01 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વાપીના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થિનીનું મોત, તરતા શીખવા આવેલી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું પાણીમાં ડૂબી જતાં મોત
આજે 01 ઓક્ટોબરના મહત્વના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
01 Oct 2026 09:19 AM (IST)
તરતા શીખવા આવેલી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું પાણીમાં ડૂબી જતાં મોત
વલસાડના વાપીના ચલા વિસ્તારમાં મનપા સંચાલિત સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપીમાં સ્વિમિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. દમણ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય અંશુ કુમારીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું છે. અંશુ કુમારી તરતા શીખવા માટે સ્વિમિંગ પુલમાં આવી હતી. દરમિયાન તે પાણીમાં ડૂબવા લાગતાં અન્ય વિદ્યાર્થીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે લાંબો સમય પાણીમાં રહેતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોએ સ્પોર્ટ્સ ક્લબની બેદરકારીના કારણે અંશુ કુમારીનું મોત થયું હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
-
01 Oct 2026 09:04 AM (IST)
જુનાગઢઃ ડેલ્ટા ટ્યુશન ક્લાસની શિક્ષિકા પર ગંભીર આરોપ
જુનાગઢના ડેલ્ટા ટ્યુશન ક્લાસમાં હોમવર્ક ન કરનાર ધો.12ના વિદ્યાર્થીને શિક્ષિકાએ આકરી સજા કરી હોવાનો આક્ષેપ થયો છે. શિક્ષિકાએ વિદ્યાર્થીને 250થી 300 જેટલી ઉઠકબેઠક કરાવતાં તેની તબિયત લથડી હતી અને સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીના પરિવારજનોએ ટ્યુશન ક્લાસનો ઘેરાવો કર્યો હતો. આ દરમિયાન શિક્ષિકાએ વિદ્યાર્થીને ગંભીર સજા કર્યાનું સ્વીકારી માફી માગી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે પરિવારની ફરિયાદના આધારે શિક્ષિકા સામે FIR નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
-
01 Oct 2026 07:40 AM (IST)
PM મોદીએ ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરની કરી પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી છે. PM મોદીએ ટ્વીટ દ્વારા કેપ્ટન સ્મિત મચ્છરને હીરો ગણાવ્યા અને ગંભીર જોખમ વચ્ચે ઘાયલ હોવા છતાં લોકોના જીવ બચાવ્યા હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે, જીવનની રક્ષા માટે કેપ્ટન મચ્છરે અપાર સાહસ અને અડગ સંકલ્પબળનું પ્રદર્શન કર્યું હતું. તેમની બહાદુરીને કારણે સેંકડો લોકોના જીવ બચાવી શકાયા અને એક મોટી દુર્ઘટના ટળી શકી. લોકોના જીવ બચાવનારા કેપ્ટન સ્મિત મચ્છર પર સમગ્ર ભારતને ગર્વ છે તેમ PM મોદીએ જણાવ્યું હતું. સાથે જ તેમણે કેપ્ટન મચ્છરના ઝડપી સ્વસ્થ થવા અને નવી ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરી છે.
-
01 Oct 2026 07:37 AM (IST)
અમદાવાદઃ ફટાકડાની 30 દુકાનો સીલ
અમદાવાદમાં ફટાકડાના વેચાણ સામે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર સુધી આવેલી ફટાકડાની 30 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. ફટાકડાના વેચાણ માટે જરૂરી મંજૂરી અને સંબંધિત દસ્તાવેજોના પૂરાવા રજૂ કરવા દુકાનદારોને સૂચના આપવામાં આવી છે. AMCના જણાવ્યા મુજબ, દુકાનદારો જરૂરી પૂરાવા રજૂ કરશે તો સીલ ખોલી આપવામાં આવશે. AMCને મળેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આજે 01 ઓક્ટોબરના મહત્વના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.