
આજે 02 જાન્યુઆરીને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલ, જમીન એન એ કરવાના કૌંભાડમાં આગામી 7 જાન્યુઆરી સુધી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને રિમાન્ડ પર સોપાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 10 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરી હતી.
અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને બિલ્ડર સુરેશ પાનસુરીયાનો પુત્ર ગુમ થયો છે. 31 ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી સૂસાઇડ નોટ લખી રવિ સુરેશ પાનસુરીયા ગુમ થઈ ગયો છે. રવિ પાનસૂરિયાએ એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. ગોધરાના દીક્ષિત પટેલ સહિતના 15 જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરીયા ગુમ થયો છે. 4 કરોડ 90 લાખની મિલકત, 3 કરોડ 38 લાખ RTGS થી ચૂકવેલ. 2 કરોડ 97 લાખ જેવી બાકી રકમ સામે 15 કરોડની પઠાણી ઉઘરાણી બાદ રવિ પાનસુરીયા ગુમ થયો છે. 31 ડિસેમ્બરની રાત્રે ઘરેથી જતો રવિ પાનસુરીયા સીસીટીવીમાં દેખાય છે. રવિ પાનસુરીયાની શોધખોળ માટે પોલીસે કવાયત હાથ ધરી છે.
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી તેમના પત્ની નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી સાથે સોમનાથ પહોંચ્યા હતા. દેશના 12 જયોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે પહોંચ્યા, જ્યા સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન બાદ સોમેશ્વર મહા પૂજા, ધ્વજા પૂજા કરશે. મુકેશ અંબાણીના આગમન પૂર્વે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. થોડા દિવસો પૂર્વે પુત્ર અનંત અંબાણીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
બગદાણામાં માર ખાનાર નવનીત સામે સુરતની પાયલે ગેરકાયદે માટી ખનન કર્યાનો આક્ષેપ કર્યો છે. પાયલ વઘાસિયાએ કહ્યું કે, નવનીત બાલધિયાને દોઢ વર્ષ પહેલા માટી ખનન માટે મંજૂરી આપી હતી. પરંતુ નવનીતે સતત પાંચ મહિના સુધી માટીનું ખનન કર્યુ. ગાંધીનગર ફરિયાદ કરી ત્યારે દેખાડા પુરતુ 3 દિવસ ખનન કાર્ય બંધ રાખ્યું હતું. 3 દિવસ બાદ નવનીતે ફરીથી માટીનું ખનન કરવાનું શરૂ કર્યું હતું. દરરોજ રાત્રે 15 જેટલા ટ્રેક્ટર અને પાંચ જેસીબી ચાલતા હતા. ખનન કરવાની ના પડતા ત્યારે નવનીત ધમકી આપતો હતો કે, જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો. મારી ગાંધીનગર સુધી પહોંચ છે. પાયલે કહ્યું કે, મેં ગઈકાલે પણ નવનીતભાઈને કોલ કરી એ બાબતે ટકોર કરી છે. કોના કહેવાથી જમીનમાંથી માટી કાઢી લીધી તેની તપાસ થવી જોઈએ. જે રીતે હાલ હિરાભાઈ સોલંકી એ નવનીતને ન્યાય અપાવ્યો, તે રીતે મને પણ ન્યાય મળે તેવી આશા છે.
સુરત શહેરમાં લેઉવા પાટીદારના ભાજપનાં નેતાઓના સન્માન સમારોહ મામલે વિરોધ થયો છે. આમ આદમી પાર્ટીના સુરત લોકસભા ઇન્ચાર્જ દ્વારા આયોજકોને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. પોસ્ટરમાં લાગેલા સરદારનો ફોટો કાપી નાખ્યો છે. તેની સામે આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણી દ્વારા વિરોધ નોંધાવ્યો છે. ભાજપના લેઉવા પાટીદાર નેતાનુ સન્માન કરનારા આયોજકોને કહ્યું કે, જેટલી બાઉન્ડ્રી વોલ મારવી હોય તે મારી રાખજો, ખુરશીઓ પણ બાંધી રાખજો, જમવાની ડીશ પણ રાખતા નહીં, બાકી સામી છાતીએ વિરોધ થશે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનું પણ સન્માન કરો, તેઓ પણ લેઉવા પાટીદાર છે. ભાજપ સિવાયના અન્ય પક્ષના લેઉવા પાટીદાર નેતાઓનું પણ સન્માન કરવા જણાવ્યું છે.
ભાવનગરના કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલઘીયા પર થયેલા હુમલાના મામલે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયાએ પીડિતની મુલાકાત લીધી હતી. 29 ડિસેમ્બરે થયેલા હુમલામાં ઇજાગ્રસ્ત નવનીતભાઈ હાલ મહુવા હનુમંત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલાની ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. નિમુબેન બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં “કોળી સમાજના યુવકને ચોક્કસ ન્યાય મળશે, સોમવારે તમામ ધારાસભ્યો મુખ્યમંત્રીને મળશે” તેવું જણાવી રહ્યા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર હુમલાનો ગંભીર આરોપ છે. બગદાણા પોલીસે હુમલાનાં કેસમાં 8 ઇસમોની ધરપકડ કરી છે, પરંતુ જેમના પર આરોપ લાગી રહ્યો છે, તે જયરાજ આહીરનો હજુ સુધી હુમલામાં કોઈ ઓન-રેકોર્ડ રોલ સામે આવ્યો નથી
સરથાણામાં પાટીદાર સમાજની સગીરાના અપહરણનો મામલો. સરથાણા પોલીસની ઢીલી કામગીરીના પગલે તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. સુરત પોલીસ કમિશનર આ મુદ્દે આકરા મૂડમાં આવીને સરથાણાના પીઆઈનો ઉધડો લીધો હોવાના વાવડ ફેલાયા છે. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા તપાસના આદેશ કરાયા છે. તાત્કાલિક ધોરણે તપાસના કાગળો સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવા, સરથાણા પીઆઈને આદેશ કરાયો છે. યુવતી અપહરણ જે ગુનાની તપાસ કરી રહેલી સરથાણા પોલીસની ઢીલી કામગીરી આવી સામે. સગીરાને શોધવા અને આરોપીની ધરપકડ કરવામાં સરથાણા પોલીસ નિષ્ફળ નીવડી હોવાની વાચો ચર્ચાઈ રહી છે. જ્યાં પાટીદાર સમાજના અગ્રણીઓની રજૂઆતને પગલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
મોરબીમાં શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ કરાયો છે. મોરબીના ખાટકી વાસ નજીક આવેલા મંદિર પાસે મૃત પશુઓના અવશેષો ફેંકાયા હતા. મંદિરના ઓટલા પર તેમજ મંદિર પાસે મૃત પશુના અવશેષો ફેંકાયેલા હોવાથી લોકોની ધાર્મિક લાગણી ઉશ્કેરાઈ હતી. હીન કૃત્ય કરનારા વિરુદ્ધ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
જામનગર હાપા યાર્ડમાં નવા જીરુના પાકનો હરાજીમાં રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારિયા ગામના ખેડૂતના એક મણ જીરુનો રૂપિયા 25 હજારનો ભાવ બોલાયો હતો. જાહેર હરાજીમાં એક મણનો ભાવ રૂ.25,555 ઉપજતા ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે. જામનગર યાર્ડના જીરુના નવા પાકની આવકના વધામણા કરવામાં આવ્યા હતા. જો કે આ ભાવ મુર્હુતના સોદાનો હોવાથી વિક્રમજનક સપાટીએ હરાજી થઈ. સામાન્ય દિવસોમાં યાર્ડમાં જૂના જીરુના પાકનો ભાવ ત્રણથી ચાર હજારનો ઉપજે છે.
સુરતના કતારગામ વિસ્તારમાં બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં એક કાર અને3 બાઈકને ટક્કર મારી હતી. કતારગામના રામકથા રોડ પર કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં ગ્રીન કવર વધારવા માટે મુખ્યપ્રધાને, આદેશ આપ્યો છે કે, ગુજરાતની 185 નદીના બંન્ને કાંઠાની જમીન પર વનવિભાગ દ્વારા ‘વૃક્ષ ઉછેર ઝુંબેશ’ હાથ ધરે. વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સિમાંકન-GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર-જમીનની ઓળખ કરાશે. ઓળખ કરેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર-વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે. આવી જમીનના રક્ષણ-જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે. આ પ્રકારની જમીન પર દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે. સામાજિક વનીકરણ હેઠળ શરતોને આધિન-જેતે જિલ્લા કલેકટરની કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે.
સીએમ ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિનની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. દિલ્હી દરબારમાં એકાએક પહોંચેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ બાદ, ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબિનને મળવા માટે જગદીશ વિશ્વકર્મા પણ દિલ્હીમાં પહોચ્યા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર સમાજની સગીર દીકરીના અપહરણની ઘટનાએ ભારે રોષ ફેલાવ્યો છે. અપહરણના મામલે પોલીસની ઢીલી કામગીરી સામે સવાલો ઊભા થતા આખરે કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગંભીરતા દાખવી તપાસના સ્પષ્ટ આદેશ આપ્યા છે. સાથે જ ચર્ચા છે કે પોલીસ કમિશનરે સરથાણા પોલીસ સ્ટેશનના PIને આ મામલે આડે હાથે લીધા છે. ઘટનાને લઈને પાટીદાર સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને ઝડપી પકડવાની માગ ઉઠી છે.
જૂનાગઢ: ભવનાથ મેળાની જમીન પર મોટાપાયે દબાણનો ઘટસ્ફોટ થયો. 57 એકરમાંથી 29 એકર જમીન પર દબાણ થયાનો ખુલાસો થયો છે. વ્યાપક દબાણને પગલે શિવરાત્રીના મેળામાં જોખમ તોળાઇ રહ્યુ છે. તંત્રએ કરેલા સરવેમાં દબાણની ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. ઓછી જગ્યામાં અંદાજે 5 લાખ શ્રદ્ધાળુઓ એકઠા થાય તેવી શક્યતા છે. 57 એકરમાંથી 29 એકર પર દબાણ હોવાથી સર્જાઈ શકે અવ્યવસ્થા. માત્ર 24 એકર જમીન પર મેળાનું આયોજન કરવા તંત્ર મજબૂર બન્યુ.
વડોદરાઃ ગંભીરા બ્રિજ તૂટી પડયા બાદ હવે બ્રિજના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ. કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ડામરનો કાટમાળ નીક્ળ્યો તેને નદીના પાણીમાં ફેંકાઈ રહ્યો છે. અન્ય જગ્યાએ ફેંકવાની જગ્યાએ નદીમાં જ કાટમાળ ફેંકાઈ રહ્યો છે.
અમદાવાદઃ સુભાષ અને ઈનકમ ટેક્સ બાદ દધીચિ બ્રિજ જર્જરિત. દધીચિ બ્રિજ અનેક જગ્યા પર તૂટેલી અવસ્થામાં જોવા મળ્યો. એલિસબ્રિજ, સુભાષ બ્રિજ 50 વર્ષ કરતા વધુ ચાલ્યા. માત્ર 14 વર્ષ જૂના દધીચિ બ્રિજ પર સળિયા નીકળી ગયા. મળતિયા કોન્ટ્રાક્ટરોના કારણે બ્રિજની આ હાલત હોવાનો આક્ષેપ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધ્યું ઠંડીનું જોર. મોટાભાગના જિલ્લાના તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. અમદાવાદના લઘુત્તમ તાપમાન 3.1 ડિગ્રીનો ઘટાડો થયો. નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર બન્યુ. અમદાવાદમાં 15.3 અને ગાંધીનગરમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ. 3 જાન્યુઆરીથી ક્રમશ તાપમાન વધતા ઠંડીનું જોર ઘટશે.
સુરતમાં યોજાનારા લેઉવા પાટીદાર સન્માન સમારોહને લઈને રાજકારણ ગરમાયું છે. કાર્યક્રમના પોસ્ટરમાંથી આમ આદમી પાર્ટી દ્વારા સરદાર પટેલનો ફોટો દૂર કરાતા વિવાદ સર્જાયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણીએ કાર્યક્રમને લઈને ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે. રજની વાઘાણીએ જણાવ્યું હતું કે જો કાર્યક્રમ યોજાશે તો તેનો વિરોધ કરવામાં આવશે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા પાટીદાર સમાજમાં ભાગલા પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ મુદ્દે રાજકીય ચર્ચા તેજ બની છે અને આવનારા દિવસોમાં વિવાદ વધુ વકરવાની શક્યતા છે.
સુરેન્દ્રનગરઃ કરોડોના જમીન કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી. ED દ્વારા તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી. રાત્રે તપાસ બાદ વહેલી સવારે તત્કાલિન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ. ધરપકડ બાદ રિમાન્ડ માટે ડો. રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરાશે.
જૂનાગઢમાં ભવનાથ મહાદેવ મેળાની જમીન પર મોટા પાયે દબાણ થયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. તંત્ર દ્વારા કરાયેલા સરવેમાં સામે આવ્યું છે કે કુલ 57 એકર જમીનમાંથી અંદાજે 29 એકર પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે. વ્યાપક દબાણના કારણે શિવરાત્રી મેળા દરમિયાન ભારે જોખમ મંડરાઈ રહ્યું છે, કારણ કે ઓછી જગ્યામાં અંદાજે 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થવાની શક્યતા છે. હાલ પરિસ્થિતિ એવી છે કે માત્ર 24 એકર જમીન પર મેળાનું આયોજન કરવા તંત્ર મજબૂર બન્યું છે, જેના કારણે અવ્યવસ્થા અને સુરક્ષા સંબંધી પડકારો ઊભા થઈ શકે છે. તંત્ર દ્વારા સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.
સુરતઃ ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો. ઘરના રસોડામાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો. વિદ્યાર્થિની તનુ ઓઝા ભણી ગણીને તબીબ બનવા માંગતી હતી. દીકરીના અણધાર્યા પગલાને લઈ પિતા આઘાતમાં. વિદ્યાર્થિના આપઘાતનું કારણ અંકબંધ, પોલીસે હાથ ધરી તપાસ.
શિયાળામાં પ્રદૂષણમાં વધારો નોંધાતો હોય છે. ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સુરત માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે સચિન, પાંડેસરા, પલસાણા અને કડોદરા GIDC સહિતના વિસ્તારોમાં પ્રદૂષણમાં વધારો કરતી ફેક્ટરીઓ પર ટેક્નોલોજી દ્વારા બાજ નજર રાખવામાં આવશે. પાંડેસરા અને પલસાણા સહિતના પ્રદૂષણના હોટસ્પોટ ગણાતા વિસ્તારોમાં 50 ફૂટની ઊંચાઈએ 360 ડિગ્રી કામ કરતાં કેમેરા સ્થાપિત કરાયા છે. જેના દ્વારા તમામ દિશામાં ફેક્ટરીઓ પર 24×7 બાજ નજર રાખવામાં આવશે. સાથે જ જો કોઈ ફેક્ટરીની ચીમનીમાંથી 15 મિનિટથી વધુ સમય ધૂમાડો નિકળશે તો તેનું પણ મોનિટરિંગ કરીને કાર્યવાહી હાથ ધરાશે.
અમદાવાદ: ડેપ્યુટેશન પર ગયેલા શમશેરસિંઘ ગુજરાત પરત ફર્યા. શમશેરસિંઘ BSFના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. માર્ચ 2026માં શમશેરસિંઘ નિવૃત્ત થઈ રહ્યા છે.
સુરત શહેરમાં ફરી એકવાર નબીરાઓની બેફામ ડ્રાઈવિંગને કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. વેસુ વિસ્તારમાં 120 કિમીથી વધુની ઝડપે દોડતી BE-6 અને BMW કારોએ અકસ્માત સર્જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત દરમિયાન બંને કારની એરબેગ ખુલી ગઈ હતી. નબીરાઓએ એક સ્વીફ્ટ કારને જોરદાર ટક્કર મારતા સ્વીફ્ટ કારચાલક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. ટક્કરની તીવ્રતા એટલી હતી કે મનપાના ત્રણ લાઈટ પોલ પણ ઉખડી ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે BE-6 કારના ચાલકે અગાઉ પણ અકસ્માત સર્જ્યો હોવાની વાત છે. વેસુ પોલીસે BE-6 કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરી લીધી છે, જ્યારે BMW કારનો ચાલક હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાની રેલવે કોલોનીમાં યુવતીએ પોતાના મંગેતરની હત્યા કરી હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. શરૂઆતમાં ઘટનાને ગેરરીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મંગેતરને ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું છે. સગાઈ બાદ બંને સાથે રહેતા હતા અને યુવતીએ દુપટ્ટાનો ઉપયોગ કરીને મંગેતરની હત્યા કરી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. રેલવેમાં નોકરી કરતી યુવતી સામે પોલીસે ગુનો નોંધીને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોલીસને ગેરમાર્ગે દોર્યા બાદ અંતે હત્યાની કબૂલાત કરી હતી. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સુરત: છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપીઓની ધરપકડ થઇ. છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપીઓ ઉત્તર પ્રદેશથી પકડાયા. બંને આરોપીઓ પોલીસથી બચવા નાસતા ફરતા હતા. આરોપીઓએ નોકરીના બહાને 1 લાખ 97 હજાર પડાવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી.
કચ્છ જિલ્લામાં પણ અચાનક વાતાવરણ પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. ભચાઉ અને રાપર તાલુકામાં આકાશી આફતના લીધે ખેતરો જાણે જળમગ્ન થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે માવઠાના મારથી જીરું સહિતના પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.
નવસારી: રખડતા ઢોર ઘરમાં ઘૂસતા મચી અફરા-તફરી મચી ગઇ. ગૌરીશંકર મહોલ્લામાં આખલો અને ગાય ઘરમાં ઘૂસ્યા.ઘરમાં રખડતા ઢોર આવી ચઢતાં સભ્યોમાં નાસભાગ મચી. પરિવાર ઘરની બહાર નીકળી જતાં કોઈ જાનહાની નહીં. ભારે જહેમતે ઢોરને ઘરની બહાર કઢાયા. રખડતા ઢોરના આંતકથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
રાજકોટઃ રેસકોર્સ ગ્રાઉન્ડ પર ચાલતી કથામાં મોટી દુર્ઘટના ટળી. કથા મંડપના VVIP ડોમમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ. ફાયર શો દરમિયાન આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઇ હતી.ફાયર વિભાગના જવાનોએ આગ કાબૂમાં લેતા દુર્ઘટના ટળી.
સુરેન્દ્રનગરઃ એક જ દિવસમાં 18 કરોડનો ગાંજો ઝડપાયો. અલગ-અલગ ખેતરમાંથી 18 કરોડનો લીલો ગાંજો ઝડપાયો. કસવાળી ગામ નજીક બે ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફશ થયો. એક ખેતરમાંથી 471 કિલો અને બીજા ખેતરમાંથી 550 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો. ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરવામાં આવી.
ગાઝીયાબાદમાં 4 જાન્યુઆરી સુધી સ્કૂલ કોલેજો બંધ. ધોરણ.1થી 12 સુધીની સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો. કડકડતી ઠંડી અને ધુમ્મસને પગલે મોટો નિર્ણય લેવાયો.
કેનેડામાં એર ઇન્ડિયાના એક પાયલોટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કેનેડા પોલીસે પાયલોટની અટકાયત કરી હતી અને તેના પર ફ્લાઇટમાં દારૂ પીને પહોંચવાનો આરોપ મૂકાયો છે. પોલીસે પાયલોટની ફિટનેશ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા ફ્લાઇટની સલામતીને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લીધા હતા. પરિણામે પ્લેન ઉડાડવા માટે અન્ય પાયલોટની મદદ લેવામાં આવી હતી. આ ફ્લાઇટ કેનેડાના વૈકુંવરથી દિલ્લી આવવાની હતી, પરંતુ ઘટનાને કારણે ઉડાનમાં વિલંબ થયો હતો.
ગુરુવારે, સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક દારૂગોળા અને IEDનો જથ્થો જપ્ત કર્યો. શંકા છે કે આ જથ્થો ડ્રોન દ્વારા ફેંકવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખારી ગામના ચક્કન દા બાગ વિસ્તારમાં રંગાર નાળા અને પૂંચ નદી વચ્ચે આ જથ્થો છોડવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે નિરીક્ષણ દરમિયાન, સેનાના જવાનોને દારૂગોળાથી ભરેલી બેગ અને લગભગ બે કિલોગ્રામ IED ધરાવતું પીળું ટિફિન બોક્સ મળ્યું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ દિવસની મુલાકાતે આંદામાન અને નિકોબારની મુલાકાત લેશે. તેઓ સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે.
Published On - 7:35 am, Fri, 2 January 26