
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પ્રસ્થાપિત થયેલી ઇમેજને વ્યાપક બનાવવા વધુ એક પોલિસી ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ ક્મ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025(GECMS-2025) જાહેર કરી છે. ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ પોલિસીની વિશેષતા એ છે કે, કેન્દ્ર સરકારના MeitY દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત આવા એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે 100 ટકા સહાય પ્રોત્સાહન મળશે. એટલે કે, ગુજરાતમાં સ્થપાનારા આવા MeitY મંજૂરી મેળવેલા પ્રોજેક્ટસને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બેવડા પ્રોત્સાહન લાભ મળી શકશે.
આ પોલિસી કેન્દ્ર સરકારની ECMS પોલિસીને સુસંગત છે તેમજ 100 ટકા ટોપઅપ અનુસરણ કરીને સરળતાએ ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવાશે. એટલું જ નહીં, MeitY દ્વારા એકવાર ECMS હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી રાજ્યમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સને આપમેળે સમાન ગ્રાન્ટ – સહાયપાત્ર બનશે અને કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયા બાદ 30 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન સહાય ચૂકવી દેવાશે.
ગુજરાત દેશના ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબની પ્રતિષ્ઠા ધરાવતું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે ત્યારે હવે, આ પોલિસીના પરિણામે અપસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીને પણ વેગ મળશે. આના પરિણામે આયાત નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થઈ શકશે.
આ પોલિસી દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રૂ.35 હજાર કરોડથી વધુના નવા રોકાણો અને વધુને વધુ હાઈ સ્કીલ્ડ એમ્પ્લોયમેન્ટનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ GECMS પોલિસીને પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસ.એમ.ડી. પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઈલેટ્રોનિક્સ પાર્ટસ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિત આવશ્યક ઉદ્યોગો – એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળતું થશે.
આ પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ ઉદારતમ સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તદ્અનુસાર, ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કુલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ 12.5 કરોડ સુધીની મેચિંગ સહાય મળવા પાત્ર થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ GECMS પોલિસીની મુખ્ય વિશેષતાઓ, હેતુઓ અને પ્રોત્સાહનો આ મુજબ છે –
ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું
લોકલ કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ (GVCs)માં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવો.
ભારત સરકારની ગાઈડલાઈન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા.31 જુલાઈ 2025 સુધીમાં કરવાની રહેશે.
કેન્દ્ર સરકારના MeitY દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે.
ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.
ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2022-28 હેઠળ સહાય મળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે.
આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ 2022-28નો લાભ મળશે નહિ.
પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે.
કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સઃ ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્ર્રસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત સહાય અપાશે.
ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર 30 કાર્ય દિવસમાં સહાય ચૂકવશે.
રાજ્યની આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે.
ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-2025નું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા કરવામાં આવશે.
Published On - 11:14 am, Sun, 22 June 25