Breaking News : વિધાનસભાના અંતિમ દિવસે ગૃહમાં રજૂ થયેલા જલ જીવન મિશનના ઓડિટ રિપોર્ટમાં કરોડો રૂપિયાની વધુ ચુકવણીનો ખુલાસો

ગુજરાતમાં જલ જીવન મિશનના CAG ઓડિટ રિપોર્ટમાં ગંભીર ખામીઓ બહાર આવી છે. 'હર ઘર જલ' પ્રમાણપત્રમાં તફાવત, સમિતિની બેઠકોનો અભાવ, અને કોન્ટ્રાક્ટરોને ₹73 કરોડની વધુ ચુકવણી નોંધાઈ છે.

Breaking News : વિધાનસભાના અંતિમ દિવસે ગૃહમાં રજૂ થયેલા જલ જીવન મિશનના ઓડિટ રિપોર્ટમાં કરોડો રૂપિયાની વધુ ચુકવણીનો ખુલાસો
| Edited By: | Updated on: Sep 12, 2026 | 5:22 PM

ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે ગૃહમાં જલ જીવન મિશન (JJM) અંતર્ગત રાજ્યમાં થયેલી કામગીરી અંગેનો CAG (કેગ) ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે અમલમાં મૂકાયેલા આ મિશનનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોના દરેક ઘરને પાઇપલાઇન મારફતે શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી પહોંચાડવાનો છે.

2019-20થી 2023-24 સુધીના સમયગાળાની કામગીરીને આવરી લેતા આ ઓડિટ રિપોર્ટમાં યોજનાના આયોજન, અમલીકરણ, પાણીની ગુણવત્તા, જાળવણી અને નાણાકીય વ્યવસ્થાપન સહિતના વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી છે. ઓડિટ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ ખામીઓ અને નાણાકીય ગેરરીતિઓ પણ સામે આવી છે.

‘હર ઘર જલ’ પ્રમાણપત્રમાં તફાવત

રિપોર્ટ મુજબ ગુજરાતમાં કુલ 18,024 ગામોને 100 ટકા ‘હર ઘર જલ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જોકે, ઓગસ્ટ 2025 સુધીમાં માત્ર 16,920 ગામોને જ વાસ્તવિક રીતે ‘હર ઘર જલ’ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા હતા. એટલે કે કુલ ગામોમાંથી 93.87 ટકા ગામોનું જ પ્રમાણિતકરણ થઈ શક્યું હતું.

આ ઉપરાંત, 2020થી 2024 દરમિયાન સ્ટેટ વોટર એન્ડ સેનિટેશન મિશન (SWSM)ની મહત્વપૂર્ણ એપેક્સ કમિટી અને એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકો યોજાઈ ન હોવાનું પણ ઓડિટમાં નોંધાયું છે. પસંદગીના જિલ્લાઓમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન માત્ર 44.26 ટકા ગામોમાં જ ‘વિલેજ એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

કોન્ટ્રાક્ટરોને કરોડોની વધુ ચુકવણી

ઓડિટ રિપોર્ટમાં નાણાકીય વ્યવસ્થાપન અંગે પણ ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે. GWIL અને GWSSB દ્વારા ખોટા WPI (Wholesale Price Index) અને GST દરો અપનાવવામાં આવતા કોન્ટ્રાક્ટરોને અનુક્રમે ₹54.32 કરોડ અને ₹18.65 કરોડની વધુ ચુકવણી કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

પાણીની ગુણવત્તા ચકાસવામાં પણ ખામીઓ

જલ જીવન મિશન હેઠળ પાણીની ગુણવત્તા જાળવવા માટેની પ્રયોગશાળાઓમાં પણ સાધનો અને માનવબળની અછત જોવા મળી છે. જાન્યુઆરી 2025 સુધીમાં જરૂરી સાધનોમાંથી માત્ર 61.70 ટકા સાધનો જ ઉપલબ્ધ હતા.

ગાંધીનગર સ્થિત રાજ્ય સ્તરની પ્રયોગશાળા (SLL)માં ટેકનિકલ જગ્યાઓમાં 64.29 ટકા જગ્યાઓ ખાલી હોવાનું પણ ઓડિટમાં નોંધાયું છે. માનવબળની અછતના કારણે પાણીના નમૂનાઓનું જરૂરી પ્રમાણમાં પરીક્ષણ થઈ શક્યું ન હોવાનું સામે આવ્યું છે.

ચોમાસા પહેલાં કરવામાં આવેલા પરીક્ષણમાં 26 ટકા અને ચોમાસા બાદ કરવામાં આવેલા પરીક્ષણમાં 24 ટકા પાણીના નમૂનાઓ અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં, વૈકલ્પિક સુરક્ષિત પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ છે કે નહીં તેની પૂરતી ચકાસણી કર્યા વગર કેટલાક નમૂનાઓને યોગ્ય અથવા અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.

પાણી વેરાની કરોડોની બાકી રકમ

જલ જીવન મિશનના સંચાલન અને જાળવણીને લઈને પણ અનેક પ્રશ્નો સામે આવ્યા છે. ઓડિટ દરમિયાન તપાસવામાં આવેલા ગામોમાં 4,777 પરિવારોએ ક્યારેય વપરાશકર્તા શુલ્ક ચૂકવ્યું ન હોવાનું નોંધાયું છે.

બીજી તરફ, ગ્રામ પંચાયતો પાસેથી બાકી પાણી વેરાની રકમ વધીને ₹236.55 કરોડ થઈ ગઈ છે. આ સ્થિતિ યોજનાના લાંબા ગાળાના સંચાલન અને જાળવણી માટે પડકારરૂપ બની શકે છે.

10.47 ટકા પાણીનું નુકસાન

પાણીના બગાડ અંગે પણ રિપોર્ટમાં ચિંતાજનક બાબત સામે આવી છે. જાન્યુઆરી 2025 સુધી GWSSB દ્વારા કોઈ નવું વોટર ઓડિટ કરવામાં આવ્યું ન હતું. અગાઉ કરવામાં આવેલા વોટર ઓડિટ મુજબ છ જિલ્લાઓમાં 10,555.52 મિલિયન લીટર પાણીનું નુકસાન થયું હતું, જે કુલ પાણીના આશરે 10.47 ટકા જેટલું છે.

ફરિયાદ નિવારણ વ્યવસ્થાની વાત કરીએ તો 2019થી 2024 દરમિયાન પાણી પુરવઠા સંબંધિત કુલ 17,184 ફરિયાદો મળી હતી. તેમાંથી 10,606 ફરિયાદો એટલે કે 61.72 ટકા ફરિયાદોનું સાત દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં નિવારણ કરવામાં આવ્યું હતું.

CAG રિપોર્ટમાં સુધારા માટે મહત્વની ભલામણો

જલ જીવન મિશનને વધુ અસરકારક બનાવવા અને ભવિષ્યમાં પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે CAG રિપોર્ટમાં અનેક ભલામણો કરવામાં આવી છે.

રિપોર્ટમાં GWIL અને GWSSBની યોજનાઓ સમયસર પૂર્ણ થાય તે માટે વધુ મજબૂત વ્યવસ્થા વિકસાવવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ WPI અને GSTના દરોના ઉપયોગને પ્રમાણિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

તમામ ઘરોને નિયમિત ધોરણે ઓછામાં ઓછું 55 LPCD (લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ) શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવા, રાજ્યના દરેક તાલુકામાં તાલુકા કક્ષાની પ્રયોગશાળાઓ સ્થાપિત કરવા અને પાણીના નમૂનાઓને યોગ્ય જાહેર કરતા પહેલાં વૈકલ્પિક સુરક્ષિત પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા ચકાસવા પણ ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામડાના સ્થાનિક સ્તરે પાણી પુરવઠાની કામગીરી સંભાળતા મિકેનિક્સ માટે તાલીમ કાર્યક્રમો યોજવા અને રાજ્યના તમામ પાણીના સ્ત્રોતોનું વહેલી તકે 100 ટકા જીઓ-ટેગિંગ પૂર્ણ કરવા પણ રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે.

જલ જીવન મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ગ્રામીણ પરિવાર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો છે. ત્યારે CAGના આ રિપોર્ટમાં સામે આવેલી ખામીઓના આધારે જરૂરી સુધારા કરવામાં આવે અને યોજનાનું અસરકારક અમલીકરણ થાય તે આગામી સમયમાં મહત્વપૂર્ણ રહેશે.

ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને મોટા સમાચાર, આ તારીખે મતદાન યોજાવાની સંભાવના, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.