મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિકાસની દિશામાં મહત્વનો નિર્ણય લીધો છે.ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સિટી લિડર્સ કોન્કલેવની શરુઆત થઇ છે. જેમાં વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નગરોમાં 15માં નાણાપંચની ગ્રાન્ટ થકી વિકાસ કામોમાં ગતિ લાવવાનો પ્રયાસ કરાશે. રાજ્યની નગરપાલિકા સમિતિઓને નાણાકીય સત્તા સોંપવાનો સરકારનો નિર્ણય છે.
‘અ’ વર્ગની નગરપાલિકા સમિતિને 50 લાખ રુપિયા સુધીની નાણાંકીય સત્તાનો નિર્ણય લેવાયો છે. તો ‘બ’ વર્ગની સમિતિને 40 લાખ, ‘ક’ વર્ગની સમિતિને ૩૦ લાખ સુધીની સત્તા રહેશે. ‘ડ’ વર્ગની સમિતિને ૨૦ લાખ સુધીની નાણાકીય સત્તા મળશે. સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક વિકાસ કામોમાં ગતિ લાવવાનો સરકારનો હેતુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની દરેક નગરપાલિકાઓ એક ટાઉનપ્લાનિંગ સ્કીમ બનાવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યની નાની-મોટી નગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસકામો માટે વધારાના નાણાં આયોજિત કરવા સાથે નગર સુખાકારી અને જનસુવિધા વૃદ્ધિના કામો હાથ ધરી શકે તે માટે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ આયોજિત સિટી લીડર્સ કોન્ક્લેવમાં આ જાહેરાત કરી હતી.રાજ્યની બ, ક અ ડ વર્ગની નગરપાલિકાઓના પ્રમુખો, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષો અને ચીફ ઓફિસર્સની આ કોન્ક્લેવમાં નગરોમાં સ્વચ્છતા-સફાઈ, પાણી-વીજળી-ગટર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે થયેલી કામગીરી અને બેસ્ટ પ્રેક્ટિસિસનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
આ કોન્ક્લેવમાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિથી જનતા જનાર્દનનો વિશ્વાસ સંપાદિત કર્યો છે.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી નગરપાલિકાઓ પણ વિકાસકામોની તેજ રફતારથી એ ભરોસા-વિશ્વાસને વધુ આગળ ધપાવે તેવું આહવાન તેમણે કર્યું હતું.
શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના સચિવ રાકેશ શંકરે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત થયેલી કામગીરીનો ચિતાર આપતા કહ્યું હતું કે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૧.૫૭ લાખ આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી ) એવોર્ડ અંતર્ગત વર્ષ-૨૦૨૨-૨૩માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૭ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે તેમ પણ સચિવે ઉમેર્યું હતું.\
આ પણ વાંચો : Bhavnagar: એપીએમસીની ચૂંટણી યોજવા માટે ખેડૂતો-વેપારીઓની માંગ, છેલ્લા 10 વર્ષથી છે વહીવટદારનું શાસન
સચિવ રાકેશ શંકરે અફોર્ડબલ હાઉસિંગ અને ઘન કચરાના નિકાલના વ્યવસ્થાપન સંદર્ભે વધુ માહિતી આપી હતી. મ્યુનિસિપાલિટી એડમીનિસ્ટ્રેશનના કમિશનર રાજકુમાર બેનિવાલે રાજયની ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અંગે હાલની પરિસ્થિતિનું વિશ્લેષણ દર્શાવતું પ્રેઝન્ટેશન રજૂ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
Published On - 3:16 pm, Thu, 19 January 23