છોટાઉદેપુર (Chhotaudepur) ના બોડેલી (Bodeli) બે કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ (Rain) વરસી જતાં નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા વરસાદી પાણી ભરાઈ ગયાં છે. રજા નગર, દીવાન ફળિયામાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘુસી ગયાં છે. છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં પહેલી વખત ચોમાસાની સિઝનનો ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના પગલે ચાતક નજરે વરસાદની રાહ જોતા ખેડૂતો માં અનેરી ખુશી છે. જોકે શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાંતા મુશ્કેલી પડી રહી છે. સંખેડામાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં પંથકની શેરીઓમાં વરસાદી પાણી ભરાયાં છે. સંખેડામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે રસ્તા પર પાણી ભરાયાં છે. સંખેડામાં ધોધમાર વરસાદને લીધે કુમાર છાત્રાલયમાં પાણી ભરાયાં છે. છાત્રાલયમાં પાણી ભરાઈ જતાં છાત્રાલયના 33 બાળકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરાયાં છે. આ બાળકો માટે ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સંખેડામાં મોડી સાંજે સાડા ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 દિવસ થી પડી રહેલા વરસાદને લઇ છોટાઉદેપુર અને પંચમહાલ બોર્ડર પર આવેલ જાંબુઘોડા પાસેના જાણીતા ઝંડ હનુમાન મંદિર જવાનો રસ્તો બંધ થયો છે. પહાડી વિસ્તારમાં સતત પડી રહેલ વરસાદને લઈ કોતરોમાં પાણી વહેતાં થતાં રસ્તો બંધ થયો છે. રસ્તો બંધ થતા ઝંડ હનુમાનજીના દર્શને જતાં યાત્રાળુઓ અટવાયા છે. પંચમહાલમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડા પંથકમાં નોંધાયો છે.
નર્મદા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામ નજીક આવેલી દેવ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. દેવ નદી પાસે આવેલ મહારાષ્ટ્રને જોડતા પુલ પરથી પાણી વહી રહ્યું છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે સરકાર તરફથી નર્મદા જિલ્લા માટે SDRF ની એક ટીમ ફાળવવામાં આવેલ છે. તાકીદનાં સંજોગોમાં જરૂરિયાત ઊભી થાય ત્યારે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવાની રહેશે.
ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતા રદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 14190 ક્યુસેકની આવક થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યાં છે. હાલ નર્મદા ડેમની સપાટી 114.25 મીટર છે. અત્યારે મેઇન કેનલમાં માત્ર 5582 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં હાલ 267.53 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.