માંઝી ધ માઉન્ટેનમેન ફિલ્મનો એક ડાયલોગ તમને યાદ હશે. જબ તક તોડેંગે નહીં, છોડેંગે નહીં. બસ જ આ જ ડાયલોગ ખુશાલ ભીલ માટે પણ લાગૂ પડે છે. ડુંગરિયાળ ગામના આ વ્યક્તિની કહાની પણ માંઝી જેવી જ છે.. તો ચાલો જાણીએ છોટાઉદેપુરના માંઝી એવા ખુશાલ ભીલની કહાની કે જે પથ્થરમાંથી પાણી કાઢવા મથી રહ્યો છે.
ખુશાલ ભીલે તેના ખેતરમાં પાણી ન આવતા કૂવો ખોદવાનું કામ શરૂ કર્યુ અને તેમણે શરૂઆત કરી ત્યારે પહેલો કૂવો ખોદ્યો તો તેમાં 15 ફુટ બાદ ખડકાળ જમીન નીકળી અને પથ્થરો નીકળતા ત્યાં ખોદવાનુ માંડી વાળ્યુ. આવુ જ અન્ય એક કૂવામાં પણ થયુ હતુ. જો કે ત્યારબાદ હવે તેઓ જે કૂવો ખોદી રહ્યા છે તે અત્યાર સુધીમાં 32 ફુટ ખોદી નાખ્યો છે અને હજુ પણ ખોદી રહ્યા છે.
ખુશાલ ભીલની સાથે તેના આ કામમાં પરિવારજનો પણ જોડાયા છે. છેલ્લા સાત વર્ષથી તેઓ આ તનતોડ મજૂરી કર્યા છે, જેમાં ટાઢ, તડકો કે વરસાદની સામે જોયા વિના મૌસમ કોઈપણ હોય તેમની મહેનત અને ખુશાલ ભીલના જુસ્સાને કોઈ ડગાવી શક્યુ નથી. આજે પણ તેમનું કૂવા માટેનું ખોદકામ શરૂ જ છે. જો કે તેમને જ્યારે પૂછવામાં આવ્યુ કે પાણી નહીં નીકળે તો શું કરશો. ત્યારે તેમના જવાબમાં હકારાત્મક્તાની પરાકાષ્ઠા જોવા મળી.
ખુશાલ ભીલ જણાવે છે કે જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી મહેનત કરતા રહીશુ અને તેમ છતા જો પાણી નહીં મળે તો આ કૂવાને નાનુ તળાવ બનાવી દઈશુ અને તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી તેને ઉપયોગમાં લઈશુ.
આ પણ વાંચો: Video: છોટાઉદેપુરમાં તલાટીની અનિયમિતતાથી કંટાળી ગામ લોકોએ પંચાયત કચેરીને કરી તાળાબંધી
આ પરિવારે અત્યાર સુધીમાં 32 ફુટ જેટલુ ખોદકામ કરી નાખ્યુ છે અને હજુ મહેનત શરૂ જ છે. જો કે અહીં સવાલ એ પણ છે કે છેવાડાના ગામના વિકાસની ભલે વાતો થતી હોય પણ સ્થિતિ એવી છે કે અંતરિયાળ ગામના લોકોને જાતે જ પોતાના વિકાસનો રસ્તો શોધવો પડી રહ્યો છે. આશા રાખીએ કે ખુશાલ ભીલ અને તેની પત્નીની મહેનત રંગ લાવે અને કુવામાં જલ્દી જ પાણી આવે. જેનાથી ન માત્ર ખુશાલ, પણ સમગ્ર ગામ ખુશખુશાલ થાય.
ઈનપુટ ક્રેડિટ- મકબુલ મન્સુરી-છોટાઉદેપુર