
ગુજરાતના છેવાડે આવેલો છોટાઉદેપુર જિલ્લો અને તેના અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસ પહોંચ્યો નથી. અહીં ક્વાંટ તાલુકામાં આવેલા તુરખેડા ગામમાંથી વધુ એક પ્રસુતાએ રસ્તાના અભાવે સમયસર સારવાર ન મળી શકવાથી જીવ ગુમાવ્યો છે. જ્યારે નવજાતનો બચાવ થયો છે. તુરખેડા ગામના 24 ફળિયામાં રહેતા આદિવાસી લોકો હજુ પણ જાણે પાષાણ યુગમાં જીવતા હોય તેવી સ્થિતિ છે. લેમેન જેવુ જીવન તેઓ જીવી રહ્યા છે કારણ કે ગુજરાતના મહાનગરોનો આંજી દેતો વિકાસ તો થયો છે પરંતુ તુરખેડા ગામમાં પાયાની કહી શકાય તેવી રોડ રસ્તાની પણ સુવિધા નથી.
આપને જણાવી દઈએ કે તુરખેડા ગામમાં આ પ્રકારે પ્રસુતાનું મોત થવુ એ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ, હજુ ગયા વર્ષે જ આ જ પ્રકારે ગર્ભવતી મહિલાએ જીવ ગુમાવ્યો હતો. બંને ઘટનાઓ સરખી છે. મહિલાને રસ્તાને અભાવે સમયસર સારવાર ન મળી શકી અને તેનું મોત થયુ. એ સમયે ગુજરાત હાઈકોર્ટે પણ એ ઘટના પર સુઓમોટો લીધી હતી. ત્યારે તંત્ર જાગ્યુ હતુ અને જે મહિલાનું મોત થયુ એ ફળિયા સુધી રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ હતી. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું આ પ્રકારે પ્રસુતાઓના મોત થયા પછી જ રસ્તો બનશે. કેમ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી.
ફરીવાર આવીજ દુ:ખદ ઘટના બની છે. મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતાં 5કિમી ખડલા ગામ સુધી ઝોળીમાં લઈ જવાઈ. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા કવાંટ, પછી છોટાઉદેપુર અને આખરે વડોદરા લઈ જવાઈ. પરંતુ પાવી-જેતપુર પાસે બ્રિજ તૂટેલો હોવાથી 150 કિલોમીટરનો ચક્કર લગાવવો પડ્યો. આ લાંબી મુસાફરીમાં સમયનો બગાડ થયો અને મહિલાનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયું.
આ અગાઉ છોટાઉદેપુરથી જ ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ બહુ જ બેજવાબદારી પૂર્વક એવુ નિવેદન કર્યુ હતુ કે આજકાલ ઝોળીમાં લઈ જવાની ફેશન થઈ ગઈ છે. છાશવારે રસ્તાના અભાવે ઝોળીમાં લઈ જવાના એક બાદ એક આવા વીડિયો સામે આવે એટલે માનનીય ધારાસભ્યને લાગી આવે છે. તેમના મતવિસ્તારમાં વિકાસના કામો તો કરતા નથી પરંતુ ગરીબ આદિવાસીઓની નિર્લજજતાથી મજાક ઉડાવે છે. ત્યારે તેમને પ્રસુતિની પીડાની કલ્પના પણ નથી અને એટલે જ સારવારમાં વિલંબ થતા એક જ વર્ષમાં બે-બે પ્રસુતાએ દમ તોડી દીધો છે.એસી ગાડીઓમાં મહાલતા અને મહેલ જેવા બંગલામાં રહેતા રાજેન્દ્ર રાઠવાને જો થોડી પણ આ ગરીબોની પીડાનો અહેસાસ હોત તો આવુ નિવેદન ન કરતા હોત. આ એ જ ગરીબ આદિવાસીઓ છે જેઓ મોટાભાગે રોડરસ્તાના કામો માટે દિહાડી મજુરી કરીને ગુજરાન ચલાવે છે પરંતુ ખુદના ગામમાં જ રસ્તાનો અભાવ છે પરંતુ તેઓ આંદોલન કરીને સરકારને જગાડવા નથી જવાના.
વર્ષોથી માત્ર વોટબેંક સમજતા સત્તાધિશોને આ આદિવાસીઓની જરૂરિયાતો કેમ નથી દેખાતી? કેમ આ લોકોને પાયાની સુવિધા આપવામાં સરકારનું તંત્ર ઉણુ ઉતરે છે? ક્યા સુધી છોટાઉદેપુરના એ નવજાત શિશુએ જન્મતાવેંત માતાને ગુમાવવી પડશે? આ બાળકે શું ગુનો કર્યો છે કે તેને જન્મતાની સાથે માતાનુ વાત્સલ્ય પણ ન મળે, માતાનો ચહેરો પણ ન જોઈ શકે. શું તેનો એ વાંક છે કે તે છોટાઉદેપુર જેવા અંતરિયાળ ગામમાં જન્મ્યુ છે? શું આનો જવાબ સરકાર આપી શકશે ?