Devbhumi Dwarka: હોળી-ધુળેટીના (Holi-Dhuleti)તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ(Pilgrim) અને દર્શનાર્થીઓ (Visitors) દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે. હોળી-ધુળેટી દરમ્યાન રજાઓ હોવાથી બહોળી સંખ્યામાં દર્શાનાર્થીઓ એકઠા થવાની સંભાવના છે. ત્યારે આ તહેવાર દરમ્યાન સુહેલ શાંતિનો ભંગ ન થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ પણ વ્યકિત પર ઈચ્છા વિરુદ્ધ રંગ છાટવા કે કોઈની લાગણી દુભાઈ તેવા શબ્દો કે સુત્રો પોકારવા પર દેવભૂમિ દ્વારકાના નિવાસી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એમ.જાનીએ તેમને મળેલ સત્તાની રૂએ કેટલાક પ્રતિબંધો ફરમાવતું એક જાહેરનામું (Notification)પ્રસિધ્ધ કરેલ છે.
આ જાહેરનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન એટલે કે, તારીખ ૧૭મી માર્ચ થી ૧૮મી માર્ચ – ૨૦૨૨ના ૨૪-૦૦ કલાક સુધી કોઈની ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો નહીં અને કોઈની લાગણી દુભાઈ તેવા શબ્દો અને સુત્રો પોકારવા નહીં કે બોલવા નહીં, પત્રિકા, પ્લેકાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ અથવા વસ્તુઓ તૈયાર કે ફેલાવો નહીં કરવા માટે જણાવાયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
ચરકલા રોડ પર હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું
હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આ દરમ્યાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ તેમને મળેલ સત્તાનું રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ જાહેરનામાં અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ ૧૦મી માર્ચ થી ૧૮મી માર્ચ – ૨૦૨૨ સુધી તમામ પ્રકારના ભારે વાહનોને લીંબડી-ગુરગઢ-દ્વારકા રોડ ઉપરથી પસાર થવાની મનાઈ ફરમાવેલ છે. આ તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે વાયા ભાટીયાં-કુરંગા-દ્વારકા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું ઈમરજન્સી વાહનોને તથા પોલીસ અધિક્ષક – દેવભૂમિ દ્વારકા દ્વારા મંજુરી અપાયેલ ભારે વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
હોળી-ધૂળેટીના તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં કેટલાક રસ્તાઓ વન-વે પોઈન્ટ જાહેર કરાયા
હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફીકજામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ તેમને મળેલ સત્તાની રૂએ કેટલાક “વન-વે પોઈન્ટ” જાહેર કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામા અંતર્ગત તા.૧૫-૦૩-૨૦૨૨ના સવારના ૬-૦૦ કલાકથી તા.૨૦-૦૩-૨૦૨૨ના રાત્રીના ૧૨-૦૦ કલાક સુધી દ્વારકા શહેરમાં જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને વન-વે પોઈન્ટ તથા જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને પ્રવેશબંધી માત્ર EXIT એટલે કે, વન-વે ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષા પાત્ર થશે.
જિલ્લાના કેટલાક રસ્તાઓ પર ૪૦ કી.મી.થી વધુ ગતિ મર્યાદામાં વાહન ચલાવવા પર પ્રતિબંધ
હોળી-ધુળેટીના તહેવાર દરમ્યાન ગુજરાત રાજ્યમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવતા હોય છે. આ પદયાત્રીઓ દિવસ-રાત દરમ્યાન ચાલીને જતા હોવાથી રસ્તા પર સતત ટ્રાફિક રહે છે. આ સંજોગોમાં કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકાના જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ તેમને મળેલ સત્તાની રૂએ ગતિમર્યાદામાં વાહન ચલાવવા અંગેનું એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ જાહેરનામાં અંતર્ગત રસ્તાઓ ઉપર પસાર થતા વાહનોના કારણે કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હદ શરૂ થાય ત્યાંથી ખંભાળીયા-લીંબડી-ભાટીયા-કુરંગા-દ્વારકાનો રૂટ, લીંબડી-રાણ-ગુરગઢ-દ્વારકાનો રૂટ, દ્વારકા-મીઠાપુર-ઓખાનો રૂટ, દ્વારકા-નાગેશ્વર-ઓખાનો રૂટ, ભાટીયા-હર્ષદ માતાજી(ગાંધ્વી)નો રૂટ, હર્ષદ માતાજી(ગાંધ્વી)-કુરંગા-દ્વારકા રૂટ પર પસાર થતા વાહન ચાલકોએ તા. ૧૮-૦૩-૨૦૨૨ સુધી તેમનું વાહન ૪૦ કિ.મી.પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી તેમજ દ્વારકા શહેરમાં ૨૦ કિ.મી.પ્રતિ કલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામું પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકા દ્વારા પરવાનગી અપાયેલ વાહનો, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
હોળીના તહેવાર પર દ્વારકા શહેરમાં પાર્કીંગ ઝોન અને નો-પાર્કીંગ ઝોન જાહેર
હોળી – ધુળેટીના તહેવાર દરમ્યાન દ્વારકા શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા, ગેરવ્યવસ્થા અટકાવવા તથા દ્વારકા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓની સલામતીને ધ્યાને રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.એ.પંડ્યાએ તેમને મળેલ સત્તાની રૂએ દ્વારકા શહેરમાં પાર્કિગ-ઝોન અને નો-પાર્કિંગ ઝોન જાહેર કરતું એક જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
આ જાહેરનામા અન્વયે દ્વારકા શહેરમાં તા.૧૫-૦૩-૨૦૨૨ થી તા.૨૦-૦૩-૨૦૨૨ સુધી પૂર્વ દરવાજાથી જોધાભા માણેક અને ભથાણ ચોક, ત્રણબત્તી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા અને ભદ્રકાલી રોડ સુધી, હોમગાર્ડ ચોકથી ત્રણબત્તી ચોક અને શાક માર્કેટ ચોક સુધીના ૫૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર તથા જોધાભા માણેક ચોકથી શિવરાજપુર રોડ ઈસ્કોન ગેઈટ અને એસ.ટી.ડેપોના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર તેમજ, કીર્તિસ્તંભ, સુદામા ચોક અને ભથાણ ચોકની આજુ-બાજુના ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારને નો-પાર્કીંગ ઝોન તથા હાથીગેટ, સર્કીટ હાઉસ પાછળનું ખુલ્લું મેદાન, શારદાપીઠ કોલેજનું મેદાન, રાજપુત સમાજ વાડી સામે ગોમતી ઘાટનું મેદાન અને સ્વામિનારાયણ મંદીરનું ગ્રાઉન્ડને પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષા પાત્ર થશે.
આ પણ વાંચો : સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવાન બન્યો હિટ એન્ડ રનનો ભોગ, મૃતક યુવકના 12 જૂને હતા લગ્ન
આ પણ વાંચો : Surat: વરાછામા એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો
Published On - 6:39 pm, Sat, 12 March 22