
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ બહુમાળી ઈમારત શિવાલીક હાઇટ્સના ચોથા માળે એક ઓફિસમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે શિવાલીક હાઇટ્સના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે જે ઓફિસમાં આગ લાગી હતી તે ઓફિસમાં કાચનો વધુ પડતો વપરાશ હોવાથી આગનો ધૂમાડો બહાર નીકળી શક્યો નહતો. પરિણામે ધૂમાડાને કારણે લોકોને ગુંગળામણ ના થાય તે માટે કેટલાક લોકો દોડીને શિવાલીક હાઇટ્સના ધાબા પર પહોચી ગયા હતા.
શિવાલીક હાઇટ્સમાં આગ લાગ્યાની જાણ થતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોચી ગઈ હતી. શિવાલીક હાઇટ્સના ચોથા માળે આવેલ ઓફિસમાં લાગેલ આગ અંગે ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું કે, બિલ્ડીંગના તમામ લોકોને ધાબે ખસેડવામાં આવ્યા હતા. શિવાલિક હાઈટ્સ બિલ્ડીંગમાં કાચનો વધુ વપરાશ હોવાના કારણે આગને કારણે થયેલ ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો. આથી કેટલાક લોકોને ધાબા ઉપર મોકલવામાં આવ્યા હતા. ધુમાડાના કારણે ગૂંગળામણ થવાની સમસ્યા પણ સામે આવી હતી.
જો કે, આગને કારણે હાલમાં એક પણ વ્યક્તિને ઇજા થયાના કોઈ સમાચાર સામે આવ્યા નથી. બિલ્ડીગના ધાબા પર ચડેલા 100થી વધુ લોકોને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. આગ ઉપર સંપૂર્ણ કાબુ કરી લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આજે આગનો આ બીજો બનાવ બન્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉનાળાની ઋતુમાં આગના બનાવો ખૂબ જ વધી જતા હોય છે. ખાસ કરીને કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં આગના બનાવો વધુ બનતા હોવાનુ સામે આવ્યું છે.