ડાંગ (Dang) ના સાપુતારા (Saputara) નજીક સુરતની પ્રવાસી બસને શનિવારે રાત્રે નડેલા અકસ્માતમાં તત્કાલ બચાવ અને રાહત કાર્યો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) જિલ્લા કલેક્ટરને સ્થળ પર પહોંચી જરૂરી વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી ભૂપેન્દ્ર પટેલે રવિવારે વહેલી સવારે પણ ડાંગ કેલેકટર સાથે વાતચીત કરીને ઇજાગ્રસ્તોની સ્થિતિની વિગતવાર જાણકારી મેળવી છે.
ગઇ કાલે રાતે આ અકસ્માતની ઘટના થઇ ત્યારથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અકસ્માત સંદર્ભમાં જિલ્લા તંત્રના સતત સંપર્કમાં હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, પોલીસ, આરોગ્ય, 108 અને ડાંગના સેવાભાવી યુવાનોએ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર અને સાપુતારા, આહવા હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી કરી હતી તેનું માર્ગદર્શન મોડી રાત સુધી કરતા રહ્યા હતા.
તેમણે આ અકસ્માતના ઇજાગ્રસ્તોને સારવાર અને મળવાપાત્ર જરૂરી તમામ મદદ કરવા માટે પણ જિલ્લા કલેકટરને સુચનાઓ આપી છે. મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં જે બે મહિલા પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.
ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલ સુરતની ખાનગી બસ સાપુતારા ખીણમાં પડતા સંપર્ક તૂટયો છે. જેમાં સુરતના 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ સાપુતારા માલેગાંવ ખીણમાં ખાબકી હોવાની માહિતી માર્ગમકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીએ વોટ્સએપ વોઇસ મેસેજ મારફત આપી છે. તેમજ મંત્રી પૂર્ણેશ મોદીએ સાપુતારા નજીકના તમામ કાર્યકરોને મુસાફરોની મદદે પહોંચવા વોટ્સએપ વોઇસ સંદેશ મારફત વિનંતી કરી છે.જો કે અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરી માટે સક્રિય થયું છે. તેમજ લોકોને બચાવીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનાના બે મહિલાના મોત થયા છે. જેમના નામ 1) રેશ્માબેન પ્રતાપભાઈ વાઘેલા 2) સોનલબેન સ્નેહલ દાવડા છે.
સાપુતારા નજીક ખીણમાં ખાબકેલી બસના તમામ મુસાફરો સુરતના છે. સુરતના અડાજણ સ્થિત હનીપાર્ક રોડના તમામ મુસાફરો છે. સાપુતારા પ્રવાસ માટે બસ ઉપાડી હતી. જેમાં ઉધના વિસ્તારમાં આવેલ નિકુંજ ટ્રાવેલન્સની બસ હતી. તેમજ પાંચ જેટલી બસ એકસાથે સાપુતારાના પ્રવાસ અર્થે ગઈ હતી. જ્યારે પ્રવાસથી પરત ફરતી વેળાએ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા નજીકના સી.એચ.સી સામગહાન ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગંભીર ઈજાગ્રસ્તોને આહવા સિવિલમાં રીફર કરાયા છે. જેમાં ઘણી મહિલાઓને નાની મોટી ઇજા થઈ છે.