
અમદાવાદમાં 21 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ યોજાવાનો છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ 21 નવેમ્બરે બપોરે 3 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક પ્રતિબંધ લાગુ રહેશે.
‘જનપથ ટી’ થી ‘મોટેરા સ્ટેડિયમ’ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી અને મોટેરા ગામ ટી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
વાહનચાલકોની સુવિધા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનચાલકો તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત સર્કલ અને જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા તરફ જઈ શકશે. આ ઉપરાંત, કૃપા રેસીડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ-કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફનો વૈકલ્પિક માર્ગ પણ ખુલ્લો રહેશે.
કોન્સર્ટ સાથે સંકળાયેલા વાહનો, સરકારી વાહનો, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સને આ પ્રતિબંધમાંથી રાહત આપવામાં આવી છે. સ્થાનિક રહીશોને પણ અવરજવર માટે છૂટ રહેશે. ટ્રાફિક જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે, કોન્સર્ટ દરમિયાન કોઈને તકલીફ ન પડે તે માટે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કોન્સર્ટમાં લગભગ 90 હજાર જેટલા લોકો હાજર રહેવાની શક્યતા છે.
આની સામે પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, 85 હજાર જેટલા દર્શકોની એન્ટ્રી માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે વિગતવાર માહિતી આપી હતી.
સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સ્ટેડિયમમાં CCTV કેમેરા દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવશે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને SOG સહિતની વિશેષ ટીમો પણ સતત એલર્ટ રહેશે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 3 SRPની ટુકડી પણ તૈનાત કરવામાં આવશે અને પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં પણ સ્ટેડિયમ તથા આસપાસના વિસ્તારમાં તૈનાત રહીને સ્થિતિ પર નજર રાખશે.