Dahod: રાજા મહારાજાના શાસનથી ચાલી આવતી સ્વયંવરની પ્રથા જેને આદિવાસી સમાજ દ્વારા “ગોળ ગધેડા” ના નામથી આજે પણ જીવંત રાખી રહ્યા છે. જે મેળો ગોળ ગધેડાનો મેળાના ( Gol Gadheda Melo ) નામથી આજે પણ યોજાય છે. (HOLI) હોળીના તહેવાર બાદ છઠ્ઠા દિવસે અહીંના સ્થાનિક આદિવાસીઓ (Tribal) આ પરંપરાને ઉજવે છે.
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે, ધાનપુર ગામે એમ અનેક તાલુકામાં આ ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે. અને આ મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ મેળાને જોવા દાહોદ જિલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોના મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ અન્ય જિલ્લાના લોકો આવે છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પ્રાચિનકાળના સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં વિશ્વ પ્રસિદ્ધ દાહોદ જિલ્લામાં નો જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો ગુજરાત સહિત દેશમાં આગવી ઓળખ છે. પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવા માટે યોજવામાં આવે છે.
ગોળ ગધેડાનો આ મેળો વિશ્વ પ્રસિદ્ધ પામેલો મેળો ગણાય છે. મેળામાં સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં ખાડો ખોદી ઉભુ કરવામાં આવે છે. આશરે 25 થી 30 ફૂટ ઉંચા થડની ટોચે ગોળની પોટલી બાંધવામાં આવે છે. આ ઝાડના થડની આજુબાજુ આદિવાસી સમાજની કુંવારી કન્યાઓ સાંસ્કૃતિક લોકગીતો ગાતા ગાતા ઢોલના તાલે નાચ ગાન કરે છે. અને હાથમાં લીલી નેતરની સોટી લઈ ગોળ ગોળ ફરતી રહે કે કોઈ યુવક આ પોટલી લેવા ઉપર ન ચઢે અને જે યુવક પોટલી લેવા ચઢે તેને સોટીઓ વડે માર મારી નીચે પાડવાની કોશિશ કરાય છે. થડની આસપાસ ગોળગોળ ફરતી યુવતીઓ આ યુવાનોને સોટીથી મારી ઉપર ચઢતા રોકતી હોય છે.
કહેવાય છે કે, જે યુવાન ઉપર ચઢવામાં સફળ રહે તે યુવાન નીચે ધુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન થતા હતા. પણ હવે આજના આધુનિક યુગમાં ધીમે ધીમે આ પ્રથામાં બદલવામાં આવી છે. હવે આ પ્રથા માત્ર બોલવા અને સાંભળવા જેટલીજ રહી ગઈ છે. અને માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે.તેમ છતાં મેળો પોતાનું આગવું મહત્વ જાળવી રાખવામાં આજે પણ યથાવત છે. મેળામાં આજે પણ જુની જે પ્રથા ચાલતી હતી. તેને આદિવાસી સમાજ દ્વારા જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મેળામાં આદિવાસી સમાજની આગવી ઓળખ એવા પોતાનો પહેરવેશ સાથે ઢોલ નગારા વગેરે વાંજિત્રો સાથે મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને મેળાનો આનંદ માણતા હોય છે.
આ પણ વાંચો : અમુલ ડેરીમાં મિલ્ક ડેની ઉજવણીઃ ડેરીના પૂર્વ ડિરેક્ટરના વિચારનો તાલુકા મથકોએ અમલ કરાશે
આ પણ વાંચો : Surat : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે મનપામાં મિટિંગ યોજાઈ