03 જાન્યુઆરીના મહત્વના સમાચાર : PMJAY કાર્ડ યોજના માટે સરકાર જાહેર કરશે હેલ્પલાઈન નંબર

|

Jan 03, 2025 | 9:07 PM

આજે 03 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

03 જાન્યુઆરીના મહત્વના સમાચાર : PMJAY કાર્ડ યોજના માટે સરકાર જાહેર કરશે હેલ્પલાઈન નંબર

Follow us on

દિલ્લીમાં સિઝનની સૌથી વધુ ગાઢ ધુમ્મસ છવાયુ છે. ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે, તો જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં ભારે બરફવર્ષા થઇ. PM મોદી આજે દિલ્લીમાં ચૂંટણી રણશિંગુ ફૂંકશે. ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા 4500 કરોડની ભેટ આપશે. રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનોના તાળા તોડી સામાન ફેંકવા મામલે 9ની ધરપકડ કરવામાં આવી છે. નવાજ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીને પણ પકડ્યા. અમરેલીના લેટરકાંડમાં પાટીદાર દીકરીને ન મળ્યા જામીન, 4 તારીખ સુધી ચુકાદો પેન્ડિંગ છે. આજે રેગ્યુલર જામીન અરજી અંગે સુનાવણી. નડિયાદમાં વિચિત્ર અકસ્માતમાં બાળકીનું મોત. ટેમ્પોનું સ્પેર વ્હિલ ટ્રોલીમાંથી ઉછળીને બાળકી સાથે અથડાયું, ઘટનાસ્થળે જ ગયો જીવ. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત. 22 જાન્યુઆરી સુધી રિવરફ્રન્ટ પર જમાવટ. 15 કરોડનો કરાયો ખર્ચ.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Jan 2025 08:34 PM (IST)

    PMJAY કાર્ડ યોજના માટે સરકાર જાહેર કરશે હેલ્પલાઈન નંબર

    ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કે,  PMJAY કાર્ડ યોજના માટે, આવતીકાલ શનિવારે હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવશે. આ હેલ્પલાઈન નંબર જાહેર થયા બાદ, PMJAY કાર્ડ યોજના માટે કોઈ એજન્ટનો સંપર્ક કરવાની જરૂર નહીં પડે. તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતમાં નવી 10 મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે. MBBSમાં 2650 જેટલી બેઠક છે તે વધારીને 3600 કરવા જઈ રહ્યા છીએ. 108ની સેવામાં પણ નવી એપ મારફતે વધુ સારી સુવિધા શરુ કરવામાં આવશે.

  • 03 Jan 2025 07:00 PM (IST)

    ગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીના કઢાતા જાહેર સરઘસ અટકાવવા હાઈકોર્ટમાં કરાશે PIL

    ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી, પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં ફેરવીને સરઘસ કાઢવાનો ટ્રેન્ડ શરુ થયો છે. આ પ્રકારની કાર્યવાહી આરોપીના બંધાણીયા અધિકારનો ભંગ હોવાને લઈ, ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ કરવા સુરતના એક વકિલા તૈયારી કરી છે. તેમણે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, માનવ અધિકાર આયોગ, પોલીસ વડા DGP ને અરજી કરીને આ પ્રકારની કામગીરીને રોકવા જણાવ્યું છે. આરોપી સામે કોઈ પણ આરોપ જ્યા સુધી અદાલતમાં સાબિત ના થાય ત્યાં સુધી તે આરોપી નિર્દોષ હોય છે. પોલીસને કોઈને સજા કરવા અથવા જાહેરમાં વરઘોડા કાઢવાનો રાઇટ નથી. આ બાબતે ડી કે બાસુ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાલના કેસમાં સુપ્રિમ કોર્ટનું જજમેંટ આવેલ છે, જેમા આરોપી ના રાઇટ અંગે અને પોલીસે તપાસ અંગેની ગાઇડ લાઇન આપેલ છે.


  • 03 Jan 2025 05:44 PM (IST)

    Amreli : લેટરકાંડમાં મહિલા આરોપી પાયલ ગોટીને મળ્યા જામીન

    અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરિયાને બદનામ કરવાના કેસમાં પકડાયેલ મહિલા પાયલ ગોટીના કોર્ટે જામીન મંજૂર કર્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં પોલીસ દ્વારા પાયલ ગોટી સહીતના આરોપીઓને, રિકન્સ્ટ્રક્શન અને તપાસ માટે સરઘસકારે લઈ જવાયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ આ મુદ્દે રાજકારણ ગરમાયુ હતું. ભાજપ અને કોંગ્રેસ સામે સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યા હતા.

  • 03 Jan 2025 05:21 PM (IST)

    Allu Arjun gets bail : અલ્લુ અર્જુનને મળ્યા નિયમિત જામીન

    પુષ્પા-2 ફિલ્મના હીરો અલ્લુ અર્જુનને (Allu Arjun) સંધ્યા થિયેટરમાં નાસભાગની ઘટનામાં રાહત મળી છે. આ કેસમાં નામપલ્લી કોર્ટે બન્નીને નિયમિત જામીન આપવાનો આદેશ કર્યો હતો. રૂ. 50 હજાર અને બે જામીન પર જામીન મંજૂર કર્યા હતા. 30 ડિસેમ્બરે નામપલ્લી કોર્ટમાં અલ્લુ અર્જુનની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

  • 03 Jan 2025 04:38 PM (IST)

    મહેસાણામાં ગેરકાયદે દારુના વેચાણથી ત્રસ્ત થયેલ મહિલાઓએ એસપી કચેરીએ નાખ્યાં ધામા

    મહેસાણામાં બૂટલેગરોના ત્રાસથી મહિલાઓએ SP કચેરીમાં ધામા નાખ્યાં હતા. મહેસાણાના પરા વિસ્તારની મહિલાઓ દારુના વેચાણના દૂષણથી ત્રસ્ત થઈને sp કચેરીએ ધામા નાખ્યાં હતા. પરા વિસ્તારમાં ખારી નદીના પટ્ટામાં ગેરકાયદેસર ઝુંપડપટ્ટી છે. ઝુંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની મહિલાઓએ રજૂઆત કરી હતી. બુટલેગર અને દારૂડિયાઓને કારણે અસામાજિક તત્વોનો પણ ત્રાસ વધ્યો હોવાની ફરિયાદ કરાઈ છે. ગેરકાયદેસર વેચાતો દારૂ બંધ કરવા અને ગેરકાયદેસર ઝુપડપટ્ટી દૂર કરવા મહિલાઓએ રજૂઆત કરી હતી.

  • 03 Jan 2025 04:33 PM (IST)

    કચ્છમાં રાપરથી 24 કિમી દૂર આવ્યો ભૂંકપ

    કચ્છમાં વધુ એક ભૂકંપનો આંચકો આવ્યો છે. સાજે 4:16 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 24 કિમી દૂર હોવાનું સામે આવ્યુ છે.

  • 03 Jan 2025 03:51 PM (IST)

    રાજકોટમાં નકલી પોલીસની અસલી પોલીસે ધરપકડ કરી

    રાજકોટમાં નકલી પોલીસની, અસલી પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા હોટેલમાં તોડ કરનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. પોપટપરામાં રહેતા મિહીર કુગશિયા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપીને, મિહીર કુગશિયાએ બંગાળી યુવક યુવતી પાસેથી 35000નો તોડ કર્યાની ફરિયાદ મળી હતી.

  • 03 Jan 2025 03:41 PM (IST)

    આણંદ મનપામાં સમાવેશથી કરમસદના નારાજ રહીશોએ કર્યો આક્ષેપ, સરદારનુ નામ ભૂંસી નાખવા સરકારનો પ્રયાસ 

    આણંદ મહાનગરપાલિકામાં કરમસદ શહેરનો સમાવેશ કરવામાં આવતા, કરમસદના નાગરિકો નારાજ થયા છે. 2016 થી કમરસદને વિશેષ ગામના દરજ્જા માટે લડત ચલાવવામાં આવી હતી. કરમસદને વિશેષ ગામનો દરજ્જો આપવાની, તત્કાલીન સરકારના પ્રતિનિધિઓ દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી. ભૂતકાળમાં વિશેષ ગામના દરજ્જા માટે ધરણા અને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. સરકારે વિશેષ ગામનો દરજ્જો આપવાને બદલે સરદાર પટેલના ગામનું નામ જ ભૂસી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો નાગરિકોએ આક્ષેપ કર્યો છે.

     

     

  • 03 Jan 2025 03:09 PM (IST)

    થરાદ તાલુકામાં લક્કી ડ્રોના નામે ચાલી રહ્યા છે ઠગાઈના ધંધા

    બનાસકાંઠાઃ થરાદ તાલુકામાં લક્કી ડ્રોના નામે ઠગાઈના ધંધા ચાલી રહ્યા છે. પોલીસે લક્કી ડ્રોના આયોજકો સામે ફરિયાદ કરી. અનેક આયોજકોને નોટિસ આપવા છતાં આયોજકોને કોઈ ડર નથી. કાયદાના ડર વગર ઓફિસો ખોલી મંડપ લગાવી લક્કી ડ્રોની કુપનોનું વેચાણ થતુ હતુ. થરાદના ચાંગડા ગામમા ખુલ્લેઆમ લક્કી ડ્રોનું વેચાણ થતુ હતુ.  જો કે TV9નો કેમેરો જોઈ ડ્રો બંધ કર્યો.

  • 03 Jan 2025 02:25 PM (IST)

    રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી

    રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ ઠંડીથી આશિંક રાહત મળશે. અમદાવાદનું તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થશે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે.

  • 03 Jan 2025 01:56 PM (IST)

    વલસાડ: દમણથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાના કારસ્તાનનો પર્દાફાશ

    વલસાડ: દમણથી રાજ્યમાં દારૂ ઘૂસાડવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. આઈસર ટેમ્પોમાં પૂંઠાના રોલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઇ છે. નેશનલ હાઈવે નંબર 48 પર સરોધી નજીક દારૂનો જથ્થો ઝડપાયો છે. 3.40 લાખના દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આઈસર ટેમ્પો સહિત કુલ 11.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

  • 03 Jan 2025 12:31 PM (IST)

    અમદાવાદઃ સરખેજમાં આવેલી FD સ્કૂલને નોટિસ

    અમદાવાદઃ સરખેજમાં આવેલી FD સ્કૂલને નોટિસ મળી છે. FRCએ નવી ફીને મંજૂરી ન આપી હોવા છતાં શાળાએ વધુ ફી ઉઘરાવતા વાલીઓએ ફરિયાદ કરી હતી.
    DEOએ શાળાને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે.

  • 03 Jan 2025 11:41 AM (IST)

    સુરત: બોગસ ડૉક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત

    સુરત: બોગસ ડૉક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ડિંડોલી પોલીસે 6 બોગસ ડૉક્ટરને ઝડપી પાડ્યા છે. અલગ-અલગ ક્લિનિક પર ડિંડોલી પોલીસે  દરોડા પાડ્યા હતા. નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગરના ડૉક્ટર ઝડપાયા છે. ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો જપ્ત કરાયો છે.

  • 03 Jan 2025 09:54 AM (IST)

    મોરબી: આધારકાર્ડમાં ગેરકાયદેસર સુધારો કરવાનું કૌભાંડ

    મોરબી: આધારકાર્ડમાં ગેરકાયદેસર સુધારો કરવાનું કૌભાંડ આવ્યુ છે. પોસ્ટમેન અને દુકાનદારે સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે. ઈશ્યૂ કરેલ આધાર કીટનો પોસ્ટમેને દુરુપયોગ કર્યો. આઈડી કીટના આધારકાર્ડ ડેટાનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવ્યા. બનાવટી બાયોમેટ્રીકના આધારે આધારકાર્ડ બનાવી ઠગાઈ આચરી.

  • 03 Jan 2025 08:51 AM (IST)

    નડિયાદઃ વિચિત્ર અકસ્માતમાં બાળકીનું મોત

    નડિયાદઃ વિચિત્ર અકસ્માતમાં બાળકીનું મોત થયુ છે. ડાકોર રોડ પર સલુણ પાટિયા પાસે આઈસર ટેમ્પોનું સ્પેર વ્હિલ અથડાતા બાળકીનું મોત થયુ છે. ટ્રોલીમાંથી ઉછળીને બાળકીને વ્હિલ અથડાયું. વ્હિલ બાળકીના મોં પર અથડાતા ઘટનાસ્થળે જ મોત થયુ છે.

Published On - 8:48 am, Fri, 3 January 25