રાજ્યના અગત્યના-ફલેગશીપ પ્રોજેક્ટસની કામગીરીની પ્રગતિ સમીક્ષાના ઉપક્રમમાં બીજી કડી સંપન્ન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ટિચર્સ યુનિવર્સિટી-ચિલ્ડ્રન યુનિવર્સિટી-IITRAMની શૈક્ષણિક પ્રગતિ અને ભાવિ આયોજન અંગે સર્વગ્રાહી પરામર્શ કરી માહિતી મેળવતા ભૂપેન્દ્ર પટેલ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટસ અને ફલેગશીપ યોજનાઓની કામગીરીની પ્રગતિ સમીક્ષા માટે પ્રતિ માસ બેઠક યોજવાના ઉપક્રમમાં બીજી કડી સંપન્ન કરી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્ય અને દેશમાં શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત IITRAM, ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશન-ટિચર્સ યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીની વિવિધલક્ષી કામગીરીની તલસ્પર્શી માહિતી સમીક્ષા બેઠકમાં મેળવી હતી
મુખ્યમંત્રીએ આ ત્રણેય સંસ્થાઓના અભ્યાસક્રમો, રેન્કીંગ તથા એક્રેડીટેશન મેળવવાની પ્રક્રિયા અને યુનિવર્સિટીની દ્વારા પ્લેસમેન્ટ અંગેની વિગતો સંબંધિત યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સ પાસેથી મેળવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનમાં રાજ્યમાં શરૂ થયેલી ટિચર્સ યુનિવર્સિટીએ તાજેતરમાં રક્ષા મંત્રાલય સાથે સૈનિક સ્કૂલના શિક્ષકોની તાલીમ માટે કરેલા MOUની વિગતો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદ પટેલે આ બેઠકમાં આપી હતી
દેશની નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક અને પ્રારંભિક શિક્ષણ ઉપર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે તે સંજોગોમાં રાજ્યની ચિલ્ડ્રન યુનિવર્સિટીએ આંગણવાડી કેન્દ્ર સાથે કાર્યસંયોજન-કોલોબરેશનથી કાર્ય વ્યાપ વિસ્તારવા કરેલા આયોજનથી આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદ શાહે મુખ્યમંત્રી અને બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ સચિવોને માહિતગાર કર્યા હતા.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત શિક્ષણ અને આયોજન વિભાગના સચિવો, અન્ય વરિષ્ઠ સચિવો, અધિકારીઓ સહભાગી થયા હતા.
ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ IITRAMના ડાયરેક્ટર જનરલ ડૉ. શિવપ્રસાદે હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ સહિતના અન્ય અદ્યતન ટેક્નોલોજી સભર પ્રોજેક્ટસના કાર્ય અનુભવ માટે સ્ટુડન્ટ ઇન્ટર્નશીપ પ્રોગ્રામના આયોજન અંગે પણ આ બેઠકમાં જાણકારી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણેય સંસ્થાઓને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના રાજ્ય સરકારના જરૂરી સહયોગની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : આડા સંબંધની શંકાએ પરિવારનો માળો વિખાયો, પત્નીની હત્યા કરીને પતિએ કરી આત્મહત્યા, પાંચ વર્ષની દીકરીએ ગુમાવ્યો પરિવાર
આ પણ વાંચો : VADODARA : મહેસુલ પ્રધાનની મામલતદાર કચેરીમાં રેડ, 9 કરોડનું ગોલમાલ ઝડપાયુ, એક સામાન્ય મહિલાને મંત્રીએ મદદ કરી