Gir Somnath: દેશના ચાર રાજ્યોમાં ભાજપે જ્વલંત વિજય હાંસલ કરતાની સાથે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ રોડ-શો સાથે ભાજપના આગામી વિધાનસભા ચૂંટણીના બ્યુગલ ફૂંકી દીધા છે. તો બીજી તરફ કોંગ્રેસ (Congress)દ્વારા પણ કમર કસી દેવામાં આવી હોય તેમ દરેક જિલ્લા તાલુકા મથકે બેઠકોનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. ભાજપના પેજ પ્રમુખ અને માઈક્રો મેનેજમેન્ટ સાથે હાઈટેક પ્રચારનો (Hi-tech publicity)ખુબ જ મોટો ફાયદો મળ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ પક્ષ પણ ડિજિટલ માધ્યમથી (Digital medium) કાર્યકર્તાઓને મતદારો સુધી પહોંચવા મેદાને પડી છે.
ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી ડો. દિનેશ પરમારની અધ્યક્ષતામાં રવિવારે જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી યોજાઈ હતી. જેમાં જિલ્લાના ધારાસભ્યો ભગવાન બારડ, મોહન વાળા, વિમલ ચુડાસમા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખ ગોહેલ, પ્રદેશ નેતા હીરાભાઈ જોટવા સહિતના મુખ્ય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રભારી ડો. દિનેશ પરમારે કાર્યકર્તાઓને ડિજિટલ સભ્ય નોંધણીના કાર્યને ખુબજ ગંભીરતાથી સફળ રીતે પાર પાડવા આહવાન કર્યું હતું.
પ્રભારી ડો. દિનેશ પરમારે વધુમાં જણાવેલ કે, ગીર સોમનાથ જીલ્લો કોંગ્રેસનો ગઢ છે. આ જિલ્લાનો ચારેય વિધાનસભા બેઠક કોંગ્રેસના કબ્જામાં છે. મહત્વની વાત તો એ છે કે, હિંદુત્વની વાતો કરતા ભાજપના દેશના પ્રથમ જ્યોર્તિલિંગ અને કરોડો હિન્દુની આસ્થાના પ્રતીક એવા સોમનાથ વિધાનસભાના મતદારોએ પણ કોંગ્રેસમાં જન વિશ્વાસ મૂકી કોંગ્રેસના ધારાસભ્યને વિજય બનાવી ભાજપની ખોખલી હિંદુત્વની વાતને જાકારો આપ્યો છે.
નોંધનીય છેકે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ કવાયત આદરી છે. અને, ચૂંટણી નજીકના સમયમાં જાહેર થશે તેવી શક્યતાઓને પગલે અત્યારથી જ નેતાઓ જોતરાઇ પડયા છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના ગઢ ગણાતા ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો પર ભાજપ કમળ ખીલવી શકશે કે પછી કોંગ્રેસના પંજાની પકડ યથાવત રહેશે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો : Ahmedabad : ગોમતીપુરમાં સામાન્ય ઝઘડામાં યુવાનની હત્યા, ચાર આરોપીની પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો : બંગાળી અભિનેત્રી રૂપા દત્તા પર ખિસ્સા કાતરવાનો આરોપ, ડસ્ટબીનમાં બેગ ફેંકતા અભિનેત્રીની ધરપકડ !