
વડોદરાની GMERS ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે કોલેજના ચોથા વર્ષના 5 સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓમાં પાર્થરાજ વાઘેલા, ઘેલાભાઈ, ધ્રુવ કુરેન, પાર્થ વસિયા અને જયરાજ વાળાનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે, ગત 25 તારીખે બોય્ઝ હોસ્ટેલમાં કોઈ બીજાએ ફટાકડા ફોડ્યા હતા. જો કે, સિનિયર વિદ્યાર્થીઓએ જૂનિયર વિદ્યાર્થીઓને ફટાકડા ફોડ્યા હોવાનું કબૂલવા માટે ધમકાવ્યા હતા. જૂનિયર વિદ્યાર્થીઓએ ના પાડતા સિનિયરોએ તેમનું રેગિંગ કર્યું હતું. ઠંડી હોવા છતાં જૂનિયર વિદ્યાર્થીઓને શોર્ટ્સમાં જ બહાર બોલાવીને રાત્રે દોઢ વાગ્યાથી આશરે સવારે 5 વાગ્યા સુધી કડકડતી ઠંડીમાં ઊભા રાખવામાં આવ્યા હતા અને કરિયર ખતમ કરી નાખવાની ધમકી પણ આપી હતી.
સિનિયર વિદ્યાર્થીઓના માનસિક ત્રાસથી કંટાળીને ભોગ બનનારા એક વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અન્ય ભોગ બનનાર વિદ્યાર્થીએ જણાવ્યું કે, અમને ઊભા રાખીને ત્રાસ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળીને અમારી સાથેનો એક વિદ્યાર્થી 8મા માળની રેલિંગ પરથી કૂદી ગયો હતો. જો કે, તે નીચે સળિયામાં ફસાઈ જતાં તેનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ બધાએ તેને સમજાવ્યો હતો પરંતુ રેગિંગ કરનારા વિદ્યાર્થીઓએ તેને આપઘાત માટે દુષ્પ્રેરણા આપી હતી.
આ ઘટના બાદ રેગિંગનો ભોગ બનનાર 3 વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કમિશન (NMC) માં ફરિયાદ કરીને જવાબદાર સિનિયર વિદ્યાર્થીઓ સામે પગલાં લેવાની માગ કરી હતી.
બીજી તરફ આ સમગ્ર ઘટનાને લઈને વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીના માતાએ સવાલ ઉઠાવતા કહ્યું કે, “જો મારા બાળકને કંઈ થઈ જાત તો તેના માટે જવાબદાર કોણ હોત?” અને રેગિંગ કરનારા સામે કડકમાં કડક પગલાં લેવાની માગ કરી હતી.
આ મામલે મેડિકલ કોલેજના ડીન ડો. વિશાલા પંડ્યાએ જણાવ્યું હતું કે, “રેગિંગની તમામ ઘટના અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. ફટાકડા ફોડવાની બાબતમાંથી ઝઘડો ચાલુ થયો હતો, જે બાદ 3 વિદ્યાર્થીઓને ધમકી આપી હતી અને એક વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હાલ અમને જે ફરિયાદ મળી છે તેમાં આ બધી બાબતો છે અને અમે 2 દિવસથી સતત આ મામલે તપાસ કરી રહ્યા છીએ.” આ ઉપરાંત, ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે હોસ્ટેલ બિલ્ડિંગના તમામ એરિયા કવર થાય તે પ્રકારે CCTV લગાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
Published On - 5:32 pm, Sat, 28 November 26