રાજકોટ મનપાના નર્યા ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો… એક તરફ 4 કરોડનો અંડરપાસ બેસી ગયો, બીજી તરફ 35 ફૂટ ઊંડો કાળમુખો ભૂવો

ગુજરાતમાં ભલે અત્યારે વરસાદ નથી પરંતુ મોટા શહેરોમાં પાલિકાઓની નબળી કામગીરી સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં એક વર્ષ પહેલાં 4 કરોડના ખર્ચે બનેલો અંડરપાસ અત્યારથી જ તૂટવા લાગ્યો છે, તો બીજી તરફ BRTS રોડ પર 35 ફૂટ ઊંડો મોટો ભૂવો પડ્યો છે. લોકો પૂરો ટેક્સ ભરે છે, છતાં તેમને રસ્તાઓ પર સુવિધાને બદલે માત્ર ખાડા અને મુશ્કેલીઓ જ મળી રહી છે.

રાજકોટ મનપાના નર્યા ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો... એક તરફ 4 કરોડનો અંડરપાસ બેસી ગયો, બીજી તરફ 35 ફૂટ ઊંડો કાળમુખો ભૂવો
| Updated on: Jul 12, 2026 | 4:47 PM

ગુજરાતમાં હાલ ભલે વરસાદે વિરામ લીધો છે પરંતુ રાજ્યની મેગાસિટીમાં પાલિકાની કામગીરીની પોલ ખુલવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, ધોધમાર વરસાદ વિના જ ક્યાંક રસ્તાઓ બિસ્માર થઈ રહ્યા છે, તો ક્યાંક કરોડોના ખર્ચે બનેલા અંડરપાસ ધોવાઈ રહ્યા છે.

સુરક્ષાની કોઈ ગેરંટી કેમ નથી મળી રહી?

જનતા પાસેથી મોટો ટેક્સ વસૂલ્યા પછી પણ મહાનગરોના વાહનચાલકોને સુવિધા કે સુરક્ષાની કોઈ ગેરંટી મળી રહી નથી. મહાનગર રાજકોટ અને સુરતમાંથી સામે આવી રહેલા દ્રશ્યો જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની વાસ્તવિકતા દર્શાવે છે.

રાજકોટની વાત કરીએ તો, અહીંના હોમી દસ્તુર અંડરપાસમાં ગાબડાં પડ્યા છે. આ અંડરપાસ માત્ર એક વર્ષ પહેલાં જ અંદાજે 4 કરોડ રૂપિયાના ભારેખમ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. ધ્યાન દોરવા જેવું એ છે કે, હજુ તો રાજકોટમાં જોઈએ એવો વરસાદ પણ નથી પડ્યો ને ત્યાં ધોધમાર વરસાદ પહેલાં જ આખો અંડરપાસ ધોવાઈ ગયો છે.

આ વિકાસ છે કે જનતા સાથે ક્રૂર મજાક?

આ અંડરપાસ અગાઉ પણ ગુણવત્તાને લઈને વિવાદમાં રહ્યો હતો અને હવે તેની આ સ્થિતિ જોઈને વાહનચાલકોને તેની નીચેથી પસાર થવામાં પણ ડર લાગી રહ્યો છે. અંડરપાસમાં ગાબડાં પડ્યા બાદ પાલિકાએ પ્રાથમિક ધોરણે થીગડાં મારવાની કામગીરી શરૂ તો કરી દીધી છે પરંતુ સવાલ એ ઊઠે છે કે, 4 કરોડનો અંડરપાસ જ્યાં ટકી ન શક્યો, ત્યાં આ થીગડાંની શું ગેરંટી?

આ સમગ્ર મામલે કોંગ્રેસે મનપાની કામગીરી સામે સવાલ ઊઠાવતા તેને “કમિશનના પોપડા” કહ્યા છે અને RMCના સત્તાધીશો લોકોના ટેક્સના રૂપિયા વેડફી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું કહેવું છે કે, આ સમગ્ર મામલે રેલવે વિભાગના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી છે.

ભૂવારાજમાંથી રાહત મળશે કે નહીં?

બીજી તરફ, સુરત શહેરમાં પણ લોકોને ભૂવારાજમાંથી મુક્તિ મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી. સુરતના કાપોદરા-રચના BRTS રૂટ પર એક વિશાળ ભૂવો પડ્યો છે. આ ઘટના બની ત્યારે એક બસ તે રૂટ પરથી પસાર થઈ રહી હતી અને અચાનક જ તેના ટાયર ભૂવાની અંદર ખૂંપી ગયા હતા.

આ ભૂવો લગભગ 30 થી 35 ફૂટ ઊંડો અને પચાસેક ફૂટ જેટલો પહોળો છે. મળતી વિગતો પ્રમાણે, અહીં થોડા સમય પહેલાં જ ડ્રેનેજની કામગીરી કરાઈ હતી અને ત્યારે યોગ્ય પુરાણ ન કરાવાના કારણે આ ભૂવો પડ્યો હોવાની આશંકા છે.

જનતા રોષે ભરાઈ

રસ્તા પર આટલો મોટો ભૂવો પડતાં જ તંત્રની ટીમ દોડતી થઈ હતી, જ્યાં સ્થાનિક લોકોએ અધિકારીઓનો જોરદાર ઊધડો લઈ લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ જાહેરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા અને તંત્રના અધિકારીઓને જાહેરમાં ન કહેવાના શબ્દો પણ સંભળાવી દીધા હતા.

સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે, પાલિકા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય જનતાને દર વર્ષે આ પ્રકારે મોટી હાલાકી સહન કરવાનો વારો આવે છે.

સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પજવણીના વીડિયોમાં દેખાયા

Follow Us
Loading...
Unable to load recommendations.