પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય

27 April, 2024

ભારતના તમિલનાડુ રાજ્યના ચેન્નાઈની એક હોસ્પિટલમાં પાકિસ્તાનની એક છોકરીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે.

પાકિસ્તાનની 19 વર્ષની આયેશા રાશિદને દિલ્હીના 69 વર્ષીય ઓર્ગન ડોનરનું હૃદય આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાની યુવતી આયેશા રશીદ અહીં મેડિકલ વિઝા પર આવી હતી અને જાન્યુઆરીમાં એમજીએમ હેલ્થકેરમાં તેનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આયેશા રશીદે કહ્યું કે તે ખૂબ જ સારું અનુભવી રહી છે અને તેને વિઝા આપવા બદલ ભારત સરકારનો આભાર માન્યો. તેણે મેડિકલ ટીમનો પણ આભાર માન્યો છે.

આયેશાની માતા સનોબારે કહ્યું કે જ્યારે તે ચેન્નાઈ પહોંચી ત્યારે તેની પુત્રી ખૂબ જ બીમાર હતી, તેને ઈમરજન્સી વિઝા મળી ગયા અને અહીંના ડોક્ટરોએ તેની પુત્રીનો જીવ બચાવ્યો.

એમજીએમ હેલ્થકેરના ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઈ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડૉ. કે.આર. બાલાકૃષ્ણને જણાવ્યું હતું કે વિઝાની મુશ્કેલીને કારણે આયેશાના પરિવારે સારવાર માટે પૈસા ભેગા કરવા પડ્યા હતા. તેણે થોડા પૈસાની વ્યવસ્થા કરી અને બાકીનો ખર્ચ સંસ્થાએ કર્યો.