
કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન2026-2027 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 2585 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષની જેમ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તેમની ઓનલાઇન નોંધણી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તા. 01 ફેબ્રુઆરીથી તા. 01 માર્ચ, 2026 સુધીમાં કરાવવાની રહેશે. આ નોંધણી ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન થકી કરવામાં આવશે. વધુમાં, લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી તા. 04 માર્ચથી તા. 15 મે, 2026 સુધી કરવામાં આવશે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12, 8/અ તેમજ પાકની વાવણી અંગેની નોંધ 7/12 કે 8/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત, બેંક પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે રાખવાની રહેશે.
વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં તેમનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહીં.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તેમની ઓનલાઇન નોંધણી ફરજીયાત કરાવવાની હોવાથી આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા નાગરિક પુરવઠા નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.
Published On - 6:14 pm, Tue, 27 January 26