Gujarat Budget 2024 : સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે બજેટ કર્યું જાહેર, 6193 કરોડની કરાઈ જોગવાઇ

|

Feb 02, 2024 | 12:50 PM

સમાજના જરૂરિયાતમંદ, નબળા અને વંચિત વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો તે અમારી સરકારની પ્રાથમિકતા છે. અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતીઓ જેવા વિવિધ સામાજિક વર્ગોનો સામાજિક ઉત્કર્ષ થાય અને તેઓ નવી આર્થિક તકોનો લાભ લઇ શકે, તેવી કલ્યાણકારી યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. વૃદ્ધો અને દિવ્યાંગો જેવા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વર્ગો માટે પેન્‍શન યોજનાઓ પણ અમલમાં છે.

Gujarat Budget 2024 : સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે બજેટ કર્યું જાહેર, 6193 કરોડની કરાઈ જોગવાઇ

Follow us on

આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતમાં વિકાસ અને વિવિધ યોજનાઓ માટે નાણાની ફાળવણી કરી છે, જેમાં મુખ્યત્વે શિક્ષણ સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડનું બજેટ કર્યું જાહેર છે.

સામાજિક ઉત્કર્ષ

  • રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના અને રાજ્ય સરકારની નિરાધાર વૃધ્ધો માટે આર્થિક સહાય યોજના અંતર્ગત અંદાજિત 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1398 કરોડની જોગવાઈ.
  • સંત સુરદાસ યોજનાનો લાભ, બી.પી.એલ. કાર્ડ સિવાયના વ્યક્તિઓ તથા 0 થી 17 વર્ષની ઉંમરના લોકોને પણ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના અને સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન આપવા કુલ 87 કરોડની જોગવાઈ કરી છે.
  • મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પણ માસિક પેન્‍શન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. બૌદ્ધિક અસર્મથતા ધરાવતા (મનો દિવ્યાંગ) 70 હજાર લાભાર્થીઓને માસિક પેન્‍શન આપવા માટે 84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી બસમાં નિ:શુલ્ક મુસાફરી આપવાની યોજના હેઠળ પાર્કિન્સન, હિમોફિલિયા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજિકલ જેવી દિવ્યાંગતામાં તેમની સાથે તેમના સહાયકને પણ 100% નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવાનો સરકારે નિર્ણય કરેલ છે. દિવ્યાંગજનોને સાધન સહાય તથા એસ.ટી. બસમાં નિ:શુલ્ક મુસાફરીનો લાભ આપવા 65 કરોડની જોગવાઈ કરી છે.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 61 હજાર કન્‍યાઓને મામેરા માટે સહાય આપવા 74 કરોડની જોગવાઇ કરવામાં આવી.
  • પાલક માતા-પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક ધોરણે આર્થિક સહાય આપવા માટે 74 કરોડની જોગવાઈ.
  • પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ લેતી કન્યાઓના લગ્ન સમયે 2 લાખની સહાય આપવા 30 કરોડની જોગવાઈ.
  • ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં યુગલોને સહાય આપવા માટે 20 કરોડની જોગવાઇ.
  • સંકટમોચન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળનાં કુટુંબનાં મુખ્ય કમાનાર વ્યકિતના દુ:ખદ અવસાન બાદ કુટુંબને સહાય માટે 20 કરોડની જોગવાઈ.
  • સાતફેરા સમૂહ લગ્ન યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 5000 યુગલોને સહાય આપવા 8 કરોડની જોગવાઇ.
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ 7 કરોડની જોગવાઈ.

શૈક્ષણિક ઉત્કર્ષ

  • પી.એમ. યશસ્વી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ-9, 10 અને પોસ્ટ મેટ્રીકના અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 540 કરોડની જોગવાઇ.
  • ધોરણ-1થી 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ આપવા માટે 360 કરોડની જોગવાઇ.
  • ધોરણ-1થી 8માં ભણતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 345 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો તેમજ આશ્રમ શાળાઓમાં અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવા અને ભણવાની સવલત આપવા માટે 335 કરોડની જોગવાઇ.
  • વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 1000 વિધાર્થીઓને લોન આપવા માટે 152 કરોડની જોગવાઇ.
  • સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ- 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1 લાખ 50 હજાર કન્‍યાઓને વિનામૂલ્‍યે સાયકલ આપવા માટે 84 કરોડની જોગવાઇ.

આર્થિક ઉત્કર્ષ

  • ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગો માટે વિવિધ શૈક્ષણિક ધિરાણ અને સહાયની યોજનાઓ માટે 600 કરોડની જોગવાઇ.
  • અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, સફાઇ કામદાર વિકાસ નિગમ, ડૉ.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ અને ગુજરાત વિચરતી વિમુકત જાતિ વિકાસ નિગમને રાજય સરકારના ફંડમાંથી લાભાર્થીઓને ધિરાણ આપવા માટે 250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • માનવ ગરિમા યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને વિનામૂલ્યે સ્વરોજગારીના સાધનો આપવા માટે 59 કરોડની જોગવાઇ.

અન્ય

  • ડૉ. આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત મકાન બાંધવા સહાય આપવા માટે 243 કરોડની જોગવાઇ.
  • 122 કરોડના ખર્ચે બનનાર સરકારી કુમાર અને કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસી શાળા માટે અદ્યતન સુવિધા સાથેના નવા મકાનો બાંધવા માટે પ્રથમ તબકકે 40 કરોડની જોગવાઇ.
  • 68 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 4 નવા સમરસ કન્યા છાત્રાલયોના બાંધકામ માટે 22 કરોડની જોગવાઇ.
  • 5 નવા ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 15 કરોડની જોગવાઈ.

આ પણ વાંચો: Gujarat Budget 2024 : નાણા પ્રધાન કનુ દેસાઈએ રજૂ કરેલુ બજેટ વાંચો Tv9ગુજરાતીના ડિજીટલ પ્લેટ ફોર્મ પર

Next Article