ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિનો એક એવો ચહેરો જે પક્ષપલટો કરવા માટે અને નવી પાર્ટી બનાવવા માટે જાણીતા છે. સૌપ્રથમ ભાજપ, રાજપા, કોંગ્રેસ, એ બાદ પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાનું અમુક જ મહિનામાં બાળમરણ…. જે બાદ NCPમાં જોડાયા. જ્યા રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ એવુ લાગ્યુ કે પાર્ટીમાં તેમનું મહત્વ જળવાતુ નથી. આથી NCP ને પણ અલવિદા કહી હવે બાપુ પોતાની જ વધુ એક નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સાથે ગુજરાતના રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે.
જે ઉમરે નેતાઓ નિવૃતિ લેવાનું વિચારતા હોય એ ઉમરે બાપુ રાણાજીના ભાલાના નિશાન સાથે ફરી ગુજરાતની રાજનીતિમાં નવી ઈનિંગ રમવા માટે સજ્જ થયા છે. તેમની પાર્ટીના નવા કાર્યાલયનું આજે ગાંધીનગરથી થોડે દૂર અડાલજમાં સત્તાવાર લોન્ચિંગ થવાનું છે. ત્યારે બાપુએ તેમની નવી સફર અંગે tv9 ગુજરાતી સાથે અનેક મુદ્દાઓ પર ખાસ વાતચીત કરી.
વારંવાર પક્ષપલટો કરનારા અને બે થી વધુ નવી પાર્ટી બનાવનારા બાપુએ તેમના જાહેરજીવનના અનુભવ અંગે જણાવ્યુ કે મને બહુ ખરાબ અનુભવ રહ્યો છે કે લોકો જે પાર્ટીમાં હોય છે તેને વફાદાર નથી રહેતા. જે પાર્ટીમાં હોય તેમાં નજીકના મિત્રને તમે તમારો હરીફ કેમ ગણો છે, હરીફ પક્ષ કેમ નહીં? હરીફ પક્ષના સાથીદારની અલગ ઓળખાણ હોય, અલગ સંબંધ હોય એ જ તમારો દુશ્મન બનતો હોય છે. ભાજપ-કોંગ્રેસ બંનેમાં મને આવો અનુભવ થયો અને NCP નો તો સવાલ જ નથી. આથી એવુ લાગ્યુ કે જો પોતાની પાર્ટી બને જેમાં જેને સાથે આવવુ હોય એ આવે. જે લેવા આવતો હોય એ તો સ્પષ્ટ ના આવે, કંઈક દેવા આવે. ચીટર ન આવે. લોકો સાથે દ્રોહ કરનારો ન આવે. સમાજમાં જેમની સારી પ્રતિષ્ઠા હોય તેવા બ્રાન્ડેડ લોકોને આગળ કરી નવી પાર્ટીનું લોન્ચિંગ કરી રહ્યા છીએ.
બફર ઝોનના રૂપે જોવા અંગે શંકરસિંહે જણાવ્યુ કે ભાજપ તો પહેલેથી ઓવરલોડ પાર્ટી છે ત્યા જગ્યા નથી. કોઈ પાર્ટીને તોડવાનું કામ મારુ નથી. મે ક્યારેય કોઈને દબાણ નથી કર્યુ કે તમે જે તે પાર્ટી છોડી મારી સાથે આવો. ભાજપ કે કોંગ્રેસના કોઈના આગેવાનને નથી કહ્યુ કે તમે નીકળો. જેને પ્રેમથી આવવુ હોય તે આવી શકે છે. કોઈના પર દબાણ નથી કર્યુ. પાર્ટીના પ્રમુખ સિદ્ધરાજસિંહજી પર કોઈ પક્ષની બ્રાન્ડ નથી. ભાજપ-કોંગ્રેસ કે કોઈપણ પાર્ટીમાંથી, સારો માણસ આવે તો સ્વાગત છે.
શંકરસિંહે જણાવ્યુ કે પાર્ટી સમાજલક્ષી નથી. તમામ સમાજના આગેવાનો માટે દ્વાર ખુલ્લા છે, પટેલ હોય કે ક્ષત્રિય જેને આવવુ હોય તે આવી શકે છે. સમાજથી કોઈ પાર્ટી પર સિક્કો વાગતો નથી. હું ભલે ક્ષત્રિય રહ્યો પરંતુ ભાજપમાં હતો ત્યારે કેશુબાપાને આગળ કરીને ચાલતા હતા. શંકરસિંહે કહ્યુ ક્યાં સમાજમાંથી હોવુ તે કુદરતને આધીન છે પરંતુ વ્યવહાર મહત્વનો છે. રાજકારણમાં કોઈ એક સમાજનું આધિપત્ય નથી હોતુ. પ્રજાને સાચવવા માટે તમારે જે કરવુ પડે તે કરવુ જોઈએ.
શંકરસિંહે જણાવ્યુ કે ગુજરાતની જનતા 30 વર્ષના ભાજપના એકચક્રી શાસનથી હાલ કંટાળેલી છે. હાલના શાસનમાં MP, MLA કે મંત્રીઓનું કંઈ ચાલતુ નથી. જેના કારણે લોકો હેરાન થાય છે. આથી 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમની પાર્ટી ઝંપલાવશે. યોગ્ય ઉમેદવારોને પ્રોજેક્ટ કરી ધરાતલથી લઈને વિધાનસભા સુધીનું માળખુ તૈયાર કરવાની તૈયારી બાપુએ બતાવી.
શંકરસિંહે કહ્યુ એ માત્ર કલ્પના છે. મહાગુજરાત જનતા પરિષદ, સ્વતંત્ર પાર્ટી 5-10 MLAના માર્જિનને બાદ કરતા સત્તાની નજીક પહોંચી હતી. ગુજરાતમાં ત્રીજી પાર્ટી નથી ચાલતી કારણ કે લીડરશીપનું સાતત્ય અને પાર્ટી ચલાવવા માટેનું આર્થિક ભંડોળ આ બે સમસ્યાને કારણે મોટી પાર્ટીને આધિન રહેવુ પડે છે. વધુમાં બાપુએ ઉમેર્યુ કે પાર્ટીની મેચફિક્સીંગ જોયા પછી મને લાગ્યુ કે જે પાર્ટીના નેતાઓ ધરાતલથી લઈને દિલ્હી સુધીના ફુટેલા હોય, એ પાર્ટીમાં કરેલી મહેનત એેળે જાય છે.
આત્મવિશ્વાસ સાથે બાપુએ જણાવ્યુ કે ગુજરાતની જનતાને પહેલેથી જ બાપુ પર વિશ્વાસ મુકેલો છે. પ્રજાને અને મારે કોઈ સમસ્યા છે જ નહીં. આગેવાનો સાથેની વાત અલગ છે. પ્રજા જ બાપુની રિયલ હાઈકમાન્ડ છે. પ્રજા બાપુની, બાપુ પ્રજાના છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:15 am, Sun, 22 December 24