આઈશ્રી સોનલની સમગ્ર રાજ્યમાં બુધવારના રોજ હરખભેર “સોનલ બીજ”ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ આ નિમિત્તે લોકડાયરાનું આયોજન થયું. સોનલ માતાજીના 101 મી જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકારોએ ભજનની રમઝટ બોલાવી અને મોટી સંખ્યામાં લોકોએ ભજનનું રસપાન કર્યુ હતુ. એટલું જ નહીં આ લોકડાયરામાં ભાવિકોએ રૂપિયાનો અને ડોલરનો જાણે વરસાદ કરી દીધો હતો. કલાકારો પર જાણે રૂપિયાનો વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. આઈશ્રી સોનલે ચારણોના ઉત્થાનમાં તેમનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે અનેક બદીઓ દૂર કરાવી. લોક કલ્યાણના કામ કર્યા. એ જ કારણ છે કે આજે પણ ભાવિકોના હૃદયમાં અદકેરું સ્થાન ધરાવે છે.
ગઢવી ચારણોના માતાજી આઈ શ્રી સોનલ સંવત 1980ની પોષ સુદ બીજની તિથિએ જુનાગઢના મઢડામાં પ્રાગટ્ય થયુ હતુ. બીજ ની તિથિએ પ્રાગટ્ય હોવાથી પોષ સુદ બીજ સોનલ બીજ તરીતે પ્રસિદ્ધ છે. આઈ શ્રીએ તેમના જીવન દરમિયાન લોકજાગૃતિના અનેક કામ કર્યા. તેમણે વ્યસન મુક્તિ માટે અભિયાન છેડી લોકોને નિર્વ્યસની જીવનની પ્રેરણા આપી. લોકોને અંધશ્રદ્ધા, ભૂવા-ભરાડીૂમાં ન પડવા માટે હાકલ કરી. કન્યા વિક્રય અને વરવિક્રય જેવી કુપ્રથાઓને આઈ શ્રીએ અટકાવી હતી.
આઈ શ્રી સોનલે ચારણ સમાજને એક કરવા માટે અભિયાન છેડ્યુ હતુ. લોકોને શિક્ષણ અંગે જાગૃત કરવા ગામે ગામ પ્રવાસ કર્યો. ચારણ વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો શરૂ કરાવ્યા. લોક કલ્યાણની આઈશ્રી સોનલની યાત્રા અઢારે વર્ણ સુધી વિસ્તરી હતી. 100 વર્ષ પહેલા જેમનો જન્મ થયો અને ફક્ત 51 વર્ષના આયુષ્યમાં સમાજમાં ચાલતી અંધશ્રદ્ધા દૂર કરવા અને સામાજીક વિકાસ માટે અનેક સંદેશાથી સાચી રાહ ચીંધી રુઢી ચુસ્તતા છોડાવી સમાજને કન્યા કેળવણી તરફ લઈ જઈ અઢારે કોમને શિક્ષિત બનવા પ્રેરનાર સોનલ આઈ મઢડા ખાતે બિરાજમાન છે. જુનાગઢના કેશોદના મઢડા ખાતે આવેલું સોનલ આઇ શ્રીનું મંદિર લોકોની આસ્થા વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે.
100 વર્ષ પહેલા મઢડાના હમીર મોડ અને રાણીબાઈના ઘરે જન્મેલા સોનલ આઈ બાળપણથી જ સેવાભાવિ સ્વભાવના હતા. 51 વર્ષની તેમની આયુમાં તેઓ ચારણ સમાજને અનેરો સંદેશો આપી ગયા. સોનલ આઈ ચારણ સમાજના દેવી છે. તેમની પછી આવેલા બનુમા આઈ શ્રી થયા અને હવે કંચન આઈ શ્રી ગાદી પર બિરાજમાન છે. સોનલ આઈનું જીવન એક પરચા સમાન રહ્યુ છે અને આઈ ના પરચા સમાજમાં ક્રાંતિ લાવ્યા છે. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અનેક માનતાઓ લઈને સોનલ આઈના દર્શને આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. આજે પણ સોનલ ધામમાં રોજના 5 થી 10 હજાર ભાવિકો સોનલ આઈના શરણે આવે છે. શનિ-રવિની રજામાં 20 થી 25 હજાર દર્શનાર્થીઓ સોનલ આઈના દર્શને આવે છે. સોનલ આઈએ સમાજમાં પડેલી બદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ દૂર કરી સમાજને શિક્ષણ તરફ પ્રેર્યો. આથી જ આજના યુવાનો અને બાળકો પણ સોનલ આઈના દુહા દિલથી લલકારે છે. તેમના જન્મ દિન પોષ સુદ બીજના દિવસે લાખો ભાવિકો આઈના દર્શને પહોંચે છે. તેમના ભક્તો વિશ્વભરમાં ફેલાયા છે અને સોનલઆઈ શ્રીના 400 થી વધુ મંદિરો બનાવ્યા છે. સમાજ માટે જીવવાની રાહ ચીંધનારા સોનલ આઈના જન્મોત્સવને સનાતન ધર્મ સાથે જોડી ખાસ બનાવવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો