પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યની પોલીસમાંથી ઉમદા કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને ડી.જી.પી. કમેન્ડેશન ડિસ્ક તરીકે ઓળખવામાં આવતાં ચંદ્રકથી નવાજવામાં આવ્યા છે.
દેશના આસામ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, અને કેરાલા જેવા રાજ્યો તથા સીમા સુરક્ષા બળ અને સી.આર.પી.એફ જેવા પેરામીલટરી દળોમાં આવો પદક આપવામાં આવે છે. ગુજરાત આવો ચંદ્રક આપનાર 7મું રાજ્ય છે.
જે પોલીસ કર્મચારીઓ દ્વારા થતી સારી કામગીરીને બીરદાવવામાં આવે અને પોલીસ કર્મચારીની ફરજ નિષ્ઠાને સમાજમાં એક ઓળખ મળે તે માટે દર વર્ષે રાજ્ય પોલીસ વડા દ્વારા વિધિવત સન્માન આપવામાં આવે છે. ગુજરાતમાં પોલીસ દળમાંથી સારું કામ કરનાર અધિકારીઓ માટે આ “DGP’s Commendation Disc” એનાયત કરવાની પ્રથા વર્ષ-2020થી શરૂ કરવામાં આવ્યા છે.
આ પદકને પોલીસ અધિકારી પોતાના યુનિફોર્મ ઉપર પણ લગાવી શકે છે. તમામ રેન્કના પોલીસ અધિકારી/કર્મચારીઓમાંથી આ સન્માન માટે યોગ્ય અધિકારી/કર્મચારી પસંદ કરવા માટેની એક પ્રક્રિયા નિયત કરવામાં આવ્યા છે. ઉપરાંત, કેવા પ્રકારની કામગીરી બદલ આ ચંદ્રક આપી શકાય તે અંગેના ધોરણો પણ નિશ્ચિત થયેલ છે.
જેમાં સાહસ અને વીરતાનું વિશેષ કામ, અધરા અને અટપટા ગુના ઉકેલવા, કુદરતી આફતો વખતે સારી બચાવ કામગીરી કરવી, નવતર અભિગમ અને ઉચ્ચ પ્રકારના કૌશલ્ય સાથેની ખંતપૂર્વકની કામગીરી, સ્વચ્છ સર્વીસ રેકોર્ડ જેવા અનેક પાસાઓ તથા કાબેલીયત ધ્યાનમાં લઇને વિજેતાની પસંદગી કરવામાં આવે છે. આ સન્માન માટે પોલીસના ડ્રાયવરથી લઈને હથિયારી/બિનહથિયારી અને એસ.આર.પી. કોન્સ્ટેબલથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓની પસંદગી થઈ શકે છે.
આ ધોરણો અન્વયે સમગ્ર રાજ્યમાંથી ઉમદા કામગીરી કરનાર જવાનો અને અધિકારીઓના નોમીનેશન મંગાવવામાં આવેલ હતા અને તેના અધારે ગૃહ વિભાગ દ્વારા ઠરાવ્યા પ્રમાણેની ઉચ્ચ પોલીસ અધિકારીઓની એક પસંદગી સમિતિ દ્વારા વર્ષ- 2022 માટે DGP’s Commendation Disc મળવા યોગ્ય કુલ-110 કર્મચારીઓનું ચયન કરવામાં આવેલ છે.
આજે સાંજે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પસંદગી પામેલા પોલીસ અધિકારીઓને આ ચંદ્રક આપવા માટે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાલુ વર્ષ માટે જે 110પોલીસ અધિકારીઓને ડી.જી.પી. ડિસ્ક રૂપે આ એવોર્ડ આપવામાં આવેલ હતો. કરાઈ ખાતેના વિશાળ ઓડીટોરીયમમાં વિજેતા અધિકારીઓને તેમના પરિવારની હાજરીમાં, પોલીસ વડા વિકાસ સહાય દ્વારા દરેક વિજેતાને આ ચંદ્રક તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. કુલ વિજેતાઓમાં અલગ-અલગ સંવર્ગના પોલીસ અધિકારીઓ સામેલ છે, જેમાં એડીશનલ ડીજીપી-2, આઈજીપી- 1, એસપી-12, ડીવાયએસપી-16, પીઆઈ-24, ઈન્ટેલીજન્સ ઓફિસર-01, પીએસઆઈ- 16, એએસઆઈ-13, હેડ કોન્સ્ટેબલ-08, તથા કોન્સ્ટેબલ-17 નો સમાવેશ થાય છે.
જે પૈકી એડીજીપી ખુરશીદ અહેમદ, આઈજીપી શ્રીમતી નિપૂણા તોરવણે તથા એસ.પી. શ્રી જી.જી. જસાણી નાઓ “ગોલ્ડ ડીસ્ક” માટે તેમજ એડીજીપી ડૉ. એસ.પી. રાજકુમાર તથા પોલીસ અધિક્ષક ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલ, સંજય ખરાત, ધર્મેન્દ્ર શર્મા, અજીત રાજયાણ, રવિતેજા વાસમસેટ્ટી, પ્રેમસુખડેલૂ, રાજદિપસિંહ ઝાલા, ચિંતન તૈરૈયા, યુવરાજસિંહ જાડેજા, નીતા દેસાઈ અને ડૉ. કાનન દેસાઈ નાઓ ‘સીલ્વર ડીસ્ક” માટે પસંદગી પામેલ છે.
ચંદ્રક વિજેતા અધિકારીઓના નામની વિગત આ સાથે અલગથી સામેલ છે. પદક મેળવનાર તમામ અધિકારીઓને પોલીસ મહાનિદેશક વિકાસ સહાય દ્વારા અભિનંદન અપાવામાં આવેલ હતા અને એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવેલ હતો કે ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા ઉત્તમ સેવા આપીને રાજ્ય અને દેશનું ગૌરવ વધારવામાં આવે.
Published On - 8:43 pm, Thu, 7 March 24