Gandhinagar: જેલમાં ચાલેલા સર્ચ ઓપરેશનનો રિપોર્ટ CM ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો
સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ થયાની ઘટના બની હશે, જેમાં 1700 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા.
રાજ્યમાં ગત રાત્રિથી જેલમાં શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનનો રિપોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યો છે આ રિપોર્ટ સોંપવા માટે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તમામ અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલિસ વડાઓની મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠક પૂર્ણ
આ બેઠકમાં જેલમાં પાડવામાં આવેલા દરોડા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને દરોડાનો તમામ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યો હતો.
નોંધનીય બાબત છે કે, સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમ વાર રાજ્યભરની જેલોમાં એક સાથે મેગા સરપ્રાઈઝ ચેકીંગ થયાની ઘટના બની હશે, જેમાં 1700 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ એક સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા.
દરોડા દરમિયાન જેલમાંથી મળી આવ્યા નશાકારક પદાર્થ
રાજ્યની 17 જેલોમાં એકસાથે એક જ સમયે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ તથા નશાકારક પદાર્થો મળી આવ્યા છે. અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંજાના લગભગ 14 પેકેટ મળી આવ્યા હતા. આ સાથે જેલકર્મીઓ કેદીઓને મોબાઇલ આપતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
સુરતની જેલમાં તોડફોડ
સુરતની લાજપોર જેલમાંથી 10 મોબાઇલ ફોન, ગાંજો અને ચરસ જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જેલમાં પોલીસ આવતાની સાથે જ કેદીઓએ ભારે તોડફોડ કરી હતી . કેટલીક બેરેકમાં ટ્યુબલાઈટ તોડી કેદીઓએ વાસણો ફેંકી તોડફોડ કરી હતી. જ્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી માત્ર ગુટખા, છૂટી તમાકું મળી આવી હતી તો મહેસાણા જિલ્લા જેલમાંથી કંઇ પણ વાંધાજનક વસ્તુ મળી નથી.
મોડી રાત સુધી ચાલ્યું હતું મુખ્યમંત્રી તેમજ ગૃહરાજ્યમંત્રીનું નિરિક્ષણ
તેમાં પણ ખાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કરતા હોય ને પળે પળની ઓપરેશન સંબંધિત અપડેટ મેળવતા હોય. એટલું જ નહિ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ વિભાગ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર – ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા આ સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કરી રહ્યા હોય.
રાજ્યની દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબૂદ કરવા માટે કડક કામગીરી હાથ ધરવા ઉપરાંત રાજ્યની તમામ જેલોમાં માનવ ગરિમા જળવાઈ રહે તથા કાયદો અને વ્યવસ્થાનું સુચારુ પાલન થાય તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જેલમાં રહેલા કેદીઓને મળવાપાત્ર તમામ જરૂરી સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે સુનિશ્ચિત કરવા આ મેગા સરપ્રાઈઝ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી દરમિયાન માનવીય અભિગમ રાખી કેદીઓ સાથે વાર્તાલાપ કરી પોલીસની ટીમો દ્વારા તેમનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું.
વિથ ઇનપુટ, કિંજલ મિશ્રા ગાંધીનગર ટીવી9