
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ માટે સક્રિય રીતે કામ કરતા 8 સભ્યને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આતંકીઓની ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે, જેનાથી ગુજરાતમાં આતંકી નેટવર્ક ઊભું કરવાના મોટા કાવતરાનો ખુલાસો થયો છે.
મળતી વિગતો અનુસાર, આંતકીઓના આ મૉડ્યુલ અંગે કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી. આના આધારે ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવીને ગુજરાત અને મધ્ય પ્રદેશના અલગ-અલગ શંકાસ્પદ ઠેકાણાઓ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
તમામ ઝડપાયેલા આતંકીઓને ગુજરાત ATSના મુખ્યાલય લાવી સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. ગુજરાતમાં તેઓ કયા-કયા સ્થળોએ સક્રિય હતા, કોના સંપર્કમાં હતા અને તેમના ટાર્ગેટ શું હતા? તે દિશામાં હાલ તપાસ હાથ ધરાઈ છે.
ATSની આ કાર્યવાહી દરમિયાન બનાસકાંઠા, પાટણ, નવસારી અને મધ્યપ્રદેશના દેવાસમાંથી આ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આતંકીઓ પાસેથી તપાસ દરમિયાન અત્યંત મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
આ ઓપરેશન સફળ થયા બાદ હવે રાજ્યમાં સક્રિય અન્ય સ્લીપર સેલ અને આખા નેટવર્ક અંગે ATS દ્વારા સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં પકડાયેલા તમામ આતંકીઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
Published On - 3:10 pm, Fri, 3 July 26