Gram Panchayat Election : તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું ચીખલવાવ ગામ ફરી સમરસ થયું છે, ગામલોકોની સૂઝબૂઝથી ગામના વિકાસને પ્રાધાન્ય આપી ગામને ફરી સમરસ કર્યુ છે, એક નજરે સામાન્ય લાગતી આ બાબતમાં વિશેષતા એ છે કે ગામના તમામ સભ્યો અને સરપંચ મહિલાઓ હોવાને લઇ ચીખલવાવ ગામ જિલ્લામાં ચર્ચામાં આવ્યું છે, અને તે જીલ્લાનું પહેલું મહિલાઓ સંચાલિત સમરસ ગામ બન્યું છે.
સંપૂર્ણ આદિવાસી બહુલતા ધરાવતા ચીખલવાવ ગામની વસ્તી આશરે 1750 લોકોની છે, ગામમાં આશરે 1300 જેટલા મતદારો છે, આ વચ્ચે ગ્રામજનોએ સર્વાનુમતે નક્કી કરી મહિલાઓને ગામનું સુકાન સોંપ્યું છે, જેમાં સરપંચ સહિત તમામ વોર્ડના સભ્યો મહિલાઓ જ છે, અને ગ્રામજનોએ સોંપેલ જવાબદારી તેઓ બખૂબી નિભાવશે તેવો વિશ્વાસ આ ગામની મહિલા સરપંચ વ્યક્ત કરી રહ્યા છે.
ચીખલવાવ ગામની વિશેષતા એ છે કે આ ગામમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે, આ વર્ષે સરપંચ માટે સ્ત્રી ઉમેદવારની સીટ હોવાને લઈને ગ્રામજનોએ વહીવટી સરળતા માટે મહિલાઓને પ્રાધાન્ય આપી ગામના તમામ આઠ વોર્ડમાં મહિલા ઉમેદવારોની પસંદગી કરી છે.
આગામી 19 મી ડિસેમ્બરે રાજ્યભરમાં થનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં દરેક ઉમેદવારોની ચૂંટણી લડવાનું ચિત્ર હવે સ્પષ્ટ થઇ ગયું છે, ત્યારે આદિવાસી બહુલ તાપી જિલ્લામાં પણ 266 ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે, તે પૈકી 13 ગ્રામ પંચાયતો સમરસ થઇ ચુકી છે, આ વચ્ચે જિલ્લાનું સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ચિખલવાવ ગામ સતત બીજીવાર સમરસ થયું છે, જેમાં આઠ વોર્ડ સભ્યો અને એક સરપંચ એમ કુલ નવ બેઠકો પર મહિલાઓ ગ્રામજનોની સંમતિથી સમરસ થઈ છે. મહિલાઓને ગામનું સંપૂર્ણ સુકાન સોપાતા મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ આદિવાસી બહુલતા ધરાવતા તાપીના ચીખલવાવ ગામના ગ્રામજનોએ પૂરું પાડ્યું છે.
ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા જ 1157 ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે. એટલે કે આ તમામ ગ્રામ પંચાયતોમાં હવે ચૂંટણીઓ નહિં યોજાઈ. 10,443 ગ્રામ પંચાયતોમાંથી 1157 ગ્રામ પંચાયત સમરસ થતા 11.08 ટકા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી વિના જ સરપંચની નિયુક્તિ કરવામાં આવી છે. ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ મોરબી જિલ્લાની ગ્રામ પંચાયત સમરસ બની છે.
Published On - 4:09 pm, Wed, 8 December 21