
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદના SG હાઈવે નજીક આવેલા એક પીજીમાં આગ લાગવાની ઘટના બની છે. SG હાઈવે નજીક આવેલા સીવી સ્ટ્રેટા PGમાં આગ લાગતા 3 યુવકો દાઝ્યા છે. જો કે ત્રણ ઈજાગ્રસ્તને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર PGમાં લીથેનિયમ બેટરી ઉપર સર્ચ કરતાં વિદ્યાર્થીઓ દાઝ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના SG હાઈવે પર આવેલા એક PGમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં PGમાં રહેતા ત્રણ યુવાન દાઝ્યા છે. જેઓ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે, તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે PGમાં રહેતા વિદ્યાર્થીઓ દ્વારા લિથિયમ બેટરી પર ચાલી રહેલા એક શૈક્ષણિક રિસર્ચ પ્રોજેક્ટ દરમિયાન આ ઘટના બની હતી. ત્રણેય વિદ્યાર્થીઓ તેમના અભ્યાસના ભાગરૂપે લિથિયમ બેટરીનો ઉપયોગ કરીને તેના પર કોઈ પ્રાયોગિક કામગીરી કરી રહ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન, અચાનક જ લિથિયમ બેટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના પરિણામે તત્કાળ જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બેટરી બ્લાસ્ટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે આગ માત્ર બેટરી પૂરતી સીમિત ન રહેતા, તે રૂમમાં પણ ઝડપથી પ્રસરી ગઈ હતી, જેના કારણે PGના રૂમને પણ નુકસાન થયું હતું.
આગ લાગવાને કારણે અને બ્લાસ્ટની અસરથી ત્રણેય યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને PGના અન્ય રહેવાસીઓ દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવા સાથે સમયસર હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ ત્રણેય યુવાનોની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે અને તેમની સારવાર સતત ચાલી રહી છે.
દુર્ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગની ટીમ તુરંત ઘટનાસ્થળે ધસી આવી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.