
આજે01 ઓગસ્ટને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટ્યા બાદ એકાએક જાગેલી ગુજરાત સરકારે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. હવે આ ધટનાના 23 દિવસ બાદ, સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની મિલકત ચકાસવા માટે સ્પેશીયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવી છે. સરકારે 6 એસીબી અધિકારીઓની તપાસ સમિતિ બનાવી છે. ACB નાં સંયુક્ત નિયામક મકરંદ દેસાઇની અધ્યક્ષતામાં
SIT ની રચના કરાઈ છે. ચાર સસ્પેન્ડેડ ઇજનેરો ઉપરાંત એક નિવૃત્ત અધિકારીની પણ તપાસ થશે. 2024 માં નિવૃત્ત થયેલા કાર્યપાલક ઇજનેર કે બી થોરાટની સંપત્તિની પણ તપાસ થશે.
જાફરાબાદ નજીક 3 સિંહબાળના ભેદી મૃત્યુ અંગે પર સૌથી મોટો ખુલાસો વન વિભાગે કર્યો છે. હિમોગ્લોબિન ઘટી જવાના કારણે 3 સિંહબાળના મૃત્યુ થયા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે સિંહબાળના મૃત્યુ થયા હોવાનું વન વિભાગે જાહેર કર્યું છે. ન્યુમોનિયાની અસર થતા રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી મૃત્યુ થયા છે. હીમોગ્લોબીનની માત્ર ખૂબ ઓછી થવાના કારણે સિંહબાળને વનવિભાગ બચાવી ન શક્યા. એડિશનલ ફોરેસ્ટ કંઝરવેટિવ વાઇલ્ડ લાઇફ દ્વારા બાળ સિંહના મૃત્યુ અંગે ખુલાસો કરાયો છે. પાલીતાણા રેન્જ વિસ્તારમાં સ્ટાફની ઘટ હોવાનો પણ અધિકારીએ સ્વીકાર કર્યો છે.
નર્મદા ડેમ ના ઉપરવાસમાં અવિરત વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીનો આવરો મોટી માત્રમાં નોંધાઈ રહ્યો છે. પાણીની આવક થતા સુચારુ આયોજનના ભાગ રૂપે નર્મદા ડેમના 31 જુલાઈના રોજ બપોરે 12 વાગે 5 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેમાં બપોરબાદ પાણીની આવક વધતા 10 દરવાજા ખોલવામાં આવ્યા. આજે 1 ઓગસ્ટ ના રોજ સવારે 8 વાગ્યાથી નર્મદા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે
ગોધરા ખાતે યોજાયેલા સંપૂર્ણતા અભિયાન સન્માન કાર્યક્રમને સંબોધન કરતા ગુજરાતના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોળે, લોકોને નાગરિક ધર્મ પાળવાની સલાહ આપી હતી. બધુ જ કામ તંત્ર કરે, સરકાર કરે, આપણી પણ જવાબદારી ખરી કે નહીં ?
કંઈપણ થાય એટલે લોકો જવાબદારી સરકારની છે એવું ઇચ્છે છે, પોતાનો નાગરિક ધર્મ પણ નિભાવવો જોઈએ. ખાડો પડે તો નગરપાલિકાને ફોન કરે અહીં પાણી ભરાઈ ગયું છે. કંઈપણ થાય એટલે સરકારની જવાબદારી. આપણો નાગરિક ધર્મ જે છે એ પણ નિભાવવો જોઈએ. સંવિધાનમાં જે મૂળભૂત હકો અને અધિકાર આપ્યા છે એની જ વાત કરવામાં આવે છે પણ નાગરિકની મૂળભૂત ફરજોની કોઈ વાત કરતા નથી.
સુરત જિલ્લા પંચાયત ક્વાર્ટસમાં બે બાળકોને ઝેર આપી શિક્ષકે કરેલ આત્મહત્યા મામલે, મૃતકના પત્નિ અને તેમના મિત્ર સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતકની પત્ની ફાલ્ગુની અને તેમના મિત્ર નરેશ રાઠોડ સામે નોંધાઈ ફરિયાદ. આત્મહત્યાની દુષ્પ્રેરણાની કલમ BNS 108 હેઠળ નોંધ્યો ગુનો. પત્નીના અફેરથી ત્રાસીને પતિએ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યુ છે. જેની સાથે અફેર હતું તે નરેશ રાઠોડ – ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે. મૃતક અલ્પેશ સોંલકી દ્વારા છેલ્લા એક મહિનાથી ડાયરી લખતા હતા. સુસાઇડ નોટ રૂપમાં લખેલ ડાયરીમાં તમામ હકીકત લખી છે.પત્ની જે વર્તન કરતી તે બાબતે વિગતવાર લખાણ કર્યું છે. આ કેસમાં મૃતકના ભાઈનું નિવેદન સામે આવ્યું છે. મારા ભાભીનું અફેર હતું. મારા ભાઈએ ભાભીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અંતે મારા ભાઈએ આવું પગલું ભર્યું છે. મારા ભાઈએ એવું લખ્યું છે કે, ભાભી અને જેની સાથે અફેર છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.86 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના પગલે, ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેવાની સંભાવના રહેલી છે. નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામ લોકોને નદી કાંઠે ના જવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને પણ નદીમાં માછીમારી માટે ન જવા સૂચના અપાઈ છે. આજે રાતે ભરૂચ પાસે નર્મદા નદીમાં પાણી તેના વોર્નિંગ લેવલ 22 ફૂટ સુધી પહોંચે એવી શક્યતા રહેલી છે. કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ રિબડા ગામે પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરવાના કેસમાં, મુંબઈ અને ઉત્તરપ્રદેશના આગ્રાથી શાર્પશૂટરો સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગ સમયે ઉપયોગમાં લેવામાં આવેલ બાઇક અને હથિયાર પણ પોલીસે કબ્જે કર્યા છે. પોલીસે ફાયરીંગ કેસમાં, ઈરફાન ઉર્ફે શિપા કુરેશી, અભિષેક પવન જીંદલ, પ્રાન્શુંકુમાર પવન જીંદલ અને વિપીનકુમાર જાટની ધરપકડ કરી છે.
આરોપી વિપિન કુમાર જાટને, આ કેસના મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગ કરવાનાના 5 લાખ આપવાનું નક્કી કરાયું હતું. જ્યારે અભિષેક પવન જીંદલ અને પ્રાન્શુંકુમાર પવન જીંદલને 1-1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે આ કેસના મુખ્ય આરોપી હાર્દિકસિંહ જાડેજા હજુ પણ રાજકોટ પોલીસથી ફરાર છે.
રેલવેની મિલકત પર હોર્ડિંગ્સ લગાવીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડોની ગેરકાયદે કમાણી કરી છે. વડોદરાની કોમર્શિયલ કોર્ટે આ મુદ્દે વડોદરા મહાનગર પાલિકાને ફટકાર લગાવી છે. ગેરકાયદે કરેલી 1.87 કરોડની કમાણી રેલવેની તિજોરીમાં જમા કરાવવા આદેશ આપ્યો છે.
વડોદરામાં વિવિધ જગ્યાએ આવેલ રેલવેની મિલકત પર, ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવીને વડોદરા મહાનગરપાલિકાએ કરોડોની કમાણી કરી છે. આ મુદ્દે કોમર્શિયલ કોર્ટમાં કેસ ચાલતા, મ્યુનિસિપલ કોર્પોરેશનને કોર્ટે ફટકાર લગાવી ને ગરેકયાદે હોર્ડ઼િગ્સથી કમાયેલા રૂપિયા 1,87, 00,000 રેલવેની તિજોરીમાં જમા કરાવવા માટે પાલિકાને આદેશ આપ્યો છે.
મણીનગરના સ્વામીનારાયણ મંદીરમાં ચોરીનો બનાવ બન્યો છે. મંદીરમાંથી બે મોબાઇલ ફોનની ચોરી થવા પામી છે. ગર્ભગૃહના દરવાજાનું તાળુ તોડીને ચોરી થવ પામી હતી. રાત્રે પોણા નવ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીના સમયગાળામાં ચોર મંદીર પરિસરમાં જ રોકાયો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મણીનગર પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી.
નવેમ્બર 2015માં આરએસએસના નેતા શિરીષ બંગાળી અને યુવા ભાજપ અગ્રણી પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસમાં NIAએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની મિલકત સીલ કરાઈ છે. NIA કોર્ટના આદેશ સાથે NIA ની ટીમ ભરૂચ પહોંચી છે. હિન્દુ નેતા હોવાના કારણે હત્યા કરાઈ હતી. દાઉદ ગેંગ સુધી ઘટનાના તાર લંબાયા હતા. 11 આરોપી હાલ જેલમાં છે, 1 ફરાર જ્યારે1 નું મૃત્યુ નિપજ્યું છે. ભરૂચમાં NIA ની મોટી કાર્યવાહી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જૂન ખરગેએ, રાજ્યસભામાં હાલની પરિસ્થિતિ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્યસભાના અધ્યક્ષના અચાનક રાજીનામા પછી, હવે આપણે CISF કર્મચારીઓ દ્વારા રાજ્યસભા ગૃહ પર કબજો જોઈ રહ્યા છીએ. આવું પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. રાજ્યસભામાં વિપક્ષના નેતાએ આ ચોંકાવનારા લેવાયેલ પગલાં પર રાજ્યસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને વર્તમાન વ્યવસ્થા પર ધ્યાન આપવા કહ્યું છે.
After the sudden and unprecedented resignation of the Chairman of the Rajya Sabha, we are now seeing the takeover of the chamber of the Council of States by the personnel of the CISF.
The Leader of the Opposition in the Rajya Sabha has just written to the Deputy Chairman, Rajya… pic.twitter.com/XjSodAlFiP
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 1, 2025
રાજકોટના રીબડામાં આવેલા પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એલસીબીએ ફાયરિંગ કરનારા ચાર આરોપીઓને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી લીધા છે. પોલીસે તેમના પાસેથી હથિયારો પણ કબજે કર્યા છે. આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબૂલાત આપી છે કે હાર્દિકસિંહ જાડેજાના કહેવા પર તેમણે ફાયરિંગ કર્યું હતું. હાર્દિક જાડેજાએ જૂની અદાવતના કારણે વિપીન કુમારને 5 લાખ રૂપિયાની સુપારી આપી હતી. વિપીને આ કામ માટે પોતાનાં ત્રણ સાગરિતોની મદદ લીધી હતી. ફાયરિંગ બાદ આ આરોપીઓ બસ અને ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ પહોંચી ગયા હતા. સમગ્ર ઘટનાની પાછળ અદાવતનો મામલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
અમદાવાદમાં બાળક તસ્કરી મામલે સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચાર આરોપીઓને ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે ધોળકાથી એક બાળકીનું અપહરણ કરીને તેને ઔરંગાબાદ લઈ જવામાં આવી હતી. આરોપીઓમાં બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે, જેમાં ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી નર્સ પણ શામેલ છે. આ નર્સ અને અન્ય ત્રણ લોકો મળીને બાળકીનું અપહરણ કરીને તેને મહારાષ્ટ્રના એજન્ટને વેચવા લઈ ગયા હતા. બાળકીને ખરીદનારી બીજી નર્સની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે ખુલાસો કર્યો છે કે IVF અને સરોગસીની સારવાર કરાવતા લોકોને કેટલીક જગ્યાએ ડોક્ટરો આ રીતે બાળકો આપી દેતા હતા. સમગ્ર કૌભાંડમાં મહારાષ્ટ્રનો એજન્ટ બાળકો વેચીને મોટી રકમ કમાતો હતો. અમદાવાદ ગ્રામ્યની ચાર અલગ અલગ ટીમો ગુજરાત અને અન્ય રાજ્યોમાં વધુ તપાસ માટે રવાના થઈ છે.
અમદાવાદમાં શ્રાવણ મહિનાની પવિત્ર તહેવારની પૃષ્ઠભૂમિમાં ભેળસેળ કરતા એકમો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને ફરાળી વાનગીઓ બનાવતા એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરના સાત પૈકી પાંચ ઝોનમાં આ ચેકિંગ કરાયું છે, જ્યાં બટાકા વેફર, બફવડા અને ફરાળી ચેવડાનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થાય છે. સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તારમાં આવેલા ફરસાણના એકમોમાં તંત્રએ બોડી વોર્ન કેમેરા અને અન્ય સાધનો સાથે સઘન તપાસ હાથ ધરી છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ જાહેરાત થઇ છે. 9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. 21 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાશે. 25 ઓગસ્ટ સુધી ઉમેદવારી પરત કરી શકાશે. 9 સપ્ટેમ્બરે સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિના પદ પરથી રાજીનામું આપ્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે આવતીકાલે રાષ્ટ્રીય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને સંબોધન કરશે તેમજ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો 20મો હપ્તો રિલીઝ કરશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ આવતીકાલ 2 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાશે. જ્યારે, કૃષિ મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને રાજકોટ ખાતે જિલ્લા કક્ષાનો સમારોહ યોજાશે. રાજ્ય અને જિલ્લા કક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને લાઇવ ટેલીકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કરશે.
વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 23 દિવસે મોટી કામગીરી કરી છે. 23 દિવસથી લટકતા ટેન્કરને કાઢવા તંત્રએ કામગીરી કરી છે. બ્રિજ પર લટકતા ટેન્કરને કાઢવાની કામગીરી હાથ ધરાઇ. સુરક્ષાના સાધનો સાથે ટીમ ટેન્કર સુધી પહોંચી. સરકારે આણંદ કલેક્ટરને ટેન્કર ઉતારવાની જવાબદારી સોંપી છે.
ખેડાઃ મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડ્યો છે. ખેડા અને મહેમદાવાદ જોડતો કોઝવે તૂટ્યો છે. કોઝ-વે તૂટતા 40 જેટલા ગામનોને અસર થઇ છે. ગ્રામજનોને અવર-જવર કરવામાં હાલાકી પડી રહી છે.
સુરતના કામરેજ વિસ્તારમાં નકલી શેમ્પૂ બનાવતું એક કારખાનું પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. નવાગામ ખાતે આવેલી એક ઈન્ડસ્ટ્રીઝમાં હલકી ગુણવત્તાવાળું શેમ્પૂ બનાવી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો લગાવી વેચાણ કરવામાં આવતું હતું. કંપનીના કર્મચારીઓ અને પોલીસની સંયુક્ત તપાસ બાદ આ નકલી શેમ્પૂ બનાવવાની ખોટી પ્રવૃત્તિ સામે આવી છે. કારખાનામાંથી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પોલીસે નકલી શેમ્પૂનું ઓનલાઈન વેચાણ કરનાર એક યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદ: એરપોર્ટ પર ફ્લાઈટમાં ડ્રગ્સ સાથે બે મુસાફરો ઝડપાયા છે. 4.5 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે કસ્ટમ વિભાગે એકની ધરપકડ કરી. બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં 4 બેગમાં હાઈબ્રિડ ગાંજો છુપાવ્યો હતો. DRI એ બેંગકોકથી આવેલી ફ્લાઈટમાંથી મુસાફરની ધરપકડ કરી. અંદાજે 10 કિલો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે.
મોરબી:એક જ દિવસના બે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. મચ્છુ 2 ડેમ પાસે આવેલા બ્રિજ પર કાર અને બાઈકનો અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવતી બાઈક કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. બાઈક કાર સાથે ટકરાતા બાઈકચાલક હવામાં ફંગોળાયો. ખોખરા હનુમાન બેલા રોડ પર બે બાઈક સામસામે અથડાઈ. બંને અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. 30 જુલાઈના રોજ બે અકસ્માત સર્જાયા હતા.
ગાંધીનગરઃ રીલ્સ બનાવવાની લાહ્યમાં યુવક ડૂબ્યો છે. રીલ્સ બનાવવા ગયેલા 5 મિત્રો સાબરમતી નદી કિનારે ગયા હતા. નદી પાસે માટીની ટેકરી પર બેઠા હતા ત્યારે ઘટના બની. માટી ધસી પડતા તમામ યુવકો નદીમાં પડ્યા. 4 યુવકો બહાર નીકળી શક્યા, 1 યુવકનું મોત થયુ. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડઝનબંધ દેશો અને વિદેશી સ્થળોએથી યુએસ આયાત પર 10% થી 41% સુધીના પારસ્પરિક ટેરિફ લાદવાના એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ દરો ભારતમાં યુએસથી થતી નિકાસ માટે 25%, તાઇવાન માટે 20% અને દક્ષિણ આફ્રિકા માટે 30% નક્કી કરવામાં આવ્યા છે.
ભારતીય નૌસેનાની તાકાતમાં વધુ એક મહત્વપૂર્ણ વધારો થયો છે, કારણકે ‘હિમગીરી’ નામનું યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું છે. બ્રહ્મોસ અને બરાક મિસાઇલોથી સજ્જ આ જહાજ સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. કોલકાતામાં સ્થિત ગાર્ડન રિચ એન્ડ એન્જિનીયર્સ લિમિટેડ દ્વારા તૈયાર કરાયેલું આ જહાજ પ્રોજેક્ટ 17A હેઠળ બનતા ત્રણ યુદ્ધ જહાજોમાંથી પહેલું છે. ‘હિમગીરી’ સ્વદેશી ટેક્નિકથી તૈયાર કરવામાં આવ્યું છે અને ભારતની આત્મનિર્ભરતા તરફના મહત્ત્વના પગલાનું પ્રતિક છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 2.93 મીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 4.12 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે ડેમની હાલની જળસપાટી 131.67 મીટરે પહોંચી છે, જ્યારે તેની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. વધતા જળસ્તરને કારણે ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે અને સુરક્ષાની દ્રષ્ટિએ કુલ 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરવાજાઓમાંથી કુલ 1.37 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા કાંઠાના ત્રણ જિલ્લાઓના 27 ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
Published On - 7:29 am, Fri, 1 August 25