કેનેડા- યુએસ(Canada) સરહદ પર ગેરકાયદે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતી વખતે ગુજરાતના (Gujarat) કલોલના ડિંગુચા ગામના એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુના અહેવાલો આવ્યા છે. જેની બાદ ગુજરાત પોલીસે આ સમગ્ર કેસની તપાસ સીઆઇડી(CID) ક્રાઇમ દ્વારા સ્વતંત્ર રીતે કરાવવાનો નિર્ણય લીધો છે. જેમાં ગેરકાયદે માનવ તસ્કરીનો ધંધો ચલાવતા લોકોની ગેંગ સુધી પહોંચવામાં આવશે. આ અંગે ગુજરાત પોલીસના એક ઉચ્ચ અધિકારીએ સોમવારે આ માહિતી આપી હતી.
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ સમાચાર એજન્સી ભાષાને જણાવ્યું હતું કે રાજ્યના સીઆઇડી-ક્રાઈમના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને ગુજરાતમાં આ કામમાં સંડોવાયેલી સક્રિય ગેંગના સભ્યોને શોધી કાઢવાનું કામ સોંપવામાં આવ્યું છે.
ડીજીપી ભાટિયાએ જણાવ્યું હતું કે, “હાલ સુધી ગુજરાત પોલીસ આ મામલાની સમગ્ર તપાસમાં સામેલ નથ . જો કે, અમે માનવ તસ્કરી વિરોધી એકમને આ બાબતે તપાસ કરવા જણાવ્યું છે. અમે જાણીએ છીએ કે મોટા ભાગના લોકો અહીંથી અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે તે સામાન્ય રીતે કાનૂની માર્ગ દ્વારા કરે છે. જો અમને ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકેટમાં લોકોની સંડોવણી જણાશે તો અમે તેમની સામે પગલાં લઈશું.”
તેમણે કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મૃતક ગેરકાયદેસર રીતે કેનેડા ગયો હતો કે કાયદેસર રીતે પ્રવાસી વિઝા મેળવ્યા બાદ ત્યાં ગયો હતો.ડીજીપીએ કહ્યું, અમે જાણતા નથી કે તેઓ ગેરકાયદેસર રીતે કેનેડા ગયા હતા કે કાયદેસર પ્રવાસી વિઝા દ્વારા આ અંગે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ આ મામલે વિગતવાર તપાસ કરશે.
પ્રાપ્ત અહેવાલ મુજબ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા ડીંગુચા ગામમાં રહેતા એક જ પરિવારના ચાર લોકો કેનેડા-યુએસ બોર્ડર પર મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે. તે વિસ્તારમાં કડકડતી ઠંડીને કારણે તેનું મોત થયું હતું.
જેમાં જગદીશ પટેલ (35), તેની પત્ની વૈશાલી (33), પુત્રી વિહંગા (12) અને ધાર્મિક (3) ગાંધીનગરના કલોલ તાલુકાના નવા ડીંગુચા ગામના રહેવાસી હતા. તેઓ કથિત રીતે ભારતીયોના એક મોટા જૂથથી અલગ થયા હતા જેઓ -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સરહદ પાર કરીને યુએસ ગયા હતા. તેમના મૃતદેહો કેનેડાની બાજુએ યુએસ બોર્ડરથી માત્ર 30 ફૂટના અંતરે મળી આવ્યા હતા. આ પરિવાર લગભગ 10 દિવસ પહેલા કેનેડા ગયો હતો.
આ પણ વાંચો : Mehsana : પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમાં હોદ્દેદારોની નિમણૂકને લઇને સર્જાયો વિવાદ
આ પણ વાંચો : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીઓની સંખ્યા વધી, 46 દર્દીઓ આઇસીયુ પર