Gandhinagar : આજે વિધાનસભામાં ઓબીસી અનામત બિલ (OBC Reservation Bill) રજૂ કરાશે. રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામતની જાહેરાત કર્યા બાદ તેનું વિધેયક તૈયાર કર્યું છે. આ વિધેયક કાયદાપ્રધાન ઋષિકેશ પટેલ (Rushikesh Patel) ગૃહમાં રજૂ કરશે, બિલમાં મહાનગરપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા સુચવ્યાં છે.
વિધેયકમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ-5ની પેટા કલમ 6માં સુધારવાની જોગવાઈ છે. જ્યારે કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ છે. આ ઉપરાંત તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય તે અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC માટે 27 ટકા અનામત મળશે.SC-STને મળતા અનામતમાં કોઈ ફેરફાર નહીં થાય. તો હોદ્દાઓમાં 50 ટકાની મર્યાદામાં 27 ટકા અનામત મળશે. તાલુકા, જિલ્લા પંચાયતમાં OBC માટે 27 ટકા અનામત રહેશે. પેસા જિલ્લા એક્ટમાં 9 જિલ્લા અને 61 તાલુકામાં વસતી પ્રમાણે બેઠકો ફાળવશે. મહાનગરોમાં 50 ટકાની મર્યાદામાં OBC માટે 27 ટકા અનામત અપાશે. અગાઉ સ્થાનિક સ્વરાજ્યમાં OBC માટે હતુ 10 ટકા અનામત હતી.
OBC અનામતથી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માર્ગ મોકળો બનશે. 2024 પહેલા મતદારોના આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે. સમાજમાં ઉઠેલી અનામતની આગ શાંત પડશે. OBC સમાજની માગ સરકારે સ્વીકારીને મામલો થાળે પાડ્યો છે અને કોંગ્રેસના સરકાર પરના પ્રહારો એક ઝાટકે નિષ્ફળ થઈ ગયા છે. ત્યારે હવે બન્ને પક્ષોએ રાજકીય સમીકરણો ફરી સેટ કરવા પડશે. OBCને હવે 17 ટકા વધુ બેઠકોનો લાભ મળશે. OBCનું પ્રતિનિધિત્વ વધતા રાજકીય પ્રભાવ પણ વધશે. તો ભાજપને ચૂંટણીમાં મોટો ફાયદો થઈ શકે છે.
ગુજરાતામાં 52 ટકા વસતી OBC સમાજની છે. 146 જ્ઞાતીઓનો OBCમાં સમાવેશ થાય છે અને રાજ્યની 48 બેઠકો પર OBC પ્રભુત્વ છે. 2017માં 62 OBC ધારાસભ્યોએ જીત મેળવી હતી. જેથી OBC સમાજનું ચૂંટણીને લઇને ખૂબ જ મહત્વ છે.ગુજરાતમાં 11 જિલ્લામાં OBC સમાજની 5 ટકાથી ઓછી વસતી છે.2 જિલ્લામાં 20થી 35 ટકા, 10 જિલ્લામાં 35થી 55 ટકા વસતી,10 જિલ્લામાં 65થી 75 ટકા વસતી છે.
અત્યાર સુધી OBC માટે 10 ટકા બેઠકો આરક્ષિત હતી. ત્યારે OBC સમાજે વસ્તીના ધોરણે રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી માગ કરી હતી. સમગ્ર મામલે જાન્યુઆરી 2022માં સુપ્રીમ કોર્ટે નવેસરથી કમિશન રચવાનો આદેશ આપ્યો હતો. OBC અનામતનું પ્રમાણ, બેઠકોનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી કમિશન રચવાનો આદેશ કરવામાં આવ્યો હતો. કમિશન રચી વસતીને આધારે માપદંડો નિયત કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો.
જો કે ગુજરાત સરકારે 6 મહિના સુધી કમિશનની રચના કરી ન હતી. રાજ્ય ચૂંટણી પંચે 10 ટકા OBC અનામત દૂર કરવાનો આદેશ આપ્યો હતો. જે પછી 3,252 ગ્રામ પંચાયતોમાંથી OBC અનામત દૂર થવાની શક્યતા ઉભી થઈ હતી. જે પછી ભારે વિરોધ બાદ સરકારે તાત્કાલિક સ્વતંત્ર પંચની રચનાની જાહેરાત કરી હતી.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો