Gandhinagar: આગામી 2051-52 ના વર્ષની અંદાજિત વસ્તી મુજબની પાણીની જરૂરિયાત પૂર્ણ કરવાના આયોજન રૂપે પાણી પુરવઠા યોજનાઓના (Water supply scheme) કામોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મંજૂર કર્યા છે, રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોંચાડવાની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા, જૂનાગઢ મહાનગરના એક ઝોન ઉપરાંત ખંભાળિયા-ધોરાજી-ચલાલા-ઝાલોદ અને માણસા નગરોને લાભ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી ભાવ સાથે એક મહાનગર અને પાંચ નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. 52.75 કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Urban development plan)અંતર્ગત ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ મહાનગરના એક ઝોન તેમજ ખંભાળિયા, ધોરાજી, ઝાલોદ, ચલાલા અને માણસા નગરપાલિકાના વિવિધ પાણી પુરવઠાના કામો મંજૂર કર્યા છે.
મુખ્યમંત્રીએ આ નગરોમાં હાલની બેઇઝ ઇયર મુજબ આગામી 2051-52ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને આ યોજનાઓ માટેની શહેરી વિકાસ વિભાગે રજુ કરેલી દરખાસ્તોને અનુમતિ આપી છે.
તદ્દઅનુસાર, જૂનાગઢ મહાનગરપાલિકાના ઝોન-3 માં પાણી પુરવઠાના કામો માટે રૂ. 20.85 કરોડ, ખંભાળીયા નગરપાલિકા માટે રૂ. 7.22 કરોડ, ધોરાજી માટે રૂ. 2.80 કરોડ, ઝાલોદ નગરપાલિકાને રૂ. 14.16 કરોડ, ચલાલા નગરપાલિકા માટે રૂ. 3.40 કરોડ અને માણસા નગરપાલિકા માટે રૂ. 4.32 કરોડના કામો માટે મંજૂરી આપવામાં આવી છે.
ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે હવે જૂનાગઢ મહાનગર ઉપરાંત પાંચ નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો અન્વયે રાઇઝીંગ મેઇન, ગ્રેવીટી મેઇન, વિતરણ વ્યવસ્થા, વોટર સંપ, પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, ભૂગર્ભ સંપ ના કામો તેમજ નવા વિસ્તારો માટે વિતરણ વ્યવસ્થા અને સ્ટોરેજ કામોનું આયોજન હાથ ધરાશે.
આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીને ગેરલાયક કુલપતિઓના રાજીનામાની માંગ કરી
Published On - 5:39 pm, Sat, 5 March 22