ગુજરાતના(Gujarat) પાટનગર ગાંધીનગરનો (Gandhinagar) આજે સ્થાપના દિવસ છે. જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે (Amit Shah) ટ્વિટ કરીને નગરજનોને શુભેચ્છા પાઠવી છે. જેમાં તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, ” ગુજરાતનું હૃદય, હરિયાળું પાટનગર ગાંધીનગરને સ્થાપના દિનની અનેકાનેક શુભકામનાઓ. ગાંધીનગર સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. આપણું સંસદીય ક્ષેત્ર સમગ્ર દેશમાં સૌથી વધુ વિકસિત અને વધુ હરિયાળું બની વિકસતું અને વિસ્તરતું રહે, જન્મ દિનની શુભેચ્છાઓ ગાંધીનગર! ”
ગાંધીનગર અને ચંડીગઢ એ બંને ભારતના રાજ્યોની પાટનગર તરીકે વિશેષ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન 16 માર્ચ 1960ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર નગરની સ્થાપના 2 ઓગસ્ટ 1965 ના દિવસે થઇ હતી. ઇ.સ. 1971થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. નગરની રચનાનું આયોજન ચીફ આર્કિટેક્ટ એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.
ગાંધીનગર ગુજરાતનું સાતમું પાટનગર છે. આ અગાઉ પ્રથમ આનર્તપુર, બીજુ ધ્વરાવતી (દ્વારકા), ત્રીજુ ગીરીનગર (જૂનાગઢ), ચોથુ વલ્લભી (ભાવનગર), પાંચમુ અણહીલપુર (પાટણ), છઠ્ઠુ અમદાવાદ અને સાતમું ગાંધીનગર પાટનગર બન્યુ હતું
ગુજરાતનું હૃદય, હરિયાળું પાટનગર ગાંધીનગરને સ્થાપના દિનની અનેકાનેક શુભકામનાઓ. ગાંધીનગર સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. આપણું સંસદીય ક્ષેત્ર સમગ્ર દેશમાં સૌથી વધુ વિકસિત અને વધુ હરિયાળું બની વિકસતું અને વિસ્તરતું રહે, જન્મ દિનની શુભેચ્છાઓ ગાંધીનગર!
— Amit Shah (@AmitShah) August 2, 2022
ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.