Mehsana: પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા, ઢીંચણના ભાગે ઇજા થતા હોસ્પિટલ લઇ જવાયા

|

Aug 13, 2022 | 2:52 PM

ગાયે નીતિન પટેલને હડફેટે લેતા ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે. જેથી નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Mehsana: પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા, ઢીંચણના ભાગે ઇજા થતા હોસ્પિટલ લઇ જવાયા
ત્રિરંગા યાત્રામાં ગાયે કરેલા હુમલામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ઇજાગ્રસ્ત

Follow us on

રખડતા ઢોરના (Stray cattle) આતંકથી અત્યાર સુધી સામાન્ય પ્રજા તો ત્રસ્ત હતી, પણ હવે તો સરકારના જ એક નેતાને રખડતા ઢોરે અડફેટે લીધા છે. મહેસાણા (Mehsana) જિલ્લાના કડીમાં તિરંગા રેલી દરમિયાન પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને (Former Deputy Chief Minister Nitin Patel) ગાયે અડફેટે લીધા હતા. કડીના કરણપુર શાક માર્કેટ નજીક ગાયે નીતિન પટેલને હડફેટે લેતા ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે. જેથી  પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર બાદ નીતિન પટેલને આપવામાં આવી રજા

મહેસાણા જિલ્લાના કડીમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નીતિન પટેલની અધ્યક્ષતામાં સમગ્ર ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ ત્રિરંગા યાત્રા કડીના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઇ હતી. જ્યારે આ ત્રિરંગા યાત્રા કડીના બજારમાંથી નીકળી રહી હતી, ત્યારે અચાનક જ એક ગાયે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને અડફેટે લીધા હતા. ગાયે કરેલા હુમલામાં નીતિન પટેલને ઢીંચણના ભાગમાં ઇજા થઇ હતી. જે પછી ઇજાગ્રસ્ત નીતિન પટેલને સારવાર અર્થે તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલમાં તેમને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી છે. નીતિન પટેલને ઇજા પહોંચી હોવાના સમાચાર મળતા જ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. ઘટનાના પગલે સ્થાનિક આગેવાનો નીતિન પટેલના ખબર અંતર પુછવા માટે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા.

વારંવાર બને છે રખડતા ઢોરની હુમલાની ઘટના

વારંવાર રખડતા ઢોરના હુમલાના કારણે અનેક લોકોને ઇજા પહોંચે છે. ઘણા લોકોને તો પોતાના અંગો પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આજે સરકારના જ એક નેતાને ગાયે અડફેટે લીધા છે. અમદાવાદ, વડોદરા, પોરબંદર સહિત અનેક સ્થળોએ વારંવાર રખડતા ઢોરોએ લોકોને અડફેટે લીધાના સમાચાર સામે આવેલા છે. તો ઘણા લોકોએ તો રખડતા ઢોરના હુમલાના કારણે પોતાના હાથ કે આંખો ગુમાવી હોવાના કિસ્સા છે. તો ઘણા લોકોએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે રખડતા ઢોરના આતંકને ડામવા વહીવટી તંત્ર દ્વારા કોઇ કડક પગલા લેવામાં આવે તે આવશ્યક બન્યુ છે.

અગાઉ ગુજરાત સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે માલધારી સમાજના ઉગ્ર વિરોધ બાદ આ કાયદાના અમલ પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે આ ઘટના બાદ ફરીથી લોકોમાં રખડતા ઢોરોને કાબુમાં લેવા કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.

(વીથ ઇનપુટ-મનીષ મિસ્ત્રી, મહેસાણા)

Published On - 12:11 pm, Sat, 13 August 22

Next Article