Bhavnagar: એપીએમસીની ચૂંટણી યોજવા માટે ખેડૂતો-વેપારીઓની માંગ, છેલ્લા 10 વર્ષથી છે વહીવટદારનું શાસન
ભાવનગર માર્કેટ યાર્ડમાં ઘોઘાનું માર્કેટ યાર્ડ ભેળવવાના પગલે ચૂંટાયેલા બોર્ડને રદ્દ કરીને સરકારે હસ્તક્ષેપ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે પસંદ કરેલી બોડી સામે પૂર્વ ચેરમેને હાઈકોર્ટમાં અરજી કરી હતી આથી તે સમયે જે-તે સમયે તે બોડીને પણ વિખેરી દેવામાં આવી હતી ત્યારથી માંડીને અત્યાર સુધી અહીં કોઈ ચૂંટણી થઈ નથી.
ભાવનગર માર્કેટ યાર્ડમાં વર્ષ 2013થી ચૂંટણી યોજાઈ નથી. માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી ન થવાને કારણે લાંબા સમયથી વહીવટદારનું શાસન હોવાથી વેપારી, ખેડૂતો અને દલાલોની સમસ્યાઓનું નિરાકરણ તાકીદે આવતું નથી. ભાવનગરના રાજકીય આગેવાનોની નિષ્ક્રિયતા ગણો કે યાર્ડનું આંતરિક રાજકારણ, આ પરિબળોને કારણે લાંબા સમયથી ખેડૂતોનું અહિત થઈ રહ્યું છે. ચૂંટણી ન થતા ભાવનગર માર્કેટ યાર્ડનો જાણે વિકાસ રૂંધાયો હોય તેમ ખેડૂતો અને વેપારીઓ માટે ઠેર ઠેર સમસ્યા સર્જાઈ છે. પ્રાથમિક સુવિધાઓનો તો અભાવ છે જ પરંતુ ખેડૂતોના માલની સુરક્ષા માટે અહીં સીસીટીવીની સુવિધા પણ નથી.
એપીએમસીમાં પ્રાથમિક સમસ્યાઓ નથી ઉકેલાઈ
ભાવનગર જિલ્લાના ખેડૂતો યાર્ડમાં પોતાની જણસી વેચવા આવે ત્યારે સીસીટીવી ન હોવાથી માલ ચોરાઈ જવાની શક્યતા રહે છે. તો બીજી તરપ સ્વચ્છતાનો પણ અભાવ છે અને પીવાના પાણીની પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. આ બધાની સાથે સાથે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય નાણા ન મળતા તેઓને યોગ્ય ભાવ ન મળવાની ફરિયાદ લાંબા સમયથી રહે છે. ખેડૂતો માટે ઠંડીમાં રહેવાની પણ કોઈ વ્યવસ્થા નથી. માર્કેટયાર્ડમાં નવી સુવિધાઓ કે વિકાસના કાર્યો પણ લાંબા સમયથી અટવાઈ ગયા છે તેને પરિણામે સૌ પક્ષકારો તાકીદે ચૂંટણી યોજવાની માગ કરી રહ્યાં છે. ત્યારે આ માંગણીને પગલે આગામી માર્ચ કે એપ્રિલમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાય તેવી હિલચાલ જોવા મળી રહી છે.
ભાવનગર માર્કેટ યાર્ડમાં ઘોઘાનું માર્કેટ યાર્ડ ભેળવવાના પગલે ચૂંટાયેલા બોર્ડને રદ્દ કરીને સરકારે હસ્તક્ષેપ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે પસંદ કરેલી બોડી સામે પૂર્વ ચેરમેને હાઈકોર્ટમાં અરજી કરી હતી આથી તે સમયે જે-તે સમયે તે બોડીને પણ વિખેરી દેવામાં આવી હતી ત્યારથી માંડીને અત્યાર સુધી અહીં કોઈ ચૂંટણી થઈ નથી. અને વિવિધ સમસ્યાનો પણ ઉકેલ આવ્યો નથી.