લો બોલો સાવજનો દાંવ થઈ ગયો, અચાનક ગાયને જોઈ ઉભી પૂંછડીએ ભાગ્યા વનરાજ- Video
જૂનાગઢમાં સિંહ અને ગાય વચ્ચેની અણધારી અથડામણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહોને જોઈ ગાય ચોંકી ગઈ અને અચાનક હુમલો કર્યો, જેના કારણે એક સિંહ પુંછડી ઊંચી કરીને ભાગતો નજરે પડ્યો. સમગ્ર ઘટના સ્થાનિક કારચાલકે કેમેરામાં કેદ કરી હતી.
જુનાગઢ જિલ્લામાં વન્યજીવન અને માનવ વસાહત વચ્ચેની નજીકતાનો એક વધુ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે સિંહને જોતા જ ગાયો અને અન્ય પશુઓ જીવ બચાવવા ભાગતા હોય છે, પરંતુ અહીં દ્રશ્યો સાવ ઉલટા જ જોવા મળ્યા હતા. ઘટનાની વિગતો મુજબ, બે ડાલામથ્થા સિંહ શિકારની શોધમાં ગામની સીમમાં ઘૂસી આવ્યા હતા. રસ્તામાં એક ગાય સામે મળતા સિંહે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાય ડરવાને બદલે સિંહ સામે વળતો પ્રહાર કરવા ત્રાટકી હતી. ગાયે પોતાના શિંગડા ઉગામીને સિંહને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતા જંગલનો રાજા પણ ચોંકી ગયો હતો.
ગાયના આ આક્રમક તેવર જોઈને સિંહે ત્યાંથી ભાગવામાં જ પોતાની ભલાઈ સમજી હતી અને તે ઉભી પૂંછડીએ ભાગતો કેમેરામાં કેદ થયો હતો. આ સમગ્ર ઘટનાને ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કંડારી લીધી હતી. આ વીડિયો દર્શાવે છે કે જ્યારે અબોલ પશુ પોતાના અસ્તિત્વ માટે લડે છે, ત્યારે તે વનરાજને પણ હંફાવી શકે છે.