સુરત જિલ્લાના ગ્રામીણ (Rural Area) વિસ્તારમાં કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેર ચરમસીમાએ પહોંચી ગઇ છે, ત્યારે સુરત જિલ્લા આરોગ્ય તંત્ર પાસે કોરોનાની મહામારી સામે લડવા માટે કોઈ જ યોગ્ય આયોજન નથી. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાની(Corona) સામે લડવા ચાર મહિના પહેલા જ લેબોરેટરી(Laboratory) શરૂ કરવાની જાહેરાત પોકળ પુરવાર થઇ હોય તેવું લાગી રહ્યું છે.
સુરત શહેરની જેમ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, છતાં પણ રેપિડ ટેસ્ટ કે RTPCR ટેસ્ટ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે કોરોના સામેની લડાઇ માટે ચાર મહિના પહેલા માંડવી અને બારડોલી ખાતે RTPCR ટેસ્ટ લેબોરેટરી ઊભી કરવાનું નક્કી કર્યું હતું ,પરંતુ હજુ સુધી લેબ ના ઠેકાણા નથી જે ખૂબ જ ગંભીર બાબત છે.
સુરત જિલ્લાની 30 લાખથી વધુ વસ્તી છે. કોરોના સંક્રમણ વધતું જાય છે તેમ તેમ ટેસ્ટની સંખ્યામાં પણ વધારો થવો જોઈએ પરંતુ સુરત જિલ્લામાં ટેસ્ટિંગ માટેની કોઈ લેબ ન હોવાને કારણે માત્રને માત્ર સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે. જેને કારણે ટેસ્ટિંગ પણ વસતિના પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ રહ્યા છે બીજી તરફ સુરત જિલ્લા આરોગ્ય તંત્રમાં માણસોની અછતના પગલે અને આરોગ્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ જ્યારે સંક્રમિત થાય છે ત્યારે જિલ્લાની સરકારી હોસ્પિટલો જાણે લકવાગ્રસ્ત બની જાય છે અને કોરોનાની મહામારી સામે લડવુ નબળું પુરવાર થઇ રહ્યુ છે. વારંવાર વહીવટી તંત્રથી લઈ મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં આજદિન સુધી સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય તંત્રમાં ખાલી પડેલ જગ્યા ભરવામાં આવી નથી.
જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના માજી નેતાએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોરોના સામેની લડાઈ કાગળ પર લડવાને બદલે ફિઝિકલી આરોગ્ય વિભાગને મજબૂત કરવા માટે કાયમી ભરતી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવી જોઈએ અને સુરત જિલ્લાની ગ્રામીણ પ્રજાને કોરોના વાયરસની મહામારી સામે બચાવવાના મજબૂત પ્રયાસો કરવા જોઈએ, તેમજ આગોતરું આયોજન કરવામાં નિષ્ફળ ગયેલા સુરત જિલ્લા આરોગ્ય તંત્ર વિભાગએ મેડિકલ સાધનો,સ્ટાફ,24 કલાક આરોગ્ય કેન્દ્ર અને ઓક્સિજન પ્લાન્ટ ચલાવવા માટે કાયમી સ્ટાફની દિશામાં પણ નક્કર આયોજન સાથે આગળ વધવાની જરૂર છે.
કોરોનાની ત્રીજી લહેર અગાઉની જેમ જીવલેણ ના બને તે માટે યોગ્ય આગોતરું આયોજન કરવાની સરકાર તથા વહીવટી તંત્રની છે તથા આ બાબતે વિશાળ લોકહિત ધ્યાને રાખી તત્કાલ નક્કર પગલાં ભરવાની જરૂર છે કે જેથી સુરત જિલ્લાના નાગરિકોને કોરોનાની ત્રીજી લહેર માંથી હેમખેમ બચાવી શકાય.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ