનો વિરોધ થઇ રહ્યો છે. VHP અને બજરંગ દળ દ્વારા દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરાયું. તાત્કાલિક પરિપત્ર રદ કરવાની કરાઈ ઉગ્ર માગ કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તૃષ્ટિકરણની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ છે.
રાજ્યમાં વધુ એક વખત ફિક્સ પગારની નીતિને લઈને ગૃહમાં પ્રશ્ન થયો. ફિક્સ પગારમાં વધારો કરવા સરકારને અધધ અરજીઓ મળી હોવાની માહિતી અપાઇ. છેલ્લા 2 વર્ષમાં 5228 લોકોએ લેખિત અરજી કરી પગાર વધારાની કરી રજૂઆત. 16.02.2006 થી અમલમાં આવેલી ફિક્સ પગાર નીતિમાં છેલ્લે 01.10.2023 નાં રોજ વધારો થયો હતો.
વિધાનસભા ગૃહમાં વાંસદાના ધારાસભ્ય પ્રશ્ન કર્યો કે, રાજ્યમાં GST ની કેટલા રકમની ચોરી થઈ છે ? રાજ્ય સરકારના નાણાં મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો કે છેલ્લા એક વર્ષમાં GST ની કુલ 496.62 કરોડની ચોરી કરાઈ છે. રાજ્ય સરકાર gst માં ચોરી કરનારા પાસે થી કુલ 246.87 કરોડ રૂપિયાનું દંડ પેટે રકમ વસુલવામાં આવી છે.
રાજ્યમાં આવતા વાવાઝોડાને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. દરિયાકાંઠાના 50 કિમીના વિસ્તારમાં વીજ લાઈનોમાં મોટાપાયે ફેરફાર થશે. 50 કિમી જેટલા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને વહેલીતકે વીજ લાઈનનું કામ પૂર્ણ કરાશે. છેલ્લા 2 વાવાઝોડામાં મોટાભાગે વીજપોલ પડી જતા અંધારપટ છવાયો હતો. બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિ બાદ મુખ્યપ્રધાને સૂચના આપી હતી.
CMના સૂચનથી અંડરગ્રાઉન્ડ કામનો નિર્ણય લેવાયાની ઉર્જા પ્રધાને માહિતી આપી.
ગુજરાત ATSએ આતંકવાદીને ઝડપ્યા છે. ફરીદાબાદથી આતંકી ઝડપાયા છે. બે આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી છે. હરિયાણા STF સાથે ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કર્યુ છે. આતંકીઓ પાસેથી હેન્ડગ્રેડેડનો જથ્થો પણ પકડાયો.
In a joint operation #GujaratATS, along with #Haryana STF caught 2 terrorists from Faridabad #TV9Gujarati #TV9News pic.twitter.com/FDRg9giIOJ
— Tv9 Gujarati (@tv9gujarati) March 3, 2025
સુરતઃ ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. ઓક્સિજન સિલિન્ડર દારૂનો વેપલો ચાલતો હતો. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી દારૂનો જથ્થો ઝડપ્યો. પોલીસે 16.60 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા 1 મહિલા સહિત 2 આરોપીઓ વોન્ટેડ જાહેર કર્યો.
ભરૂચઃ ટ્રેકટર નીચે દબાઈ જતા ચાલકનું મોત થયુ છે. વાગરાના ભેરસમ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ટ્રેકટર અચાનક પલટી જતા ચાલક નીચે દબાયો.
સુરતઃ હોળીનાં પર્વને લઈ વતન જવા પરપ્રાંતિજ મુસાફરોનો ધસારો જોવા મળ્યો. ઉધના રેલવે સ્ટેશન પર 100 જેટલી ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ ઉમટી છે. ટ્રેનમાં જગ્યા મેળવવા મોડી રાતથી જ શ્રમિકોનો સ્ટેશન પર રાતવાસો. સુરતમાં ઉત્તર ભારતીયના લોકોની 20 લાખથી વધુની જનસંખ્યા છે. ઉત્તર ભારત તરફ જતી ટ્રેનમાં જનરલ ડબ્બા વધારવા માગ કરવામાં આવી.
જૂનાગઢમાં PM મોદી સિંહ દર્શન કરવા નીકળ્યા છે. PM મોદી સાસણ ગીર સિંહસદનથી સફારી પાર્કમાં જવા નીકળ્યા. સિંહદર્શન બાદ રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે. વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત બેઠક યોજાશે.
દેવભૂમિદ્વારકા: ખંભાળિયા-દ્વારકા હાઈવે પર અકસ્માત સર્જાયો. ખાનગી બસ અને PGVCLની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. ગાડીમાં સવાર ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા. અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયુ છે. PGVCLના અધિકારી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ: ઉના ગીરગઢડા રોડ પર ખાપટ ગામ નજીક અકસ્માત સર્જાયો છે. બે બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવકોનાં મોત થયા છે. અન્ય એક બાઇક સવારને પણ ગંભીર ઇજા થઇ છે. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે.
વડાપ્રધાન મોદી આજે સાસણ ગીરમાં સિંહ દર્શન કરશે. લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન બાદ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ કરશે. ઉપરાંત, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 7મી રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ બેઠક યોજાશે. હોદ્દાની રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના પણ અધ્યક્ષ છે.. જેના કારણે જ તેઓ બેઠકમાં ભાગ લેવા સાસણ પધાર્યા છે.. ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતાં પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં હોસ્પિટલ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કરશે.
Published On - 7:33 am, Mon, 3 March 25