આજે 01 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદમાં સ્ટોક માર્કેટમાં રોકાણના નામે થયેલા ફ્રોડમાં EDએ કાર્યવાહી હાથ ધરીને 110 કિલો ચાંદી, 1.296 કિલો સોનું, તેમજ 39.7 કિલો જ્વેલરી તેમજ દસ્તાવેજો જપ્ત કર્યા છે. કુલ જપ્તીનું મૂલ્ય અંદાજે 4.5 કરોડથી વધુની છે.
આરોપી હિમાન્શુ ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે PMLA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રોકાણ પર મોટો નફો આપવાનો લાલચ આપી સામાન્ય રોકાણકારોને ઠગ્યા હતા. અત્યાર સુધી દેશભરમાં 6થી વધુ FIR, કુલ ફ્રોડની કિંમત 10.87 કરોડ થાય છે. SEBI નોંધણી વગર ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ ખોલી લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. આરોપી હિમાન્શુ ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાઈ છે ફરિયાદ.
ભરૂચના જંબુસરમાં શ્વાનનો આંતક સામે આવ્યો છે. ટૂંકા સમયગાળામાં 12 જેટલાં બાળકો પર શ્વાને હુમલો કર્યો છે. જંબુસરના કસ્બા વિસ્તાર અને કુંભારવાડ વિસ્તારમા શ્વાને આતંક મચાવ્યો છે. બાળકોને પગ તેમજ મ્હોના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકોને જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે. રખડતા શ્વાન પકડવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી છે.
સાણંદના કલાણા ગામમાં જૂથ અથડામણ કેસમાં 3 મહિલા સહિત 25 લોકોની સાણંદ GIDC પોલીસે કરી ધરપકડ. પકડાયેલ 25 આરોપી માં 5 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પથ્થરમારાની ઘટનામાં પોલીસે તપાસમાં થયો ખુલાસો. જૂથ અથડામણ પાછળના એક વીડિયો સામે આવ્યો. વીડિયોમાં સગીર અને આરોપીઓ વચ્ચે થઈ હતી તકરાર. જેમાં કલાણાના તળાવ પાસે આરોપી અને સગીર વચ્ચે એક બીજા સામે જોવા બાબતે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાએ લીધું હતું ઉગ્ર સ્વરૂપ, બે જૂથ આમને સામને આવી કર્યો હતો પથ્થરમારો. આ જૂથ અથડામણ કેસમાં 60 જેટલાની અટકાયત કરી હતી. 60 પૈકી 25 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરશે.
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં કલ્યાણ જવેલર્સની પાછળ ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર દુર્ઘટના સર્જાઈ છે. 3 મજૂરો સેન્ટિંગ પાટ પરથી નીચે પટકાયા હતા. નીચે પટકાયેલા 3 મજૂરો પૈકી 2 મજૂરના મોત થયા છે. જ્યારે એક મજૂર ગંભીર ઈજાગ્રસ્ત છે. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ દુર્ઘટના અંગે, કન્સ્ટ્રક્શન સાઇટ પરથી કોઈએ પણ ફાયર કે પોલીસને જાણ નહોતી કરી.
ભાવનગરના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયાને માર મારવાના મામલે, રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના નેતા હિરા સોલંકીએ, પોલીસની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાહેર કર્યાના ગણતરીના કલાકોમાં જ બગદાણાના પોલીસ ઈન્સ્પેકટરની બદલી કરી દેવામાં આવી છે. બગદાણા પી આઈ ડી વી ડાંગરનો ચાર્જ મહુવાના પી આઈ કે એસ પટેલને સોપાયો છે. બગદાણાના બદલી કરાયેલ પોલીસ ઈન્સ્પેકટર ડી વી ડાંગરને લીવ રિઝર્વ ખાતે રાખવામાં આવ્યા છે.
ગીર સોમનાથના તાલાલામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 2.6 ની નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 23 km દૂર નોંધાયું છે. બપોરે 3:59 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો.
સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો છે કે, ચોટીલા પ્રાંત અધિકારીની બદલી કરાવવા માટે ખનીજ માફિયાઓ અને પદાધિકારીઓ હાથ મેળવ્યા છે. ભ્રષ્ટ લોકોએ, પ્રમાણિક અને સરકારી તિજોરી છલકાવનારા અધિકારીની બદલીનો તખ્તો તૈયાર કરવાની સાઠગાંઠ કરી છે. પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ખનીજ ચોરી પર લગામ લગાવી હોઇ ખનીજ માફિયાઓને પ્રાત અધિકારી ખુચતા હોઇ જેથી તેમની બદલી માટે મથે છે. દર મહિને એક લાખથી દોઢ લાખનો હપ્તો કાર્બોસેલ ચોરી કરનારા દેતા હતા, પરંતુ પ્રાંત અધિકારીની બદલી કરાવી હોઇ તો બે લાખનો હપ્તો બંધાશે તેવી પણ કર્યો આક્ષેપ કર્યો છે. માજી ધારાસભ્ય એ એવો આક્ષેપ કર્યો છે કે, પ્રાંત અધિકારીની બદલી બાદ ભુમાફીયાઓને ખુલ્લો દોર મળે, તે માટે રાજકીય આગેવાનો અને મળતીયાઓ પ્રાંત અધિકારીની બદલી કરાવશે તેવી કર્યો આક્ષેપ
કડીમાં પત્રકારના સ્વાંગમાં તોડ કરવા નીકળેલા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ‘ધ ડાર્ક બ્લ્યુ સ્પા’ની સંચાલિકા પાસે 1 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ચિંતન શાહ નામના શખ્સે, ધ ડાર્ક બ્લ્યુ સ્પામાં મસાજ કરાવ્યા બાદ વીડિયો ઉતારીને બ્લેકમેઈલિંગ શરૂ કર્યું હતું. વીડિયો ડિલીટ કરવા અને સ્પા ચાલુ રાખવા માટે પૈસાની માંગણી કરી હતી. અગાઉ 5 હજાર પડાવ્યા બાદ, વધુ 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા નહીં આપતા ‘બ્લ્યુ ક્રાઈમ ન્યૂઝ’ સોશિયલ મીડિયા પર સ્પા વિરુદ્ધ સમાચાર ફેલાવ્યા હતા. કડી પોલીસે ચિંતન શાહ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરભરમાં દારૂ પીધેલા લોકો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાબરમતી ફોર્ચ્યુનર હોટલમાં દારૂની મહેફિલ પર રેડ પાડીને 9 પીધેલાને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત શહેરભરમાં કુલ 177 લોકોને દારૂના નશામાં હરતા ફરતા હોય તેવાઓને પકડવામાં આવ્યા છે.
પાટણના હારિજના અડિયા ગામે જૂથ અથડામણ થઈ છે. બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થવા પામી છે. અથડામણમાં ઇજાગ્રસ્ત થયેલાઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ૩૧ ડિસેમ્બરની ઉજવણી દરમ્યાન મોડી રાતે જૂથ અથડામણ થવા પામી હતી. જમવાના પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે થયું હતું ઘર્ષણ. જૂથ અથડામણ મામલે પોલીસે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાન્યુઆરીમાં ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી, રાજકોટમાં રોડ શો યોજશે, તેમજ વાઈબ્રન્ટ ગુજરાત રિજ્યોલન કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે. અમદાવાદમાં તેઓ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ કરાવશે. સાથોસાથ સાબરમતી ગાંધી આશ્રમના રિડેવલપમેન્ટ અંગે પ્રગતિ અહેવાલની ચકાસણી કરશે. બુલેટ ટ્રેન અને અમદાવાદ રેલવે સ્ટેશનના કામકાજની પણ સમિક્ષા કરે તેવી સંભાવના છે.
નવા વર્ષના દિવસે સ્વિટ્ઝર્લૅન્ડમાં એક બારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. નવા વર્ષના દિવસે ક્રેન્સ મોન્ટાનાના આલ્પાઇન સ્કી રિસોર્ટમાં એક બારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં વોન્ડેલ ચર્ચમાં આગ લાગી. ઐતિહાસિક ચર્ચમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી. ભીષણ આગ લાગતા દૂર-દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા. આગમાં ઐતિહાસિક ચર્ચનો ભાગ બળીને ખાખ થઇ ગયો. આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે.
જામનગર: સચાણામાં જૂથ અથડામણમાં એકનું મોત થયુ છે. રૂપિયાની લેતી-દેતી મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બબાલ થઇ. પાઈપ અને અન્ય હથિયારોથી કરાયો ઘાતક હુમલો. ગત મોડી રાત્રે થયેલી અથડામણમાં 10થી વધુ લોકો ઘાયલ થયા. સારવાર દરમિયાન ગંભીર ઈજાગ્રસ્તનું મોત નિપજ્યું. હત્યાની ઘટનાને પગલે સચાણા પોલીસ દોડતી થઈ. આરોપીઓની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરાઈ.
કાશ્મીરઃ ભારે બરફવર્ષા વચ્ચે સૈન્યનું મોટું ઓપરેશન હાથ ધરાયુ. 13 હજાર ફૂટની ઉંચાઈ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. આતંકવાદીઓ ભારતમાં ઘુસવાની કોશિશ કરે તેવી શક્યતા છે.
અમદાવાદ: 14મા ઈન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરાયુ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો ફ્લાવર શો. ‘ભારત એક ગાથા’ની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ઈન્ટરનેશનલ ફ્લાવર શો છે. ફ્લાવર શોની ટિકિટના દર નક્કી કરાયા. સોમવારથી શુક્રવાર 80 રૂપિયા ટિકિટના ભાવ હશે. શનિવાર-રવિવાર અને રજાના દિવસે 100 રૂપિયા ચૂકવવા પડશે. પ્રાઈમ સ્લોટ સવારે 8થી 9 વાગ્યા સુધી અને રાત્રે 10થી 11 વાગ્યા સુધી રહેશે. પ્રાઈમ સ્લોટ માટે મુલાકાતીઓને 500 રૂપિયા ચૂકવવા પડશે.
આજથી જ STની મુસાફરી થશે મોંઘી. ગઇકાલ મધરાતથી ST બસના ભાડામાં વધારો થયો. ST નિગમે નિયમિત ભાડામાં 3 ટકાનો વધારો કર્યો. રાજ્યના 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો. જો કે 9 કિમી સુધીની મુસાફરીના ભાડામાં વધારો નહીં. નવ મહિનામાં બીજીવાર મુસાફરી ભાડામાં વધારો થયો. અગાઉ 28 માર્ચે ભાડામાં 10 ટકાનો વધારો કરાયો હતો.
ગુજરાતમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ વહીવટી ક્ષેત્રે ધરખમ ફેરફાર થયો છે. રાજ્ય સરકારે IAS અને IPS અધિકારીઓને પ્રમોશનની ભેટ આપી. 5 IAS અધિકારીઓ અને 14 IPS અધિકારીઓની બઢતી થઇ. મોના ખંધારની અન્ન, નાગરિક પુરવઠા વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી થઇ. રાજીવ ટોપ્નોની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી થઇ. મુકેશ કુમારની શિક્ષણ વિભાગ માં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી થઇ.
વિશ્વભરમાં વર્ષ 2026નું ભવ્ય સ્વાગત થયુ. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યુ. ઓકલેન્ડમાં આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. સિડનીમાં રોશની અને આતશબાજીથી ઝળહળી ઉઠ્યું ઓપેરા હાઉસ.
Published On - 7:27 am, Thu, 1 January 26