ગાંધીનગરના કલોલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કપિલેશ્વર મંદિર પાસે મોડી રાત્રે કેટલાક શખ્સોએ યુવક સાથે બબાલ કરી તેના પર લાકડી અને પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલો કરનારા શખ્સો દારૂના નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત્રે જાહેરમાં થયેલી આ બબાલને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ અસામાજિક તત્વોના વધતા આતંકને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.
દેશના અનેક રાજ્યોમાં આજે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વાવાઝોડાની અસરને પગલે ભારે વરસાદની શક્યતા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી અને કર્ણાટકમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. બીજી તરફ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વોત્તર ભારતના અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય સહિતના રાજ્યોમાં પણ વરસાદની સંભાવના છે. જ્યારે બીજી તરફ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આમ, દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને હિમવર્ષાને પગલે હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે.
અમદાવાદના વીંછિયા ગામે કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ જ પોતાના 10 વર્ષના માસૂમ પુત્રની નિર્મમ હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ, પિતા નરેશે પહેલા પોતાના પુત્રને ઘરની બહાર ઊંચકીને પછાડ્યો હતો. ત્યારબાદ લાકડી વડે હુમલો કરીને પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હત્યારા પિતા નરેશની ધરપકડ કરી છે. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી લાકડી પણ જપ્ત કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમેરિકાના ફ્લોરિડામાં બિઝનેસ જેટ ક્રેશની ઘટના સામે આી રહી છે. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ 9 લોકોના મોત નિપજ્યા છે. આપને જણાવી દઇએ કે હવામાં અનિયંત્રિત થયેલું પ્લેન તીવ્ર ઝડપથી જમીન પર પટકાયું હતું.. જમીન પર પટકાયા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો અને પ્લેનમાં સવાર તમામ લોકોના રામ રમી ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર પ્લેને ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી ઉડાન ભરી હતી અને બહામાસ જઇ રહ્યું હતું.
અર્નબ વાવાઝોડા બાદ હવે ‘મુરાસુ’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાનની આગાહી મુજબ, 2 નવેમ્બરના રોજ આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દક્ષિણ કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. દરિયામાં અંદાજે 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલું મુરાસુ વાવાઝોડું 100 કિમીથી વધુની ઝડપે લેન્ડફોલ કરી શકે છે. વાવાઝોડું તીવ્ર બનતાં ચેન્નાઈ સહિત આંધ્રપ્રદેશના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની અસરને પગલે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ચેન્નાઈમાં તકેદારીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિ સર્જાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આજે 02 નવેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:40 am, Mon, 2 November 26