ગુજરાતમાં (Gujarat) શિક્ષણના મૂળભૂત અધિકાર અધિનિયમ (RTE ) હેઠળ આ વર્ષે ખાનગી શાળાઓમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ(Student) માટે અનામત બેઠકો પર યોજાનારી પ્રવેશ પ્રક્રિયા હેઠળ 70 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે 30 માર્ચથી RTE કાયદા હેઠળ ખાનગી શાળાઓમાં અનામત બેઠકો પર ધોરણ 1 માં બાળકોના પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. વાલીઓ rte.orpgujarat.com પોર્ટલ પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. પ્રથમ તબક્કા માટે પ્રવેશ યાદી 26 એપ્રિલે જાહેર કરવામાં આવશે.
RTE પ્રવેશ પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત 21મી માર્ચે જાહેરાત બહાર પાડીને કરવામાં આવશે. જે અંતર્ગત વાલીઓને 29 માર્ચ સુધીમાં જરૂરી દસ્તાવેજો એકત્ર કરવાનો સમય મળશે. જેમાં આવકનો પુરાવો, રહેઠાણનો પુરાવો, જન્મ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી RTEની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. આ વર્ષે કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે તે જોતા, પ્રવેશ પ્રક્રિયા સમયસર હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા તેને પૂર્ણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ શનિવારે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખોની સત્તાવાર જાહેરાત કરી હતી.ડીગ્રી એન્જીનીયરીંગ , ડીગ્રી ફાર્મસી અને ડીપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 18 એપ્રિલના રોજ ફરજીયાત ગુજકેટ લેવામાં આવશે. પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી લેવામાં આવશે. પરીક્ષા ઓફલાઈન જ લેવામાં આવશે. આ પેપર હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમોમાં ઉપલબ્ધ રહેશે.
પરીક્ષામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું સંયુક્ત પેપર 80 ગુણનું હશે. જેમાં ફિઝિક્સમાંથી 40 પ્રશ્નો જ્યારે કેમેસ્ટ્રીમાંથી 40 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પેપર સોલ્વ કરવા માટે 120 મિનિટનો સમય આપવામાં આવશે. પ્રશ્નો ઉદ્દેશ્ય પ્રકારના હશે. જે અંતર્ગત ચાર વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.જીવવિજ્ઞાન અને ગણિત વિષય માટે 40 અલગ-અલગ પ્રશ્નપત્ર હશે. તેમને ઉકેલવા માટે એક કલાકનો સમય આપવામાં આવશે.
પરીક્ષાનો અભ્યાસક્રમ આ તમામ વિષયોના NCERT આધારિત પાઠ્યપુસ્તક મુજબ રહેશે. તમામ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે. ગુજરાત સરકારે વર્ષ 2017 થી રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે GUJCAT ફરજિયાત બનાવ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદમાં એક જ અઠવાડિયામાં ત્રીજી હત્યા, ભાડૂતે મકાન માલિકને બોથડ પદાર્થ ઝીંકી પતાવી દીધો
Published On - 5:50 pm, Sun, 20 March 22