કેસર કેરીના (Kesar Mango) રસિકો માટે ગીરમાંથી (Gir Somnath) આ વખતે માઠા સમાચાર છે. ગયા વર્ષે આવેલાં તાઉતે વાવાઝોડા અને કમોસમી વરસાદના (Unseasonal rains) કારણે આ વખતે કેરીનું ઉત્પાદન ઘટવાની સંભાવના છે. એટલે કે આ વર્ષે કેરીનો સ્વાદ માણવા તમારે બમણા રૂપિયા ચૂકવવા પડી શકે છે.
કેસર કેરી કદાચ આગામી મહિનામાં ફ્રૂટ બજારોમાં એન્ટ્રી કરશે. પરંતુ કેરીના ચાહકો માટે માઠા સમાચાર એ છે કે આ વર્ષે તાઉતેની અસરને કારણે કેસર કેરીનો પાક ઓછો આવવાની શક્યતા છે. જેના કારણે કેસર કેરી મોંઘી થશે. ગીરમાં આમ તો કેસર કેરીનું મબલખ ઉત્પાદન થાય છે. પરંતુ ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાને કારણે કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ઉના ગીર ગઢડા સહિત અનેક વિસ્તારોમાં કેસર કેરીના વૃક્ષો વેરવિખેર થઈ ગયા હતા. જેના કારણે ગત વર્ષની તુલનાએ આ વર્ષે 50 ટકા જ ઉત્પાદન થાય તેવું ખેડૂતોનું કહેવું છે.
જોકે વાવાઝોડા સિવાયના અન્ય કારણો પણ કેસર કેરીના ઓછા ઉત્પાદન માટે જવાબદાર છે. જેમકે વાતાવરણમાં સતત પલટો, કમોસમી વરસાદ અને મધીયો સહિતના રોગોના કારણે કેસરના પાકને મોટું નુકસાન થયું છે. આ વર્ષ એક મહિનો પાછોતરું આવરણ પણ છે એટલે કે સિઝન એક મહીનો મોડી છે. અનેક બગીચાઓમાં મોટી ખાખડીઓ થઈ છે તો અનેક બગીચાઓમાં હજુ ફલાવરિંગ છે. જેના કારણે આ વર્ષે સિઝન આગળ પાછળ પણ થઈ શકે છે. જો ચોમાસું વહેલું સક્રિય થયું તો પણ કેસર કેરીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
આ મામલે બાગાયત અધિકારી પણ માને છે કે વાવાઝોડા સહિતના અનેક કારણો કેસરના પાકને અસર કરશે. જેના કારણે લોકોએ કેરી માટે વધુ રૂપિયા ચુકવવા પડી શકે છે. તેમના મતે ગયા વર્ષે એક બોક્સનો ભાવ 500 થી 700 રૂપિયાનો હતો. જે આ વર્ષે બમણાં ભાવથી વેચાવાની શક્યતા છે. આમ જો ખેડૂતો અને જાણકારોની વાત માનીએ તો ગીરની કેસર કેરીના ચાહકોએ આ વર્ષે થોડો વધારે ખર્ચો કરવો પડશે એ તો નક્કી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-